વડોદરામાં રામનવમીની શોભાયાત્રા ઉપર જે પાંજરીગર મહોલ્લામાં પથ્થરમારો થયો હતો ત્યાંની મુલાકાતે ગયેલા AIMIM ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાએ ઇસ્લામી ટોળાની કરતૂતોને નજરઅંદાજ કરીને શોભાયાત્રા કાઢનારા હિંદુઓ પર સવાલ ઉઠાવ્યા હતા તેમજ એમ પણ કહ્યું હતું કે, ચૂંટણી આવી રહી છે તેના કારણે એક કોમને દબાવવા માટે આ કાવતરું કરવામાં આવી રહ્યું છે.
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ગુજરાત પ્રદેશના પ્રમુખ સાબિર કાબલીવાલાએ આજે વડોદરાના પાંજરીગર મહોલ્લાની મુલાકાત લીધી હતી. આ વિસ્તાર મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે અને અહીંથી જ રામનવમીના દિવસે ભગવાનની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો.
સાબિર કાબલીવાલાએ વડોદરાની સ્થાનિક ન્યૂઝ ચેનલ ‘સયાજી સમાચાર’ સાથે વાત કરતાં આ ઘટનાને દુઃખદ તો ગણાવી પરંતુ પછીથી શોભાયાત્રા કાઢનારા હિંદુઓ પર સવાલ ઉઠાવીને કહ્યું કે તેઓ તલવારો લઈને શા માટે નીકળ્યા હતા.
તેમણે કહ્યું, “આ દુઃખદ ઘટના છે. રામનવમીનું સરઘસ નીકળે છે તો હર્ષોલ્લાસથી નીકળે છે પણ એ સમજાતું નથી કે તેની અંદર તલવારો લઈને નીકળવાની શું જરૂર છે અને તેનો શું અર્થ છે?” તેમણે એમ પણ કહ્યું કે, જે બની ગયું તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને એકતરફી ધરપકડ થઇ છે તે થવું ન જોઈએ અને તેમની પણ સામે (હિંદુઓની) ધરપકડ થવી જોઈએ.”
તેમણે કહ્યું કે, “આમાં સો ટકા કાવતરું છે. ચૂંટણી આવી રહી છે તેના હિસાબે આ બધું એક માહોલ બનાવવા માટે, એક કોમને દબાવીને બીજી કોમને ખુશ કરવાની વાત છે….પરંતુ આગળ જઈને આ બાબત ખૂબ મોટું નુકસાન થશે. જે કોઈ પણ કરાવી રહ્યા છે તેમણે આ કરવું ન જોઈએ.”
શું હિંદુઓ તલવારો લઈને નીકળ્યા હતા?
રામયાત્રાઓ પર હુમલા થયા બાદ ઘટનાની તલસ્પર્શી વિગતો મેળવવા માટે ઑપઇન્ડિયાએ બજરંગ દળના શહેર સંયોજક કેતનભાઈ ત્રિવેદીનો સંપર્ક કર્યો હતો. તેમણે વાતચીતમાં જણાવ્યું હતું કે, શોભાયાત્રામાં એક પણ વ્યક્તિ તલવાર કે અન્ય કોઈ પણ હથિયાર લઈને આવ્યો ન હતો અને પથ્થરમારો મુસ્લિમ ટોળામાંથી જ કરવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યું કે, “અમે શોભાયાત્રામાં કોઈ તલવારો કે અન્ય હથિયાર લઈને ગયા ન હતા. કારણ કે અમે જાણીએ છીએ કે તેના વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર ખોટો સંદેશ પ્રસારિત કરવામાં આવે છે.” તેમણે એ પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા કે કોઈ રામયાત્રામાં આવેલો હિંદુ કઈ રીતે પથ્થરમારો કરી શકે કે એવું તો હતું નહીં કે હિંદુઓ પોતાની સાથે પથ્થરો લાવ્યા હોય.
તેમણે એ પણ જણાવ્યું હતું કે, કઈ રીતે એક મુસ્લિમ શખ્સે નંબર પ્લેટ વગરની બાઈક લાવીને એક યાત્રામાં સામેલ એક કાર સાથે અથડાવી દીધી હતી અને પછી બોલાચાલી કરવા માંડ્યો હતો અને બીજી તરફ મસ્જિદ અને આસપાસનાં ઘરોમાંથી પથ્થરો ફેંકવામાં આવ્યા હતા.