રાષ્ટ્રીય જનતા દળ, RJDના ધારાસભ્ય ભાઈ વીરેન્દ્રએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવાના વિરોધમાં બિન-ભાજપ પક્ષોના સાંસદોને રાજીનામુ આપવા અપીલ કરી. એટલે ના અટકતા તેઓએ આગળ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ‘લોકશાહી માટેના જોખમ’ સામેની લડાઈમાં ‘રાષ્ટ્રનું નેતૃત્વ’ કરવા વિનંતી કરી.
નોંધનીય છે કે રાહુલ ગાંધીને તાજેતરમાં સુરતની કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા બાદ અને માનહાનિના કેસમાં 2 વર્ષની જેલની સજા સંભળાવ્યા બાદ તેમને લોકસભામાંથી સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
ભાઈ વીરેન્દ્રએ કહ્યું, “મેં વિપક્ષના તમામ સાંસદોને રાજીનામું આપવા અને રસ્તા પર સરકાર સામે લડાઈ લડવાની અપીલ કરી છે. સાંસદોએ લોકશાહી બચાવવા માટે આ પગલું ભરવાની જરૂર છે,” આરજેડી ધારાસભ્યએ મુખ્યમંત્રી નીતિશ કુમારને 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે વિપક્ષની લડાઈનું નેતૃત્વ કરવા પણ વિનંતી કરી હતી.
આરજેડી ધારાસભ્યએ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવને પણ સમર્થન આપ્યું હતું અને દાવો કર્યો હતો કે તપાસ એજન્સીઓ દ્વારા તેમને ભાજપના ઈશારે નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
રાહુલ ગાંધીને થઇ છે 2 વર્ષની સજા
નોંધનીય છે કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. 23 માર્ચે સુરતની કોર્ટે બદનક્ષીના એક કેસમાં તેમને 2 વર્ષની સજા સંભળાવી હતી. જે બાદ 24 માર્ચે લોકસભા દ્વારા તેમને ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા હતા.
લોકસભાના સેક્રેટરી દ્વારા જાહેર કરવામાં આવેલા પત્રમાં સુરતની કોર્ટના આદેશનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું કે વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી તેઓ દોષિત જાહેર થયાના દિવસથી એટલે કે 23 માર્ચ, 2023થી સભ્યપદેથી બરખાસ્ત થાય છે.
રાહુલ ગાંધી સામે ચાર વર્ષથી ચાલતા બદનક્ષીના એક કેસમાં સુરતની કોર્ટે ગુરુવારે (23 માર્ચ) ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે તેમને 2 વર્ષની સજા સંભળાવીને 15 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. જોકે, રાહુલ ગાંધીએ ઉપરની કોર્ટમાં અપીલ કરવાનું કહેતાં કોર્ટે તેમને જામીન આપીને 30 દિવસ માટે સજા રદ કરી દીધી હતી.