સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીના (AAP) નેતા સૌરભ ભારદ્વાજનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ કાર્યકર્તાઓને કહેતા સંભળાય છે કે જેલમાં બહુ મજા આવે છે અને કોઈ તકલીફ પડતી નથી. તેઓ એમ પણ કહે છે કે, જેલ દિલ્હી સરકારની (કેજરીવાલ સરકારની) છે.
ભાજપ નેતા અને પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ આ વિડીયો શૅર કરીને સૌરભ ભારદ્વાજ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું છે. તેમણે જેલમાં કેજરીવાલ સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને મળતી VIP સુવિધાઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે આડકતરી રીતે AAP નેતાએ આ બાબતનો જાહેર સ્વીકાર કરી લીધો છે.
Saurabh Bharadwaj- AAP leader & now taking over as minister – tells AAP workers
— Shehzad Jai Hind (@Shehzad_Ind) March 3, 2023
Don’t be afraid of jail- jail is a lot of fun- jail is under Delhi govt – many colleagues are inside- they are having fun
CANDID CONFESSION OF HOW SATYENDRA JAIN WAS GIVEN VVIP TREATMENT MAALISH pic.twitter.com/5yMQHevaGn
વિડીયોમાં આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજ કહે છે, “આમ આદમી પાર્ટી હવે લાંબી લડાઈ લડવા માટે તૈયાર આવે છે. આમ આદમી પાર્ટી વિચારીને આવી છે…નરેન્દ્ર મોદીજી સામે લડવા માટે જે કુરબાની આપવી પડે, કુરબાની માટે તૈયાર છો જેલ જવાનો ડર તો નથી લાગી રહ્યો?” ત્યારબાદ કાર્યકર્તાઓની ભીડ હકારમાં અવાજ કરે છે.
આગળ AAP નેતા કહે છે, “જેલમાં બહુ મજા આવે છે, કોઈ તકલીફ નથી પડતી. હું તમને કહું છું. અનેક સાથીઓ અંદર છે. કોઈ ચિંતાની વાત નથી….અને સારી વાત એ છે કે જેલ દિલ્હી સરકારની છે.”
દિલ્હી દારૂ કૌભાંડ મામલે દિલ્હી સરકારના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાની CBI દ્વારા ધરપકડ બાદ આ કાર્યકર્તાઓને સંબોધન કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, વિડીયો ચોક્કસ ક્યારે ઉતારવામાં આવ્યો હતો તે હજુ સુધી જાણી શકાયું નથી.
અહીં એ પણ નોંધવું જોઈએ કે મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનાં રાજીનામાં બાદ સૌરભ ભારદ્વાજ દિલ્હીની કેજરીવાલ સરકારમાં મંત્રી બનવા જઈ રહ્યા છે. તેમની સાથે આતિશી માર્લેનાને પણ મંત્રાલય સોંપવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનને મળતી હતી VIP સગવડો
અહીં ઉલ્લેખનીય છે કે ભ્રષ્ટાચારના કેસમાં હાલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ કેજરીવાલ સરકારના અન્ય એક પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને ત્યાં VIP સગવડો મળતી હોવાની બાબત સામે આવતી રહી છે. જેલના કેટલાક CCTV ફૂટેજ પણ વાયરલ થયા હતા, જેમાં જૈનને મસાજ વગેરે સગવડો મળતી જોઈ શકાય છે તેમજ ભોજનમાં પણ છૂટછાટ આપવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ આ મામલે કાર્યવાહી પણ થઇ હતી.
હવે મનિષ સિસોદિયા CBIની કસ્ટડીમાં છે ત્યારે AAP નેતા આડકતરી રીતે સ્વીકારતા જોવા મળી રહ્યા છે કે તેમના સાથીઓ જેલમાં જલસા કરી રહ્યા છે. એ પણ નોંધનીય છે કે રાજ્યના કાયદો-વ્યવસ્થા કેન્દ્ર સરકાર સંભાળે છે પરંતુ જેલ દિલ્હીની કેજરીવાલ સરકાર હસ્તક આવે છે.
મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને તાજેતરમાં જ કેજરીવાલ સરકારમાંથી રાજીનામાં આપી દીધાં હતાં. સત્યેન્દ્ર જૈન જેલમાં હોવા છતાં તેઓ મંત્રી પદે યથાવત હતા પરંતુ સિસોદિયા પણ CBIના હાથે પકડાતાં આખરે બંનેએ રાજીનામાં આપી દીધાં હતાં. સિસોદિયા 5 માર્ચ સુધી CBI કસ્ટડીમાં છે.