સુરત સ્થિત સુમુલ ડેરીને સાત દાયકા બાદ હવે નવું નામ મળવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ સુમુલ હવે સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ તરીકે ઓળખાશે. રવિવારે સુમુલના બાજીપુરા સ્થિત પ્લાન્ટ ખાતે સુમુલની સામાન્ય સભા મળી હતી, જેમાં સભાસદોએ આ નવા નામને મંજૂરી આપી હતી.
સભાસદો તરફથી પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ હવે સુમુલનું નામ બદલવા માટે સુરત જિલ્લા રજિસ્ટ્રારનો સંપર્ક કરવામાં આવશે. જે બાદ સુમુલ ડેરીને અધિકારીક રીતે નવું નામ મળશે.
સુમુલ ડેરી રાજ્યની સૌથી મોટી ડેરીઓમાંની એક છે. જેની સ્થાપના વર્ષ 1951 માં થઇ હતી. ડેરીનો વાર્ષિક 4,500 કરોડનો વહીવટ છે. તેમજ સુમુલ હેઠળ એક હજારથી પણ વધુ મંડળીઓ નોંધાયેલી છે. સુમુલ ડેરીમાં કુલ 2 લાખ 60 હજાર સભાસદો છે. છેલ્લા પાંચથી વધુ વર્ષોથી ડેરી પર ભાજપની સત્તા છે. હાલ પૂર્વ સાંસદ માનસિંહ પટેલ ડેરીના ચેરમેન છે.
ચેરમેન માનસિંહ પટેલે સભાસદોને સંબોધતા કહ્યું હતું કે, નાણાકીય વર્ષ 2021-22 માં કુલ વેચાણ રૂ. 4079.45 જેટલું થયું છે. જે ગત વર્ષ કરતા 49.22 કરોડ વધારે છે. દૂધ અને દૂધની બનાવતોના વેચાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેમાં આઈસક્રીમમાં 96.28 ટકા, દહીંમાં 33.61 ટકા, છાશમાં 23.54 ટકા અને દૂધના વેચાણમાં 12.59 ટકા વધારો નોંધાયો છે.
તેમણે જણાવ્યું કે, પેટ્રોલ-ડિઝલ, ગેસ, કાચોમાલ, પેકીંગ મટિરિયલ વગેરેના ભાવોમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં પશુપાલકોને ભાવફેર પેટે રૂ. 92 પ્રતિ કિલોફેટ આપવામાં સફળ રહ્યા છીએ. તેમજ જણાવવામાં આવ્યું કે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને રૂ. 21.80 કરોડની સહાય અને સબસીડી પહોંચાડવામાં આવી છે. જે ગત વર્ષ કરતાં 9.59 કરોડ રૂપિયા વધારે છે.
આ ઉપરાંત, સુમુલ ડેરી દ્વારા છેલ્લા ચાર વર્ષમાં ભારત સરકારના કુપોષણ નિવારણ અભિયાન હેઠળ પોષણયુક્ત બનાવટો પૂરી પાડી 31,080 જેટલા બાળકોને કુપોષણ મુક્ત કરવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
આ ઉપરાંત, સુમુલના ચેરમેન માનસિંહ પટેલે અગત્યની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સહકાર મંત્રી અમિત શાહના પ્રયત્નોના કારણે સુમુલ ડેરીના નવી પારડી સ્થિત આઇસક્રીમ પ્લાન્ટની ક્ષમતા દૈનિક 50,000 લિટરથી વધારીને એક લાખ લિટર સુધી કરવા માટેની મંજૂરી મળી ગઈ છે.
આ ઉપરાંત, તેમણે એમ પણ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બાજીપુરા ખાતે યોજાયેલા પ્રથમ સહકાર સંમેલનની ફલશ્રુતિ સ્વરૂપ રાજ્ય સરકાર તરફથી સુમુલને ઓર્ગેનિક લેબ ભેટ આપવામાં આવી છે. તેમજ લેબ માટે સરકારે 16 કરોડ રૂપિયા મંજૂર કર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.