Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજ્યમાં 14 હજારથી વધુ અનધિકૃત મજહબી-ધાર્મિક બાંધકામો, 5 હજારથી વધુ માત્ર મહાનગરપાલિકાઓમાં:...

    રાજ્યમાં 14 હજારથી વધુ અનધિકૃત મજહબી-ધાર્મિક બાંધકામો, 5 હજારથી વધુ માત્ર મહાનગરપાલિકાઓમાં: હાઇકોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ

    રાજ્યભરમાં કુલ 14,330 સ્થળો એવાં છે જ્યાં ગેરકાયદેસર રીતે ધાર્મિક કે મજહબી બાંધકામ કરવામાં આવ્યું છે. જેમાં દરગાહ, મજારો અને નાનાં મંદિર કે દેરીઓનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    રાજ્યભરમાં શહેરો-ગામોમાં રસ્તા ઉપર અતિક્રમણ કરીને ગેરકાયદેસર રીતે બાંધી કાઢવામાં આવેલ મજહબી-ધાર્મિક બાંધકામો મામલે હાઇકોર્ટ સખ્ત થઇ છે. હાઈકોર્ટે 15 ડિસેમ્બર (ગુરુવાર) સુધીમાં સરકારને આ બાંધકામોની વિગતો અને તેને દૂર કરવા માટે લેવામાં આવેલ પગલાંની વિગતો પૂરી પાડવા માટે નિર્દેશ આપ્યા હતા. 

    વાસ્તવમાં હાઇકોર્ટ એક 16 વર્ષ જૂના સુઓમોટો કેસની સુનાવણી કરી રહી છે. વર્ષ 2006માં દાખલ થયો હતો, જે ત્યારબાદ સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. જોકે, કોર્ટે તમામ રાજ્યોને અનધિકૃત ધાર્મિક-મજહબી બાંધકામો સામે પગલાં લેવા માટે આદેશ આપીને પરત હાઇકોર્ટમાં મોકલી આપ્યો હતો, જે મામલે હાઇકોર્ટે સુનાવણી હાથ ધરી છે. 

    કોરોનાકાળ પહેલાં મામલાની સુનાવણી થઇ હતી ત્યારે સરકારે કોર્ટને રિપોર્ટ સોંપ્યો હતો. જોકે, હવે ફરી મામલો ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠ પાસે પહોંચ્યો છે. બેન્ચ જાણવા માંગે છે કે આ મામલે હાલ શું સ્થિતિ છે અને જેને લઈને સરકાર પાસે જવાબ માંગવામાં આવ્યો છે. 

    - Advertisement -

    સરકારે આ મામલે જવાબ આપવા માટે એક અઠવાડિયાનો સમય માંગ્યો હતો પરંતુ કોર્ટે કહ્યું કે, તેમને પહેલેથી જ વધુ સમય મળી ચૂક્યો છે અને મામલાની સુનાવણી 15 ડિસેમ્બર 2022 (ગુરુવારે) મુકરર કરી હતી. 

    2017માં સરકારે આપેલા જવાબ અનુસાર, રાજ્યભરમાં કુલ 14,330 સ્થળો એવાં છે જ્યાં ગેરકાયદેસર રીતે ધાર્મિક કે મજહબી બાંધકામ કરવામાં આવ્યું છે. જેમાં દરગાહ, મજારો અને નાનાં મંદિર કે દેરીઓનો સમાવેશ થાય છે. તે જાહેર રસ્તા, બેગ-બગીચા, ફૂટપાથ કે ખુલ્લી જગ્યામાં બાંધવામાં આવ્યાં છે. 

    2017 સુધીના આંકડાઓ અનુસાર, રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં જ 5,264 જેટલાં અનધિકૃત ધાર્મિક-મજહબી બાંધકામો આવેલાં હતાં. 2017માં રાજ્યમાં કુલ આવાં બાંધકામોની સંખ્યા 14,505 જેટલી હતી, જે કાર્યવાહી બાદ જુલાઈ 2019માં ઘટીને 14,330 જેટલી થઇ હતી. 

    ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અનધિકૃત રીતે તાણી બાંધવામાં આવેલ ધાર્મિક અને મજહબી બાંધકામોને લઈને રાજ્યની ભુપેન્દ્ર પટેલ સરકાર પણ સખ્ત થઇ છે. સરકારે તાજેતરમાં જ બેટ દ્વારકામાં એક મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરીને અનેક મજહબી બાંધકામો તોડી પાડ્યાં હતાં. ઉપરાંત, દિવાળીની રાત્રિએ સુરતમાં પણ એક દેરી અને દરગાહને હટાવી દેવામાં આવ્યાં હતાં. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં