200 કરોડની છેતરપિંડીના મામલામાં બોલિવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. નોરા ફતેહીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ બાદ દિલ્હીની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW) તરફથી ક્લીનચીટ મળી ગઈ છે, જ્યારે EOWએ બુધવારે (14 સપ્ટેમ્બર, 2022) કરેલી આ પૂછપરછમાં જેકલીને મહાઠગ સુકેશ ચંદ્રશેખર વિશે કેટલાક નવા ખુલાસા કર્યા હતા. તેમજ હવે એ વાત સામે આવી રહી છે કે કરમકુંડળી જાણતી હોવા છતાં જેકલીનના મહાઠગ સાથે પરણવાના અભરખા હતા.
વાસ્તવમાં, મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મહાઠગ સુકેશ ચંદ્રશેખર અને જેકલીન ફર્નાન્ડીઝને સંડોવતા ₹200 કરોડના છેતરપિંડી કેસની તપાસ કરી રહેલી ટીમના અધિકારીઓનું કહેવું છે કે જેકલીન ફર્નાન્ડિઝને તેના કેટલાક મિત્રોએ સુકેશ વિશે ચેતવણી આપી હતી. પરંતુ, જેકલીને કોઈની વાત પર ધ્યાન ન આપ્યું. રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે જેકલીન ફર્નાન્ડિઝ પણ સુકેશ ચંદ્રશેખર સાથે લગ્ન કરવાનું વિચારી રહી હતી.
નોંધપાત્ર વાત એ છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તેની ચાર્જશીટમાં કહ્યું હતું કે જેકલીન ફર્નાન્ડિઝ બધું જાણતી હોવા છતાં તેના સંપર્કમાં હતી. ઉપરાંત, EDએ જેકલીનને સુકેશની ‘ક્રાઈમ પાર્ટનર’ તરીકે પણ ઓળખાવી હતી .
જેકલીને ચંદ્રશેખર પાસેથી કરોડોની ગિફ્ટ લીધી
અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે ₹215 કરોડની છેતરપિંડીના આ કેસમાં ED દ્વારા જેકલીન ફર્નાન્ડિઝ પર સતત સકંજો કસવામાં આવી રહ્યો છે. EDએ જેકલીનની 7.27 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. જેકલીને આ રકમ ફિક્સ ડિપોઝીટના રૂપમાં પોતાની પાસે રાખી હતી.
રિપોર્ટ્સ અનુસાર, સુકેશે જેકલીનની માતાને લક્ઝરી કાર મસેરાટી અને પોર્શે કાર આપી હતી. તેની બહેનને તેણે 1.50 લાખ યુએસ ડોલર (લગભગ 1.20 કરોડ રૂપિયા) લોન તરીકે આપ્યા હતા. સાથે જ જેકલીનના ભાઈને 15 લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. જેકલીનની બહેન અમેરિકામાં રહે છે જ્યારે તેનો ભાઈ ઓસ્ટ્રેલિયામાં રહે છે.
આ સિવાય મહાઠગ સુકેશે જેકલીનને મોંઘી બેગ્સ અને ડિઝાઈનર્સ ગુચી, ચેનલ અને વાયએસએલ બિર્કિનની મોંઘી ઈયરિંગ્સ ભેટમાં આપી હતી. YSL, લૂઈસ વીટન અને ગૂચી શૂઝ, કાર્ટિયર બંગડીઓ અને હર્મેસ અને ટિફની બ્રેસલેટ તેમજ રોલેક્સ, રોજર ડુબ્યુસ અને ફ્રેન્ક મુલરની લક્ઝરી ઘડિયાળો પણ ભેટમાં આપવામાં આવી હતી.
એટલું જ નહીં, સુકેશ જેકલીન પર એટલો ઓળઘોળ હતો કે તેણે જેકલીનને એક BMW (5) અને એક મિની કૂપર કાર પણ ગિફ્ટ કરી હતી. આ સિવાય બે ગૂચી જિમવેર, 52 લાખની કિંમતનો અરેબિયન ઘોડો એસ્પ્યુએલા, 9-9 લાખ રૂપિયાની ત્રણ પર્શિયન બિલાડીઓ પણ આપવામાં આવી હતી. જોકે, જેકલીન ફર્નાન્ડિઝ સતત દાવો કરતી રહે છે કે તેણે સુકેશ ચંદ્રશેખરને ઘણી વસ્તુઓ પરત કરી દીધી છે.