મદુરાઈમાં હિંદુઓના કાર્તિગઇ દીપમ પર રોક લગાવવાના પ્રયાસો, દીપસ્તંભ પર દીવો પ્રગટાવવાના હાઇકોર્ટના આદેશ સામે TVK સરકાર સુપ્રીમ પહોંચી

તમિલનાડુના મદુરાઈ સ્થિત પવિત્ર થિરુપરનકુંદ્રમ પર્વતને લઈને ચાલી રહેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે અને 18 નવેમ્બર 2026ના રોજ મામલે બીજા દિવસે પણ સુનાવણી થઈ હતી. વિજયની TVK સરકાર મદ્રાસ હાઇકોર્ટના એ આદેશને અટકાવવા માગે છે, જેમાં થિરુપરનકુંદ્રમ પર્વત પર આવેલા દીપસ્તંભ પર કાર્તિગઇ દીપમ પ્રગટાવવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે હજુ સરકારની સ્ટે અરજી પર કોઈ આદેશ આપ્યો નથી અને મામલાની સુનાવણી 19 નવેમ્બરે પણ ચાલુ રહેશે.

આ મામલો એટલા માટે મહત્વનો છે કારણ કે 24 નવેમ્બરે કાર્તિગઇ દીપમનો પવિત્ર તહેવાર છે. હિંદુ ભક્તો જે સ્થળે દીપ પ્રગટાવવા માગે છે તે પથ્થરનો દીપસ્તંભ એક દરગાહથી આશરે 50 મીટરના અંતરે આવેલો છે. મદ્રાસ હાઇકોર્ટે અગાઉ આ સ્થળે દીપ પ્રગટાવવાની મંજૂરી આપી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે આ ધાર્મિક પરંપરા નિભાવવાથી દરગાહના અધિકારોને અસર થતી નથી. હવે વિજય સરકાર એ જ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે.

વિજય સરકારનો સુપ્રીમ કોર્ટમાં દાવો- દીપસ્તંભ પર દીવો પ્રગટાવવાની પરંપરા જ નથી

સુપ્રીમ કોર્ટમાં તમિલનાડુ સરકાર તરફથી વકીલ જયદીપ ગુપ્તાએ દલીલ કરી હતી કે દીપસ્તંભ પર કાર્તિગઇ દીપમ પ્રગટાવવાની કોઈ સ્થાપિત પરંપરા કે કાયદેસર પરંપરાગત હક સાબિત થયો નથી. સરકારનું કહેવું છે કે અગાઉ પણ મદ્રાસ હાઇકોર્ટ સમક્ષ આ જ સ્થળે દીવો પ્રગટાવવાની માગ કરવામાં આવી હતી, જેને અગાઉના ચુકાદાઓમાં નકારી દેવામાં આવી હતી. 

સરકાર તરફથી એવી પણ દલીલ કરવામાં આવી કે મંદિરના સ્થાનીકરોએ જણાવ્યું છે કે આગમ શાસ્ત્રો અનુસાર કાર્તિગઇ દીપમ પરંપરાગત રીતે ઉચિ પિલ્લૈયાર મંદિર નજીક આવેલા દીપ મંડપમમાં પ્રગટાવવામાં આવે છે. તેથી માત્ર તમિલનાડુમાં સામાન્ય રીતે પર્વતો પર મંદિરના દીવા પ્રગટાવવામાં આવે છે એવી વાતને થિરુપરનકુંદ્રમના આ ચોક્કસ સ્થળે દીપ પ્રગટાવવાની પરંપરાનો પુરાવો ગણી શકાય નહીં.

સરકારના વકીલે સુપ્રીમ કોર્ટમાં સવાલ ઉઠાવ્યો હતો કે જો મંદિર તરફથી જ પરંપરાગત સ્થળ અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવી રહી હોય તો કોર્ટ તેમાં હસ્તક્ષેપ કેમ કરે? HR&CE કમિશનર તરફથી હાજર વકીલ શેખર નાફડેએ પણ વર્તમાન વ્યવસ્થા જાળવી રાખવાની માગ કરી હતી. તેમની દલીલ હતી કે જો કોઈ પરંપરા 100 વર્ષથી ચાલી રહી હોય તો તેને અચાનક શા માટે બદલવી જોઈએ? 

‘હજારો સર્વે પિલર ધાર્મિક બની જશે’- વિજય સરકારની નવી દલીલ

18 નવેમ્બરની સુનાવણી દરમિયાન મદુરાઈના જિલ્લા કલેક્ટર તરફથી હાજર વકીલ ગોપાલ શંકરનારાયણે દલીલ કરી કે પથ્થરનો થાંભલો મૂળથી દીપ પ્રગટાવવા માટે બનાવવામાં આવ્યો નથી, પરંતુ સર્વે માટે ઉભો કરવામાં આવ્યો હતો. જો હાઇકોર્ટનો આદેશ રોકવામાં નહીં આવે તો દેશમાં આવા હજારો સર્વે પિલરોને ધાર્મિક રંગ મળવાનો રસ્તો ખુલશે તેવી ચિંતા પણ તેમણે વ્યક્ત કરી.

તેમણે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે રાજ્યને ભય છે કે જો આ ચુકાદો યથાવત રહ્યો તો અન્ય સ્થળોના સર્વે પિલરોને પણ ધાર્મિક ઓળખ આપીને ત્યાં ધાર્મિક વિધિઓ શરૂ થઈ શકે છે. સરકારનું કહેવું છે કે વિવાદિત સ્થળે દીપ પ્રગટાવવાથી વર્તમાન વ્યવસ્થા બદલાશે અને સંવેદનશીલ વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાની સમસ્યા ઊભી થઈ શકે છે. 

અહીં નોંધનીય છે કે મદ્રાસ હાઇકોર્ટે અગાઉ રાજ્યની આ જ પ્રકારની કાયદો-વ્યવસ્થાની દલીલને સ્વીકારી નહોતી. જાન્યુઆરી 2026માં ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે દીપ પ્રગટાવવાથી કાયદો-વ્યવસ્થાની સમસ્યા ઊભી થશે એવી રાજ્યની આશંકા વાસ્તવિક આધાર વિનાની છે અને મંદિર વહીવટીતંત્રની પોતાની પરંપરાનું રક્ષણ કરવાની જવાબદારી છે. હાઇકોર્ટે રાજ્યનો એ દાવો પણ નકાર્યો હતો કે વિવાદિત પથ્થર બ્રિટિશ શાસન દરમિયાન ઉભો કરાયેલો માત્ર સર્વે પિલર છે.

દરગાહ તરફથી પણ હાઇકોર્ટના આદેશનો વિરોધ

સુપ્રીમ કોર્ટમાં સિંકદર દરગાહ તરફથી વકીલ હુઝેફા અહમદીએ પણ દલીલો કરી હતી. તેમનો દાવો હતો કે મદ્રાસ હાઇકોર્ટના સિંગલ જજ સમક્ષ દરગાહને પૂરતી તક આપવામાં આવી નહોતી. તેમણે એવી પણ દલીલ કરી કે જો નવા સ્થળે દીપ પ્રગટાવવાની નવી પરંપરા સ્થાપિત કરવી હોય તો તે માટે સિવિલ સુટ દ્વારા પુરાવા રજૂ કરવાની જરૂર છે અને જાહેર હિતની અરજી મારફતે આવી નવી પરંપરા ઊભી કરી શકાય નહીં.

દરગાહ તરફથી એવો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો કે વિવાદિત પથ્થર દરગાહ અને અન્ય સ્થળોની વચ્ચેના વિસ્તારમાં આવેલો છે અને હાઇકોર્ટના સિંગલ જજ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન દરગાહને પૂરતી જાણ કરવામાં આવી નહોતી. જોકે, ડિવિઝન બેન્ચે બાદમાં દરગાહને અપીલ દરમિયાન સાંભળવામાં આવી હોવાને ધ્યાનમાં લીધું હતું.