ગોધરા હિંદુ હત્યાકાંડના 7 ગુનેગારોને 4 મહિનાથી અપાયેલા પેરોલ હાઇકોર્ટે 10 ડિસેમ્બર સુધી લંબાવ્યા

2002ના ગોધરા હિંદુ હત્યાકાંડમાં આજીવન કેદ ભોગવતા 7 દોષિતોને અપાયેલા પેરોલ હાઇકોર્ટે 10 ડિસેમ્બર સુધી લંબાવી દીધા છે. તમામે જેલમાંથી વહેલી મુક્તિ (રિમિસન) માટે રાજ્ય સરકાર સમક્ષ અરજી કરી છે. હાઇકોર્ટે નોંધ્યું કે રાજ્ય સરકારે અરજીઓ પર હજુ સુધી અંતિમ નિર્ણય લીધો નથી જેથી પેરોલ લંબાવવામાં આવે. તમામ 10 ડિસેમ્બર સુધી જેલની બહાર રહેશે.

દોષિતોમાં મેહબૂબ પોપા, મેહબૂબ લતીફ, જબીર બિનયામીન બેહરા, રમજાની બિનયામીન બેહરા, સોકત બીબીનો, સિરાજ મેઢા અને અનવર મેઢાનો સમાવેશ થાય છે. આ તમામ ગુનેગારોને અગાઉ જૂન અને જુલાઈ મહિનામાં ચાર મહિના માટે પેરોલ આપવામાં આવ્યા હતા. તે સમયે હાઇકોર્ટે રાજ્ય સરકારને દોષિતોની વહેલી મુક્તિની અરજીઓ પર નિર્ણય લેવા નિર્દેશ આપ્યો હતો, પરંતુ ચાર મહિના જેટલો સમય વીતી ગયા બાદ પણ કોઈ નિર્ણય ન આવતાં દોષિતોએ પેરોલ વધારવા માગ કરી હતી.

સરકારે પેરોલ વધારવાનો કર્યો વિરોધ

સુનાવણી દરમિયાન રાજ્ય સરકારના વકીલે દોષિતોની પેરોલ વધારવાની માગનો સખત વિરોધ કર્યો હતો. સરકાર તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ દોષિતોની વહેલી મુક્તિની અરજીઓ હાલમાં વિચારણા હેઠળ છે. જોકે, જસ્ટિસ ડી.એન. રાયે સરકારની કામગીરીની ગતિ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ટકોર કરી હતી કે સરકાર મુક્તિની અરજીઓ પર નિર્ણય પણ ન લે અને દોષિતોને પેરોલ પણ ન મળે તેવું ન બની શકે, ત્યારબાદ કોર્ટે 10 ડિસેમ્બર સુધી પેરોલ લંબાવી દીધા.

અગાઉ જસ્ટિસ મેંગડેએ ચાર મહિનાના પેરોલ મંજૂર કર્યા હતા અને કહ્યું હતું કે દોષિતો 22 વર્ષ, 11 મહિના જેલમાં વિતાવી ચૂક્યા છે. ઉપરાંત અગાઉ પણ સરકાર સમક્ષ એક વખત વહેલી મુક્તિની માંગ કરતી અરજી કરવામાં આવી હતી પરંતુ એ અરજી ફગાવી દેવામાં આવી હતી. એક વર્ષ બાદ તમામે ફરી અરજી દાખલ કરી, જેથી હાઇકોર્ટે સરકારને પ્રાથમિકતાના ધોરણે અરજીઓ પર વિચારણા કરવા માટે કહ્યું હતું. સરકાર હવે અરજીઓ પર વિચાર કરીને નિર્ણય જણાવશે.

સાબરમતી એક્સપ્રેસને મુસ્લિમ ટોળાએ લગાવી હતી આગ

ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન પર અયોધ્યાથી આવતી સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચને બહારથી બંધ કરીને સળગાવી દેવામાં આવ્યો હતો. ગોધરાના મુસ્લિમોના આ આતંકી કૃત્યમાં 27 મહિલાઓ, 10 બાળકો સહિત 59 નિર્દોષ હિંદુઓનાં મોત થયાં હતાં. આ ભયાનક ઘટના બાદ આક્રોશના પગલે ગુજરાતભરમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં.

પછીથી આ ષડ્યંત્રમાં સામેલ 31 મુસ્લિમોને કોર્ટે દોષી ઠેરવીને સજા ફટકારી હતી. શરૂઆતમાં 11ને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી પરંતુ હાઇકોર્ટે તેને આજીવન કેદમાં બદલી દીધી હતી. હાલ તમામ જેલમાં સજા કાપી રહ્યા છે. અમુક પેરોલ પર બહાર છે.