CJPની રત્ના સિંઘ સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી શરૂ થશે: જજ વિરુદ્ધની વિવાદાસ્પદ પોસ્ટ મામલે દિલ્હી સરકારની મંજૂરી

CJPની કાયદા પેનલની વડી રત્ના સિંઘ પર કાયદાકીય ગાળિયો કસાયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ન્યાયાધીશ વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓને લઈને દિલ્હી સરકારના એડિશનલ સ્ટેન્ડિંગ કાઉન્સેલ અમોલ સિન્હાએ તેની સામે ફોજદારી કોર્ટની અવમાનનાની કાર્યવાહી શરૂ કરવા માટે સત્તાવાર મંજૂરી આપી છે.

આ આખો વિવાદ 10 ઑક્ટોબરનો છે. CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધના CJPના વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા જઈ રહેલી રત્ના સિંઘની પોલીસે અટકાયત કરી હતી. ત્યારબાદ રત્નાએ દિલ્હી પોલીસ પર ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવાનો ગંભીર આરોપ મૂક્યો હતો. આ મામલે તેણે સાકેત કોર્ટમાં પોલીસ અધિકારીઓ સામે FIR નોંધાવવાની માગ કરતી અરજી કરી હતી.

સાકેત કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અભિનવ પાંડેએ આ અરજી પર સુનાવણી પણ કરી હતી, પરંતુ કોર્ટે તેને રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. કોર્ટના આ આદેશથી નારાજ થઈને રત્નાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને ન્યાયાધીશ પર આરોપ લગાવ્યો હતો કે જજ ‘માસ્ટરની સેવા’ કરી રહ્યા છે અને સુનાવણી દરમિયાન વારંવાર બ્રેક પર જાય છે.

પોસ્ટમાં રત્નાએ ત્યાં સુધી કહી દીધું હતું કે દિલ્હી પોલીસ અને જજ બંને કોઈ અજાણ્યા ‘માસ્ટર’ના ઇશારે કામ કરી રહ્યા છે અને આ આદેશમાં કાયદાકીય પ્રક્રિયાનો કોઈ ઉપયોગ થયો નથી. ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડતા આ પ્રકારના બેજવાબદાર નિવેદનો બાદ વકીલ કૌશિક ચેટર્જીએ કાયદાકીય કાર્યવાહીની માગ સાથે દિલ્હી સરકારના અધિકારી સમક્ષ રજૂઆતો કરી હતી.

વકીલ કૌશિક ચેટર્જીની રજૂઆત પર એડિશનલ સ્ટેન્ડિંગ કાઉન્સેલ અમોલ સિન્હાએ 2 નવેમ્બરે રત્ના સિંઘ સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહીની મંજૂરી આપી છે. તેમને સ્પષ્ટ કર્યું છે કે કોર્ટના ચુકાદાની ટીકા કરવી અલગ બાબત છે, પરંતુ કોઈપણ પુરાવા વગર ન્યાયાધીશ પર બહારના દબાણમાં કામ કરવાનો આક્ષેપ મૂકવો એ ન્યાયતંત્રની સ્વતંત્રતા પર સીધો ઘા છે.

કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ એક્ટ, 1971ની કલમ 15(2) હેઠળ આ કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં આવી છે. હવે દિલ્હી હાઇકોર્ટ આ મામલે આગળનો નિર્ણય કરશે.