
ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાતા યુવાનો માટે કેન્દ્ર સરકારે એક અત્યંત મહત્વનો અને રાહત આપનારો નિર્ણય લીધો છે. અત્યાર સુધી અગ્નિપથ યોજના હેઠળ યુવાનોને માત્ર ચાર વર્ષ માટે સેનામાં સેવા આપવાની તક મળતી હતી, જેમાં સુધારા કરીને હવે કાર્યકાળ લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે.
અગાઉની જોગવાઈ મુજબ ચાર વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ માત્ર 25 ટકા અગ્નિવીરોને જ સેનામાં કાયમી કરવામાં આવતા હતા, જ્યારે બાકીના 75 ટકા અગ્નિવીરોને સેવામુકત કરી દેવામાં આવતા હતા. જોકે, નવા નિર્ણય હેઠળ હવે 75 ટકા અગ્નિવીરોને પણ વધુ બે વર્ષ સેનામાં સેવા આપવાની તક આપવામાં આવશે, જેથી તેમનો સેવા કાર્યકાળ છ વર્ષ સુધીનો થશે.
આ નિર્ણયની જાહેરાત 4 નવેમ્બર, 2026ના રોજ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ એન.એસ. રાજા સુબ્રમણીએ કરી હતી. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ તેમણે જણાવ્યું હતું કે અગ્નિપથ યોજના હેઠળ ભરતી થયેલા યુવાનોના ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન તેમના કામનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આ મૂલ્યાંકન અને તેમના કામ અંગે મળેલા સકારાત્મક પ્રતિસાદને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. સરકારનું કહેવું છે કે આ નિર્ણયથી અગ્નિવીરોને સેનામાં પોતાની કારકિર્દી આગળ વધારવાની વધુ તક મળશે.
શું છે સરકારનો નવો નિર્ણય?
અગ્નિપથ યોજના હેઠળ અગાઉ ચાર વર્ષ પૂર્ણ થયા બાદ 25 ટકા અગ્નિવીરોને તેમની યોગ્યતા અને કામગીરીના આધારે સેનામાં કાયમી ધોરણે સામેલ કરવામાં આવતા હતા. બાકીના 75 ટકા અગ્નિવીરોને ચાર વર્ષ બાદ સેનામાંથી નિવૃત્ત થવું પડતું હતું. હવે સરકારના નવા નિર્ણય પ્રમાણે આ બાકીના 75 ટકા અગ્નિવીરોને વધુ બે વર્ષ સુધી સેનામાં કામ કરવાની તક આપવામાં આવશે. એટલે કે, તેઓ ચાર વર્ષને બદલે કુલ છ વર્ષ સુધી સેનામાં સેવા આપી શકશે.
સરકારના આ નવા નિર્ણયની સૌથી મોટી વિશેષતા એ છે કે બે વર્ષનો આ વધારાનો સમયગાળો પૂર્ણ કર્યા પછી પણ અગ્નિવીરો માટે કાયમી ભરતીનો માર્ગ વધુ મોકળો બન્યો છે. વધારાના 2 વર્ષના કાર્યકાળ બાદ પણ જે યુવાનો સેનામાં ચાલુ રહેવા માગતા હશે, તેમની યોગ્યતા અને કામગીરીના આધારે સેનામાં કાયમી ભરતી મેળવવાની તક આપવામાં આવશે.
પ્રથમ બેચના 18 હજારથી વધુ અગ્નિવીરોને મળી શકે છે લાભ
આ ફેરફારથી વર્ષ 2022માં જોડાનાર પ્રથમ બેચના 18,300થી વધુ અગ્નિવીરોને સીધો ફાયદો થવાની શક્યતા છે. આ યુવાનોનો ચાર વર્ષનો કાર્યકાળ ડિસેમ્બર 2026માં પૂરો થઈ રહ્યો હતો, પરંતુ હવે નવા નિયમ મુજબ જે યુવાનો કાયમી 25 ટકાની યાદીમાં સ્થાન ન મેળવી શકે, તેઓ પણ આગળના બે વર્ષ સુધી સેના સાથે જોડાયેલા રહેશે.
કાર્યકાળ વધારવાની સાથે સાથે સરકારે ભરતી પ્રક્રિયાની પદ્ધતિમાં પણ ફેરફાર કર્યો છે. CDSની જાહેરાત મુજબ હવે અગ્નિવીરની ભરતી માટે સૌપ્રથમ લેખિત પરીક્ષા યોજાશે અને તેમાં ઉત્તીર્ણ થનારા ઉમેદવારોની જ શારીરિક પરીક્ષા લેવામાં આવશે. આ ફેરફારથી પસંદગી પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બનશે.
આ ઉપરાંત, સેનામાં સેવા પૂર્ણ કર્યા બાદ બહાર આવતા યુવાનોને તેમની તાલીમ અને મેળવેલા અનુભવના આધારે ખાસ ‘સ્કિલ સર્ટિફિકેટ’ આપવામાં આવશે. આ સર્ટિફિકેટ સિવિલ ક્ષેત્ર કે અન્ય સરકારી-ખાનગી નોકરીઓમાં ખૂબ મદદરૂપ સાબિત થશે.
શું છે અગ્નિપથ યોજના?
કેન્દ્ર સરકારે 14 જૂન, 2022ના રોજ અગ્નિપથ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ ભારતીય સેનાની ત્રણેય પાંખો એટલે કે આર્મી, નેવી અને એરફોર્સમાં યુવાનોની અગ્નિવીર તરીકે ભરતી કરવામાં આવે છે. આ યોજના હેઠળ પસંદ થયેલા યુવાનોને ચાર વર્ષ માટે સેનામાં સેવા આપવાની તક મળે છે.
ચાર વર્ષ પૂર્ણ થયા બાદ મહત્તમ 25 ટકા અગ્નિવીરોને તેમની કામગીરી અને યોગ્યતાના આધારે કાયમી ધોરણે સેનામાં સામેલ કરવાની જોગવાઈ હતી. બાકીના અગ્નિવીરોને સેવા પૂર્ણ થયા બાદ સેના છોડવાની હતી. જોકે હવે આ નિર્ણય બાદ યોજનામાં મોટું પરિવર્તન આવ્યું છે.
અંતે અગ્નિપથ યોજના અંગે યુવાનોમાં ચાર વર્ષના ટૂંકા સમયગાળાને લઈને જે ચિંતા હતી, તે આ નિર્ણયથી ઘણી હદ સુધી દૂર થશે. યુવાનોને સેનામાં લાંબો સમય દેશસેવા કરવાની સાથોસાથ ભવિષ્ય સુરક્ષિત કરવા માટે પણ પૂરતો સમય અને તક મળશે.

