હોમપેજગુજરાતઅધૂરી હકીકતો પીરસીને અમરેલી હત્યાકાંડને ગુજરાતવિરોધી નેરેટિવમાં ફેરવતી કોંગ્રેસ

અધૂરી હકીકતો પીરસીને અમરેલી હત્યાકાંડને ગુજરાતવિરોધી નેરેટિવમાં ફેરવતી કોંગ્રેસ

સવાલ એ જ છે કે અમરેલીના બે શ્રમિકોને ન્યાય અપાવવો કોંગ્રેસની પ્રાથમિકતા છે કે તેમની કરુણ હત્યાને ગુજરાતવિરોધી પ્રોપગેન્ડાનું સાધન બનાવવું? કારણ કે જે ઘટનામાં આરોપીઓ અને મૃતકો બંને મધ્ય પ્રદેશના છે, તેને ગુજરાતના માથે થોપવા માટે પહેલાં હકીકતોનો અડધો ભાગ જ બતાવવો પડે.

- Advertisement -

અમરેલીમાં બે શ્રમિકોને જીવતા સળગાવી દેવાની ઘટના બની. એક 16 વર્ષનો સગીર અને બીજો 21 વર્ષનો યુવાન. બંને મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની હતા અને ગુજરાતમાં રહીને શ્રમિક તરીકે કામ કરતા હતા. લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં એક ખેતરમાં પાર્ક કરેલી તુફાન ગાડીમાં બંને ઊંઘી રહ્યા હતા ત્યારે મોડી રાત્રે કેટલાક શખ્સો આવ્યા, ગાડી પર પેટ્રોલ છાંટ્યું અને આગ ચાંપી દીધી. આગ એટલી ભીષણ હતી કે બંનેને બહાર નીકળવાની તક પણ મળી નહીં. સવારે ગાડીમાંથી બંનેના બળેલા મૃતદેહ મળી આવ્યા. ઘટનાની ગંભીરતા જોતાં પોલીસે તપાસ શરૂ કરી અને ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પણ લીધા. પરંતુ આ ઘટનામાં પોલીસ તપાસ આગળ વધે અને ગુનાની વધુ વિગતો બહાર આવે તે પહેલાં જ મધ્ય પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જીતુ પટવારીને ગુજરાતને ઘેરવાની તક મળી ગઈ. ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ આ જ નેરેટિવને આગળ વધારવા મહેનત શરૂ કરી દીધી.

સૌપ્રથમ આ ઘટનાની હકીકત સમજવી જરૂરી છે. મૃતકોની ઓળખ રવિ કમલેશ બધેલ અને નીતિન રામસિંગ પચાયા તરીકે થઈ હતી. બંને મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાસી હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ હત્યા પાછળ ગાડીની ખરીદી અને તેના નાણાંની લેતીદેતીનો વિવાદ હતો. મુખ્ય આરોપી વિનોદ ઉર્ફે વિનેશ વરસંગ ડોડીયારે હપ્તેથી ગાડી ખરીદી હતી. ગાડીના બાકી નાણાંની ચૂકવણી ન થતાં મૂળ માલિકે ગાડીનો કબજો પરત મેળવી લીધો હતો. આ ગાડીનો કબજો મૃતકોના પરિવાર સાથે સંકળાયેલા કમલેશ બધેલ પાસે હતો. ગાડી પાછી મેળવવા અને નાણાંની લેતીદેતીના વિવાદમાં વિનોદે પોતાના પિતરાઈ ભાઈ રાજુ ગોરધન ડોડીયારની મદદથી ગાડીને આગ ચાંપી દીધી. ગાડીમાં તે સમયે રવિ અને નીતિન ઊંઘી રહ્યા હતા. બંને આગની લપેટમાં આવી જતાં જીવતા ભૂંજાઈ ગયા. પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) હેઠળ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

હવે આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્ત્વની હકીકત પર આવીએ. મૃતકો મધ્ય પ્રદેશના હતા, પરંતુ આરોપીઓ પણ મધ્ય પ્રદેશના જ હતા. મુખ્ય આરોપી વિનોદ ડોડીયાર અને તેનો પિતરાઈ ભાઈ રાજુ ગોરધનભાઈ ડોડીયાર મધ્ય પ્રદેશના મહિન્દ્રા ગામના રહેવાસી છે. એટલે કે આ ઘટનામાં સામેલ ચારેય વ્યક્તિઓ મધ્ય પ્રદેશ સાથે સંબંધ ધરાવે છે. ન તો આ કોઈ સ્થાનિક ગુજરાતી અને મધ્ય પ્રદેશના શ્રમિકો વચ્ચેનો વિવાદ હતો, ન તો પોલીસ તપાસમાં ગુજરાતીઓ દ્વારા બહારથી આવેલા શ્રમિકોને નિશાન બનાવવામાં આવ્યા હોવાની કોઈ વિગતો સામે આવી છે. સમગ્ર મામલાનું મૂળ ગાડીની ખરીદી, બાકી નાણાં અને તેના કબજાને લઈને થયેલી અદાવતમાં છે. આ વિગતો પોલીસ અધિકારીઓએ જ જાહેર કરી છે. છતાં કોંગ્રેસના નેતાઓએ ઘટનાની આ બધી કડીઓ કરતાં મૃતકોના મધ્ય પ્રદેશના હોવાની ઓળખને વધુ મહત્વ આપવાનું પસંદ કર્યું.

- Advertisement -

મધ્ય પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીની પોસ્ટ આ જ રાજકીય અભિગમનું ઉદાહરણ છે. તેમણે અમરેલીની ઘટનાને મધ્ય પ્રદેશના આદિવાસી શ્રમિકો ગુજરાતમાં રોજીરોટી મેળવવા જાય છે અને ત્યાં તેમની સુરક્ષા જોખમમાં છે એવા નેરેટિવ સાથે જોડી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે ગુજરાત મોડેલની વાત કરે છે તેના પર પણ તેમણે સવાલ ઉઠાવ્યા. અહીં જીતુ પટવારીની રજૂઆતમાં એક રસપ્રદ બાબત છે. તેઓ મૃતકો મધ્ય પ્રદેશના હોવાની વાતને ગુજરાતની અસલામતીના પુરાવા તરીકે રજૂ કરે છે, પરંતુ જેમના પર હત્યાનો આરોપ છે તે બંને વ્યક્તિઓ પણ મધ્ય પ્રદેશના જ છે, તેનો ઉલ્લેખ તેમની રજૂઆતમાં જોવા મળતો નથી. ગાડીની લેતીદેતીનો વિવાદ, ગાડીનો કબજો પરત લેવો અને તેનાથી ઊભી થયેલી અદાવત જેવી પોલીસ તપાસની વિગતો પણ તેમના નેરેટિવનો હિસ્સો બનતી નથી.

આખી વાતને ધ્યાનથી સમજીએ તો જીતુ પટવારી માત્ર બે વ્યક્તિઓની હત્યાનો મુદ્દો ઉઠાવતા નથી. તેઓ આ ઘટનાને ગુજરાતમાં મધ્ય પ્રદેશના શ્રમિકોની સુરક્ષાના વ્યાપક પ્રશ્ન તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. એક ચોક્કસ ગુનામાં આરોપીઓ અને મૃતકો બંને એક જ રાજ્યના હોય, ગુનાનું કારણ અંગત નાણાકીય વિવાદ હોય અને આરોપીઓની ધરપકડ પણ થઈ ગઈ હોય, ત્યારે તેને ગુજરાતના સમગ્ર રાજકારણ સાથે જોડવા એ બાલિશ રાજકારણ છે. હવે કોઈ રાજ્યમાં બીજા રાજ્યના નાગરિકો વચ્ચે ગુનાહિત વિવાદ થાય તો તેના આધારે યજમાન રાજ્યને જ અસુરક્ષિત જાહેર કરી દેવાનું? આ તર્ક સ્વીકારવામાં આવે તો દેશના કોઈ પણ રાજ્યમાં કોઈ પણ ગુનાને સ્થાનિક સરકાર વિરુદ્ધના રાજકીય નેરેટિવમાં ફેરવી શકાય.

જીતુ પટવારીના આ નેરેટિવને ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ આગળ વધાર્યો. તેમણે ગુજરાતમાં રોજગાર મેળવવા આવતા શ્રમિકોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવીને રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. એટલે કે મધ્ય પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે જે ઘટનાને ગુજરાતની અસલામતી સાથે જોડીને રજૂ કરી હતી, એ જ વાત ગુજરાત કોંગ્રેસના નેતા પણ આગળ ધપાવે છે. અહીં કોંગ્રેસની રાજકીય રજૂઆતનું એક વિચિત્ર ચિત્ર સામે આવે છે. મધ્ય પ્રદેશમાં બેઠેલા કોંગ્રેસી નેતાને ગુજરાતમાં શ્રમિકો સુરક્ષિત નથી એવું સાબિત કરવું છે અને ગુજરાતમાં બેઠેલા કોંગ્રેસી નેતાને પણ એ જ વાતનું પુનરાવર્તન કરવું છે. બંનેની દલીલમાં મૃતકોનું વતન મહત્વનું છે, પરંતુ આરોપીઓનું વતન જાણે અપ્રસ્તુત બની જાય છે.

આ કોઈ સામાન્ય હકીકત છૂટી જવાની બાબત નથી. રાજકીય નેરેટિવ બનાવવાની પ્રક્રિયામાં કઈ હકીકતને આગળ રાખવી અને કઈ હકીકતને પડદા પાછળ રાખવી એ પણ અગત્યનું હોય છે. અહીં કોંગ્રેસના બંને નેતાઓએ મૃતકો મધ્ય પ્રદેશના હતા અને ગુજરાતમાં શ્રમિક તરીકે કામ કરતા હતા એ બાબતને કેન્દ્રમાં રાખી. પરંતુ આરોપીઓ પણ મધ્ય પ્રદેશના હતા એ હકીકત તેમની રજૂઆતમાં ગાયબ રહી. પરિણામે વાચક કે સોશિયલ મીડિયા પર પોસ્ટ જોનાર વ્યક્તિના મનમાં એવું ચિત્ર ઊભું થાય કે જાણે ગુજરાતમાં કામ કરવા આવેલા મધ્ય પ્રદેશના બે શ્રમિકોને સ્થાનિક લોકો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હોય. જોકે પોલીસ તપાસની અત્યાર સુધીની વિગતો એક અલગ ઘટનાક્રમ રજૂ કરે છે. આને જ સિલેક્ટિવ હકીકતોના આધારે નેરેટિવ ઊભો કરવો કહેવાય.

ગુજરાત કોંગ્રેસને આ સવાલ પણ પૂછવો જોઈએ કે અમિત ચાવડાએ જીતુ પટવારીની રજૂઆતને આગળ વધારતાં પહેલાં પોલીસ તપાસની વિગતો જાણી હતી કે નહીં? જો જાણી હતી તો આરોપીઓના મધ્ય પ્રદેશના હોવાની હકીકતનો ઉલ્લેખ કેમ ન કર્યો? અને જો જાણ્યા વિના જ ગુજરાતમાં શ્રમિકો અસુરક્ષિત હોવાની વાત કરવામાં આવી હોય તો પછી રાજ્યની છબી અને કાયદો-વ્યવસ્થાના મુદ્દે આટલા મોટા દાવા કરવાનો આધાર શું હતો? રાજકીય વિરોધ કરવો હોય તો સરકારને સવાલો પૂછવા માટે અસંખ્ય મુદ્દાઓ હોય શકે છે. પરંતુ કોઈ ગુનાની અધૂરી વિગતોના આધારે આખા રાજ્યને અસુરક્ષિત ચીતરવું એ રાજકીય ચર્ચા નહીં, પરંતુ તથ્યોની પસંદગી કરીને ચોક્કસ છબી ઊભી કરવાની કવાયત છે.

આ ઘટનામાં સૌથી વધુ દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે બે યુવાનોએ જીવ ગુમાવ્યા. એક તો હજુ સગીર વયનો હતો. તેમના પરિવારો માટે આ ખોટ ક્યારેય પૂરી થવાની નથી. પરંતુ કોંગ્રેસના નેતાઓની પોસ્ટમાં આ બે પરિવારોને ન્યાય મળે તે માટેની પોલીસ કાર્યવાહી કરતાં ગુજરાતની છબી ખરડાય તેવો રાજકીય સંદેશ વધુ સ્પષ્ટ દેખાય છે. આરોપીઓની ધરપકડ થઈ છે, હત્યાનો ગુનો નોંધાયો છે અને પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. આ વિગતોના આધારે તપાસ અને ન્યાયની પ્રક્રિયા પર નજર રાખવાને બદલે ઘટનાને ગુજરાતના અસુરક્ષિત વાતાવરણના પુરાવા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં દેશનાં અલગ-અલગ રાજ્યોમાંથી લાખો લોકો રોજીરોટી માટે આવે છે. તેઓ અહીં કામ કરે છે, વ્યવસાય કરે છે અને ગુજરાતની આર્થિક પ્રવૃત્તિઓનો હિસ્સો બને છે. ગુજરાતની આર્થિક પ્રગતિમાં બહારથી આવેલા શ્રમિકો સહિત અનેક વર્ગોનું યોગદાન છે. પરંતુ આ હકીકતને રાજકારણમાં ફેરવતી વખતે કોઈ એક ગુનાની વિગતોને આખા રાજ્યની ઓળખ બનાવી દેવી કેટલું યોગ્ય છે?

અમરેલીમાં બે શ્રમિકોની હત્યા થઈ એ હકીકત છે. તેમના હત્યાના આરોપીઓ પણ મધ્ય પ્રદેશના છે એ પણ હકીકત છે. ગાડીની ખરીદી અને બાકી નાણાંની લેતીદેતીમાંથી વિવાદ ઊભો થયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે એ પણ હકીકત છે. પરંતુ કોંગ્રેસના રાજકીય નેરેટિવમાં આમાંથી માત્ર એક જ હકીકતને સ્થાન મળે છે કે મૃતકો ગુજરાતમાં કામ કરતા મધ્ય પ્રદેશના શ્રમિકો હતા. બાકીની હકીકતો જાણે ગુજરાતને ઘેરવાની રાજકીય મહેનતમાં બાધારૂપ બનતી હોય તેમ ગાયબ થઈ જાય છે.

સવાલ એ જ છે કે અમરેલીના બે શ્રમિકોને ન્યાય અપાવવો કોંગ્રેસની પ્રાથમિકતા છે કે તેમની કરુણ હત્યાને ગુજરાતવિરોધી પ્રોપગેન્ડાનું સાધન બનાવવું? કારણ કે જે ઘટનામાં આરોપીઓ અને મૃતકો બંને મધ્ય પ્રદેશના છે, તેને ગુજરાતના માથે થોપવા માટે પહેલાં હકીકતોનો અડધો ભાગ જ બતાવવો પડે. જીતુ પટવારી અને અમિત ચાવડાની રજૂઆતમાં આ અડધી હકીકત જ સૌથી વધુ બોલકી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં