
દિવાળીના તહેવાર પૂર્વે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી હાથ ધરીને શહેરભરમાંથી ગેરકાયદેસર રીતે વસવાટ કરતા શંકાસ્પદ વિદેશી નાગરિકોને પકડી પાડ્યા હતા. પોલીસે આ ઑપરેશનમાં 61ની અટકાયત કરી હતી, જેઓ બાંગ્લાદેશી નાગરિકો હોવાનું કહેવાય છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1 નવેમ્બર, 2026ની રાતથી જ શહેરના જુદા-જુદા સંવેદનશીલ વિસ્તારોમાં એકસાથે દરોડા પાડ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કાયદેસરના આધાર-પુરાવા કે દસ્તાવેજો વિના ભારતમાં રહેતા હોવાના શંકાસ્પદ 61 જેટલા બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે.
અહેવાલ અનુસાર પોલીસની અલગ-અલગ ટીમોએ સ્થાનિક બાતમીદારો પાસેથી મળેલી ચોક્કસ માહિતી અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે દરોડા પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે શહેરના દાણીલીમડા, પીરાણા, જમાલપુર, નરોડા, ઓઢવ અને નિકોલ જેવા વિસ્તારોમાં દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી, જ્યાં મોટી સંખ્યામાં શંકાસ્પદ લોકો વસવાટ કરી રહ્યા હતા.
100 લોકોની પૂછપરછ બાદ 61ની ધરપકડ
આ વિશેષ દરોડા દરમિયાન પોલીસ શરૂઆતમાં લગભગ 100 જેટલા શંકાસ્પદ લોકોને પકડીને પૂછપરછ માટે કસ્ટડીમાં લઈ ગઈ હતી. પોલીસ તપાસ બાદ 100માંથી 61 જેટલા લોકો બાંગ્લાદેશી નાગરિક હોવાની પુષ્ટિ થઈ હતી. અટકાયત કરાયેલા લોકોમાં પુરુષોની સાથે મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અટકાયત કરાયેલા મોટાભાગના લોકો શહેરની ઝૂંપડપટ્ટીઓ અને મજૂર વસાહતોમાં ભાડેથી રહેતા હતા. તેઓ સામાન્ય રીતે મકાન બાંધકામ ક્ષેત્રે મજૂરી, ઘરકામ અને અન્ય નાના-મોટા રોજગાર સાથે જોડાયેલા હતા. સામે આવ્યું છે કે કેટલીક મહિલાઓ સ્પા વ્યવસાય સાથે સક્રિય રીતે સંકળાયેલી હતી.
હાલમાં પોલીસ તપાસ કરી રહી છે કે આ લોકો ભારતમાં કેવી રીતે અને કયા રસ્તેથી ઘૂસ્યા, કેટલા સમયથી અમદાવાદમાં રહેતા હતા અને તેમને ભારતમાં ઘૂસવા તથા રહેવામાં કોણ મદદ કરી. અત્યાર સુધીની પૂછપરછમાં તેમની પાસેથી બાંગ્લાદેશી દસ્તાવેજો મળ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ બનાવટી ભારતીય દસ્તાવેજ કે ચોક્કસ તસ્કરી એજન્ટની માહિતી મળી નથી.
પૂછપરછ અને તપાસ બાદ થશે ડિપોર્ટની કાર્યવહી
અટકાયત કરાયેલા તમામ ગેરકાયદેસર નાગરિકોને કાયદેસરની પૂછપરછ અને આગળની કાર્યવાહી માટે નિયુક્ત કેન્દ્રમાં મોકલવામાં આવી રહ્યા છે. નાગરિકતા અને દસ્તાવેજોની સત્તાવાર ચકાસણી પૂર્ણ થયા બાદ આ તમામ ઘૂસણખોરોને તેમના દેશ બાંગ્લાદેશ પરત મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તહેવારોના દિવસોમાં આવી તપાસ સતત ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે આ આગાઉ પણ અમદાવાદમાં ગેરકાયદે ઘૂસણખોરો વિરુદ્ધ આકરાં પગલાં લેવાયાં છે. જૂન 2026માં ‘ઑપરેશન ડેલ્ટા હન્ટ’ હેઠળ રાજ્યભરમાંથી 568 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત 2025માં પણ ચંડોળા તળાવ વિસ્તારમાંથી 465 જેટલા ગેરકાયદે બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા હતા.

