હોમપેજગુજરાતશું છે દાંતા રાજપરિવાર અને અંબાજી મંદિર ટ્રસ્ટ વચ્ચેનો વિવાદ અને હાઇકોર્ટે...

શું છે દાંતા રાજપરિવાર અને અંબાજી મંદિર ટ્રસ્ટ વચ્ચેનો વિવાદ અને હાઇકોર્ટે કેમ સમાપ્ત કર્યો હતો આઠમની પૂજાનો વિશેષાધિકાર

ડિસેમ્બર 2025માં હાઇકોર્ટે રાજપરિવારનો વિશેષાધિકાર સમાપ્ત કર્યો હતો, હવે આઠમ આવે તે પહેલાં મંદિર ટ્રસ્ટ અને રાજપરિવાર વચ્ચે બેઠક યોજાઈ.

- Advertisement -

નવરાત્રિ ચાલી રહી છે અને આઠમ હવે નજીક છે ત્યારે અંબાજી મંદિર અને દાંતા રાજવી પરિવાર વચ્ચે ચાલતો વિવાદ ફરીથી ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં જ દાંતાના રાજવી પરિવારના વારસદાર રિદ્ધિરાજસિંહે કહ્યું કે તેઓ આ વર્ષે પણ આસો નવરાત્રિની આઠમના દિવસે અંબાજી મંદિરમાં મા અંબાની પરંપરાગત પૂજા અને હવન કરશે. દરમ્યાન હાઇકોર્ટના ડિસેમ્બર 2025ના એ આદેશની પણ ચર્ચા છે, જેમાં રાજવી પરિવારનો પૂજાનો વિશેષાધિકાર રદ કરી દેવામાં આવ્યો હતો.

દાંતાનો રાજવી પરિવાર વર્ષોથી આસો નવરાત્રિની આઠમના દિવસે મંદિરમાં પૂજા કરતો આવ્યો છે અને આ દરમ્યાન શ્રદ્ધાળુઓનો પ્રવેશ અટકાવી દેવામાં આવે છે. મામલો વર્ષોથી કોર્ટમાં હતો અને ગત વર્ષે ડિસેમ્બરમાં હાઇકોર્ટે એક ચુકાદો આપીને રાજપરિવારને પ્રાપ્ત વિશેષાધિકાર સમાપ્ત કરી દીધો હતો. કોર્ટે ઠેરવ્યું કે રાજવી પરિવાર પાસે ક્યારેય મંદિરની માલિકી રહી નથી અને તેઓ માત્ર વહીવટદાર રહ્યા હતા. જેથી મંદિરની માલિકી ન હોય તો પૂજાનો વિશેષાધિકાર પણ ન મળી શકે અને બંધારણ હેઠળ તમામ સમાન છે. જેથી પૂજા દરમ્યાન શ્રદ્ધાળુઓનો પ્રવેશ ન અટકાવી શકાય.

આ ચુકાદા બાદ આ પહેલી નવરાત્રિ છે. આઠમ નજીક આવી રહી છે તે પહેલાં રાજપરિવાર અને અંબાજી મંદિર ટ્રસ્ટ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. રાજવી પરિવારનું કહેવું છે કે તેઓ કોર્ટના ચુકાદાનું સન્માન કરે છે અને તેમનો હેતુ અંબાજી મંદિરના વહીવટ કે માલિકી પર અધિકાર મેળવવાનો નથી, પરંતુ પેઢીઓથી ચાલી આવતી ધાર્મિક પરંપરા અને આસ્થા જાળવી રાખવાનો છે. રિદ્ધિરાજસિંહના મતે, દાંતાના રાજવી પરિવારનો મા અંબા સાથેનો સંબંધ માત્ર કોઈ વિધિ પૂરતો સીમિત નથી, પરંતુ સદીઓ જૂના ઐતિહાસિક સંબંધો અને અનન્ય શ્રદ્ધા સાથે જોડાયેલો છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે તેમને પૂજાની પરવાનગી મળશે અને પરંપરા ચાલુ રાખી શકાશે.

- Advertisement -

હજુ સરકાર કે ટ્રસ્ટ તરફથી આ બાબતે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. બંને પક્ષોએ બેઠક સકારાત્મક રહી હોવાનું જણાવ્યું છે. હવે ટ્રસ્ટ આ બાબતે નિર્ણય કરશે.

શું છે દાંતાના રાજવી પરિવારની પૂજા અને હવનની પરંપરા?

ઉપર જણાવ્યું એમ દર વર્ષે આસો નવરાત્રિની આઠમના દિવસે દાંતાનો રાજવી પરિવાર અંબાજી મંદિરમાં વિશેષ પૂજા અને હવન કરે છે. રાજવી પરિવારના જણાવ્યા અનુસાર, આ પૂજા સદીઓ જૂની પરંપરાનો ભાગ છે અને તેમના પરિવારની આશરે 40મી પેઢીથી આ વિધિ અવિરતપણે ચાલતી આવે છે. રિદ્ધિરાજસિંહે જણાવ્યા મુજબ, જસરાજ પરમારે 11મી સદીમાં મંદિરમાં સૌપ્રથમ હવન કર્યો હતો અને ત્યારથી આ પરંપરા જળવાઈ રહી છે.

રાજવી પરિવારના જણાવ્યા અનુસાર આઠમના દિવસે પૂજા અને હવનની વિધિ બપોર સુધી ચાલે છે. વિધિ દરમિયાન જ્યારે માતાજીને નૈવેદ્ય ધરાવવામાં આવે છે ત્યારે માત્ર 15થી 20 મિનિટ માટે ગર્ભગૃહનો પડદો બંધ કરવામાં આવે છે. રાજવી પરિવારનું કહેવું છે કે આ એક સામાન્ય ધાર્મિક વિધિ છે અને તેનાથી મંદિર લાંબા સમય સુધી બંધ રહેતું નથી. પરંતુ આ પૂજા-હવનની વ્યવસ્થા અને પડદો બંધ રાખવાની પ્રક્રિયાના કારણે દર્શનાર્થીઓને થતી સંભવિત અસુવિધા જ અગાઉના કોર્ટ વિવાદમાં એક મહત્વનો મુદ્દો બની હતી.

આ આખો વિવાદ સમજવા માટે અંબાજી મંદિર અને રાજવી પરિવાર વચ્ચે શું કનેક્શન છે તેનો ઇતિહાસ સમજવો પડશે.  

મંદિર અને રાજવી પરિવારના વિવાદનો ઇતિહાસ

હાઇકોર્ટે જે ચુકાદો આપતી વખતે રાજપરિવારનો વિશેષાધિકાર રદ કર્યો હતો એ મૂળ સંપત્તિનો વિવાદ હતો. આ કેસ દાંતાના રાજવી પરિવારે હાઇકોર્ટમાં દાખલ કરેલી એક ફર્સ્ટ અપીલ અરજીથી ઉદ્ભવ્યો હતો. અરજીમાં 2008ના બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કોર્ટના એક ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે અંબાજી મંદિર દાંતા સ્ટેટના રાજવી પરિવારને પૂર્વજો તરફથી વારસામાં મળ્યું હતું એટલે તે તેમની ખાનગી/અંગત સંપત્તિ કહેવાય. ખાનગી સંપત્તિ હોય તો મંદિરનું સંચાલન પબ્લિક ટ્રસ્ટ દ્વારા થઈ શકે નહીં એટલે ટ્રસ્ટને ગેરકાયદેસર ઘોષિત કરવામાં આવે.

2011માં મંદિર ટ્રસ્ટે એક વાંધાઅરજી દાખલ કરીને દલીલ આપી કે મંદિરનું ટ્રસ્ટ સંપૂર્ણ કાયદેસર જ છે, પરંતુ નવરાત્રિના આઠમા દિવસે રાજ પરિવાર મંદિરમાં પૂજા કરે છે અને આ દરમિયાન ભક્તોને પ્રવેશ આપવામાં આવતો નથી, એ પરંપરા પણ બંધ થવી જોઈએ, કારણ કે હવે સૌ સમાન છે.

આ મામલે હાઇકોર્ટે ચુકાદો આપતી વખતે જૂના દસ્તાવેજોનો આધાર લઈને નોંધ્યું કે હાલમાં જે વિસ્તારમાં મંદિર છે ત્યાંની રાજકીય સત્તા 1948 પહેલાં દાંતાના મહારાજા પાસે જ હતી, પણ ઐતિહાસિક દસ્તાવેજો, જમીનના રેકર્ડ અને ગેઝેટ જણાવે છે કે મંદિરની માલિકી માતાજીની (મા અંબાજી) છે અને મહારાજા માત્ર તેમના સેવક તરીકે કે વહીવટદાર હતા. નોંધનીય છે કે ભારતના કાયદા અનુસાર મંદિરમાં રહેલાં દેવી-દેવતાને જે-તે દેવીસ્થાનનાં માલિક ગણવામાં આવે છે. રામમંદિર સહિતના વિવિધ કેસોમાં કોર્ટે આ બાબત સ્પષ્ટ કરી છે.

આ કેસમાં હાઇકોર્ટે સ્વતંત્રતા પહેલાં 1934 અને 1937માં સિવિલ કોર્ટે આપેલા ચુકાદાને ટાંક્યો હતો. કોર્ટે જણાવ્યું કે તે સમયની કોર્ટે પણ એ પ્રસ્થાપિત કર્યું હતું કે મહારાજા મંદિરનું સંચાલન એટલા માટે કરતા હતા કારણ કે તેઓ ત્યાંના શાસક હતા, એટલા માટે નહીં કે ત્યાં તેમની માલિકી હતી.

1934 અને 1937માં તત્કાલીન સિવિલ કોર્ટે તેમના ચુકાદામાં લખ્યું હતું કે મહારાજા મંદિરના માલિક નથી, માત્ર વહીવટદાર છે અને સંપત્તિ દેવીની એટલે કે મા અંબાજીની છે. હાઇકોર્ટ અનુસાર, આ નિર્ણયને પછીથી કોઈ કોર્ટમાં પડકારવામાં ન આવ્યો, એટલે એનો અર્થ એ થાય કે સ્વતંત્રતા પહેલાં પણ એ સ્પષ્ટ થયું હતું કે રાજપરિવાર પાસે મંદિરની માલિકી નથી.

ત્યારબાદ હાઇકોર્ટે સ્વતંત્રતા પછીની વાત સ્પષ્ટ કરી હતી. ભારતને 1947માં સ્વતંત્રતા મળી અને 1948માં તમામ રજવાડાંનું ભારતમાં વિલીનીકરણ થયું. 5 ઓક્ટોબર 1948ના રોજ દાંતાના મહારાજાએ સરકાર સાથે વિલીનીકરણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારમાં જોગવાઈ હતી કે રાજાની ખાનગી સંપત્તિ તેઓ પોતાની પાસે રાખી શકે અને જે રાજ્યની કે જાહેર સંપત્તિ હશે એ સરકાર હસ્તક જશે.

વિલીનીકરણ બાદ મહારાજાએ જે યાદી સુપરત કરી તેમાં પણ ખાનગી સંપત્તિમાં અંબાજી મંદિર અને તેને લગતી અન્ય સંપત્તિઓનો ઉલ્લેખ હતો. જ્યારે સિવિલ કોર્ટ 1937માં જ રાજવી પરિવારનો મંદિર પરનો માલિકી હક રદ કરી ચૂકી હતી. તેથી સરકારે એ માન્ય ન રાખ્યું અને અનેક પત્રોમાં એ સ્પષ્ટતા કરી કે મહારાજા મંદિરના સેવક હતા અને મંદિર એક ધાર્મિક સંસ્થા છે, એટલે તેનું સંચાલન એક પબ્લિક ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવશે.

હાલમાં રિદ્ધિરાજસિંહે એમ કહ્યું છે કે પુરીના રાજા ગજપતિ મહારાજને જગન્નાથ મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે લીધા છે અને ફક્ત અંબાજી ટ્રસ્ટ એવું છે જેમાં સરકારી કર્મચારીઓ છે, એકેય પ્રાઇવેટ કર્મચારી નથી. જોકે ઇતિહાસ જોઈએ તો સમજાય કે સ્વતંત્રતા પછી તત્કાલીન બૉમ્બે સરકારે મહારાજાને ટ્રસ્ટના ચેરમેન બનવાનું પણ નિમંત્રણ આપ્યું હતું. પણ ત્યારે રાજાએ નિમંત્રણ નકારી દીધું અને એ જ દાવો કર્યો કે મંદિર તેમની સંપત્તિમાં આવે છે તેથી તેનું સંપૂર્ણ સંચાલન તેમને સોંપી દેવામાં આવે.

વધુમાં વર્ષ 1954માં મહારાજાએ બૉમ્બે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા અને મંદિર સરકાર હસ્તક લેવા પર રોક લગાવવાની માંગ કરી હતી. તે સમયે હાઇકોર્ટે વચગાળાની રાહત આપીને સરકારને આગળ વધતી અટકાવી દીધી. દરમિયાન મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને 1957માં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે બૉમ્બે હાઇકોર્ટનો ચુકાદો પલટાવી દીધો.

સુપ્રીમ કોર્ટે પણ એ સ્પષ્ટ કર્યું કે મહારાજા તેમની માલિકી સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે અને સંપત્તિ એક ધાર્મિક સંસ્થા છે. કોર્ટે બંધારણનો આર્ટિકલ 363 ટાંકીને કહ્યું કે વિલીનીકરણ કરાર પર કોર્ટ ફરીથી સુનાવણી કરી શકે તેમ નથી. જેથી મંદિરની માલિકીનો મુદ્દો સમાપ્ત થાય છે.

નોંધનીય છે કે વિલીનીકરણ સમયે થયેલા કરારોને પછીથી કોર્ટમાં પડકારવામાં આવતા ન રહે અને અદાલતોનું કામ ન વધે એના માટે આ આર્ટિકલ 363ની જોગવાઈ કરવામાં આવી હતી. 363 અનુસાર વિલીનીકરણ સમયે જે કરાર થઈ ગયા તેની ઉપર હવે દેશની કોઈ કોર્ટ હસ્તક્ષેપ કરી શકે નહીં કે ફરીથી કેસ ખોલીને તેની સુનાવણી કરી શકે નહીં.

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સરકારે મંદિરનું સંચાલન પોતાના હસ્તક લઈ લીધું. 1960માં ગુજરાતની સ્થાપના થઈ અને 1961માં સરકારે એક વહીવટદારની નિમણૂક કરી. તેમણે બૉમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ શ્રી અંબાજી માતા દેવસ્થાન નામથી પબ્લિક ટ્રસ્ટ સ્થાપવા માટે અરજી કરી. તેની સામે પણ રાજપરિવારે વિરોધ દર્શાવ્યો.

મહારાજાના વિરોધ બાદ જોઇન્ટ ચેરિટી કમિશનરે તપાસ કરી, પુનઃ અરજીઓ થઈ, મામલો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પહોંચ્યો. પણ વર્ષોની આ કાયદાકીય કાર્યવાહી બાદ પણ તમામ સંસ્થાઓ-કોર્ટ એ વાત પર અડગ રહી કે માલિકી રાજપરિવાર પાસે નથી.

પરંતુ 1979માં આ આખા વિવાદમાં એક નવો વળાંક આવ્યો. 1979માં જોઇન્ટ ચેરિટી કમિશનરે મહારાજાની માલિકીની અરજી ફગાવી દીધી, પણ રાહત આપતાં નવરાત્રિ પર અમુક પૂજા કરવા માટે મંજૂરી આપી. જોકે છતાં રાજવી પરિવારે માલિકી હકનો દાવો ન છોડ્યો.

કમિશનરે માલિકીની અરજી ફગાવતાં મહારાજા માલિકી મેળવવા માટે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કોર્ટ પહોંચ્યા. આ જ દરમિયાન 1981માં ટ્રસ્ટે એક અરજી દાખલ કરીને પૂજાના વિશેષાધિકાર પર વાંધો ઉઠાવ્યો. આખરે વર્ષ 2008માં બનાસકાંઠા કોર્ટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાનને જાહેર ટ્રસ્ટ તરીકે નોંધવાના નિર્ણયને યથાવત રાખ્યો. આ ચુકાદામાં પણ કોર્ટે રાજાની માલિકીની દલીલો ફગાવી દીધી, પણ જોઇન્ટ ચેરિટી કમિશનરે પૂજા માટે જે વિશેષાધિકાર આપ્યો હતો એ યથાવત્ રાખ્યો.

આ બધી જ કોર્ટે માલિકી હક રદ કર્યા છતાં રાજવી પરિવાર ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો. હાઇકોર્ટમાં બનાસકાંઠા કોર્ટનો ચુકાદો પલટાવીને ટ્રસ્ટને ગેરકાયદેસર ઠેરવી પોતાને મંદિરની માલિકી સોંપવાની માંગ કરી. બીજી તરફ ટ્રસ્ટે એક વાંધા અરજી દાખલ કરીને ચેરિટી કમિશનરે પૂજા માટે જે વિશેષાધિકાર આપ્યો હતો એ પડકાર્યો.

ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો, અને પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત થયો

ગુજરાત હાઇકોર્ટ સમક્ષ મુખ્ય સવાલ માલિકી હકનો કોનો છે એ નહોતો પણ એ હતો કે 2008નો નીચલી કોર્ટનો ચુકાદો અને વિશેષાધિકાર આપવાનો નિર્ણય સાચો હતો કે નહીં. કારણ કે માલિકી હકનો મામલો તો સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે 1957માં જ ઉકેલી દીધો હતો. વધુમાં બંધારણની કલમ 363 મુજબ 1948ના વિલીનીકરણ કરારને કોઈ પણ કોર્ટમાં પડકારી શકાતો નથી, તેથી હાઇકોર્ટ પાસે આ બાબતે પુનર્વિચાર કરવાનો કોઈ અવકાશ જ નહોતો.

તેથી હાઇકોર્ટે પણ સ્પષ્ટ કર્યું કે રાજવી પરિવાર એક પણ વખત મંદિર પર પોતાની માલિકી સાબિત કરી શક્યો નથી. તમામ દસ્તાવેજોમાં રાજાને માલિક તરીકે નહીં પરંતુ માત્ર કસ્ટોડિયન (વહીવટદાર) તરીકે દર્શાવેલા છે અને અસલી સંપત્તિ તો માતાજીની જ છે. અંતે હાઇકોર્ટે સ્વીકાર્યું કે અંબાજી મંદિર ક્યારેય ખાનગી સંપત્તિ નહોતું. હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે ઐતિહાસિક સમયમાં મંદિરનું સંચાલન રાજાઓના હાથમાં હોવાથી રાજાઓને મંદિરની માલિકી આપોઆપ નથી મળી જતી. સંચાલન એ એક મર્યાદિત ભૂમિકા છે, જેનાથી ક્યારેય સંપત્તિનો કાયદેસરનો હક મળતો નથી.

હાઇકોર્ટે કહ્યું કે જે સંપત્તિની માલિકી રાજવી પરિવાર પાસે ન હોય, ત્યાં તેમને કોઈ વિશેષાધિકાર મળી શકે નહીં. ચેરિટી કમિશનર અને અન્ય સંસ્થાઓએ વિશેષાધિકાર મંજૂર કરીને મોટી લીગલ એરર કરી હતી, જેને સુધારવી જરૂરી હતી.

કોર્ટે નોંધ્યું કે 1947માં દેશ આઝાદ થયા પછી રાજવી પરિવારના આ વિશેષાધિકારો ચાલુ રહેશે તેવો કોઈ આધાર કે સરકારી દસ્તાવેજ નથી. સ્વતંત્રતા પહેલાં ભલે કોઈ પરંપરા ચાલતી હોય, પરંતુ લોકશાહીમાં તેને કાયદાકીય સમર્થન કે રક્ષણ હોવું આવશ્યક છે.

વધુમાં મંદિરમાં પૂજા સમયે દર્શનાર્થીઓને રોકવાને કોર્ટે બંધારણના આર્ટિકલ 25 અને 26નું ઉલ્લંઘન ગણાવ્યું હતું. અંબાજી એક ધાર્મિક સંસ્થાન હોવાથી ત્યાં તમામ ભક્તો સમાન છે, તેથી કોર્ટે કહ્યું કે ચેરિટી કમિશનર પાસે ભક્તોને રોકીને રાજવી પરિવારને વિશેષાધિકાર આપવાની કોઈ કાયદાકીય સત્તા નહોતી.

રાજવી પરિવારે પોતાની ધાર્મિક સ્વતંત્રતાની રજૂઆત કરી હતી, પરંતુ હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે બંધારણ આપેલા ધાર્મિક અધિકારો જાહેર વ્યવસ્થા અને નૈતિકતાને આધીન છે. કોઈ જાહેર મંદિરમાં સામાન્ય ભક્તોને પ્રવેશતા રોકીને વિશેષ અધિકાર ભોગવી શકાય નહીં.

કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં જણાવ્યું કે દેશમાં કાયદો દરેક નાગરિક માટે એકસમાન છે. ભૂતકાળના કોઈ પણ શાસક કે રાજવી પરિવાર કાયદાથી ઉપર નથી અને તેઓ લોકશાહી દેશમાં કોઈ ખાસ દરજ્જો કે વિશેષાધિકાર ભોગવી શકે નહીં.

અંતે હાઇકોર્ટે રાજવી પરિવારની અપીલ ફગાવી દઈને મંદિરને પબ્લિક ટ્રસ્ટ તરીકે માન્ય રાખ્યું હતું. ટ્રસ્ટની વાંધાઅરજી ગ્રાહ્ય રાખીને કોર્ટે રાજવી પરિવારના તમામ વિશેષાધિકારો રદ કર્યા અને પૂજા વખતે શ્રદ્ધાળુઓને બહાર રાખવાના નિર્ણય પર સંપૂર્ણ રોક લગાવી દીધી હતી.

આ ચુકાદા વિરુદ્ધ રાજવી પરિવારે હાઇકોર્ટમાં એક અપીલ દાખલ કરી છે. મીડિયા અહેવાલોમાં પરિવારના સભ્યોને ટાંકીને ‘એક્સટેન્શન’ મળવાની વાતો ચાલે છે. પરંતુ કોર્ટના દસ્તાવેજો જોતાં જણાય છે કે અરજી હજુ મેન્ટેનેબિલિટી સ્ટેજ ઉપર છે અને હાઇકોર્ટે જૂના ચુકાદામાં કોઈ ફેરફાર કર્યો નથી. હવે ટ્રસ્ટ અને રાજપરિવાર આ બાબતે શું નિર્ણય કરે છે એ જોવું રહ્યું. સંભવતઃ રાજપરિવાર પૂજા કરશે અને દરમ્યાન શ્રદ્ધાળુઓને પણ પ્રવેશ આપવામાં આવશે. જોકે અંતિમ નિર્ણય ટ્રસ્ટે કરવાનો છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં