
ઉત્તરાખંડના કોટદ્વારના ‘મોહમ્મદ દીપક’ની પોલીસે ફરી એકવાર ધરપકડ કરી છે. આ વખતે એક સ્થાનિક વેપારી સાથે ગાળાગાળી કરવા, મારપીટ કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપો હેઠળ તેમની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર વિવાદની શરૂઆત સોશિયલ મીડિયા પર થયેલી એક પોસ્ટ અને તેના પર આવેલી કમેન્ટથી થઈ હતી. દીપક કુમારે ઉજ્જૈનની શાહી મસ્જિદના એક ભાગને રસ્તો પહોળો કરવા માટે હટાવવાના મુદ્દા પર આશરે બે મિનિટનો એક વિડીયો ફેસબુક/સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
સ્થાનિક દુકાનદારને મારી નાખવાની ધમકી
આ વિડીયોમાં દીપકે મુસ્લિમ સમુદાયને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા અને મામલાનો ઉકેલ વાટાઘાટો દ્વારા લાવવા અપીલ કરી હતી. આ પોસ્ટને હજારો લાઇક્સ અને સેંકડો કમેન્ટ્સ મળી હતી. આ કમેન્ટ્સમાં કોટદ્વારના એક સ્થાનિક વેપારી સંજીવ ટાંકની પણ કમેન્ટ હતી, જેના કારણે બંને વચ્ચે બોલાચાલી અને વિવાદ ઊભો થયો હતો.
કમેન્ટથી નારાજ થઈને દીપક કુમાર વેપારી સંજીવ ટાંકની રાધિકા ગારમેન્ટ્સ નામની દુકાને પહોંચ્યો હતો. વેપારીની ફરિયાદ મુજબ, ત્યાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને દીપકે તેની સાથે ગાળાગાળી કરી, અભદ્ર વર્તન કર્યું તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. વધુમાં મારપીટનો પણ આરોપ છે.
ઘટના અંગે ફરિયાદ મળતા જ પોલીસે CCTV ફૂટેજ, વાયરલ વિડીયો અને અન્ય પુરાવાઓની તપાસ હાથ ધરી હતી. શરૂઆતમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 351 અને 352 હેઠળ કેસ નોંધ્યો હતો, પરંતુ બાદમાં પુરાવાના આધારે કલમ 196 અને 115 પણ ઉમેરવામાં આવી હતી.
વિવાદ વધતાં અને વિસ્તારમાં શાંતિનો ભંગ ન થાય તે માટે પોલીસે BNSSની કલમ 170 હેઠળ દીપકની ધરપકડ (Preventive Arrest) કરી હતી. આ ઉપરાંત સ્થાનિક વેપારીઓએ પણ દીપક સામે કડક કાર્યવાહીની માગ સાથે ધરણાં કર્યાં હતાં, જેના લીધે પોલીસે વિસ્તારમાં ફ્લેગ માર્ચ પણ યોજી હતી.
‘મોહમ્મદ દીપક’ નામ કેવી રીતે ચર્ચામાં આવ્યું?
દીપક કુમાર ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં પહેલીવાર ચર્ચામાં આવ્યો હતો. કોટદ્વારમાં એક મુસ્લિમ દુકાનદારની દુકાનના નામમાં ‘બાબા’ શબ્દ રાખવા બાબતે થયેલા વિવાદમાં તે દુકાનદારના સમર્થનમાં આવ્યો હતો અને વિડીયોમાં પોતાને ‘મોહમ્મદ દીપક’ ગણાવ્યો હતો. ત્યારથી તે આ નામથી ઓળખાય છે. ખાસ તો બજરંગ દળ અને હિંદુ સંગઠનો સામેના વિરોધમાં તેનું નામ સામે આવ્યું હતું.
નોંધનીય છે કે ઉજ્જૈનની શાહી મસ્જિદના નામે સોશિયલ મીડિયા પર AI જનરેટેડ વિડીયો અને ફોટો વાયરલ કર્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ મસ્જિદ તોડી પાડવામાં આવી રહી છે. આ અફવાઓ બાદ મામલો વકર્યો હતો અને મુસ્લિમોનાં ટોળાંએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. હાલમાં આ મામલે પણ તપાસ ચાલી રહી છે.

