
10 નવેમ્બર 2025ના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલ આતંકી હુમલા અંગે NIAએ ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટ મુજબ આતંકવાદી ઉમર-ઉન-નબીનો ઓરીજનલ ટાર્ગેટ લાલ કિલ્લો નહોતો. તે સાંજે લગભગ 6:37 વાગ્યે વિસ્ફોટકોથી ભરેલી કાર લઈને ચાંદની ચોક સ્થિત પ્રસિદ્ધ લાલ મંદિર પાસે પહોંચ્યો હતો અને ત્યાં જ હુમલો કરવા માંગતો હતો. જોકે, ત્યાં ભારે ટ્રાફિક અને પોલીસની હાજરી હોવાને કારણે તે કાર પાર્ક કરી શક્યો નહોતો અને તેનો મૂળ પ્લાન નિષ્ફળ ગયો હતો.
લાલ મંદિર પાસે નિષ્ફળ ગયા બાદ તેણે કાર પાછી વાળી લીધી અને લાલ કિલ્લા તરફ આગળ વધ્યો. આ સમગ્ર ઘટનાક્રમ ત્યાંના CCTV કેમેરામાં પણ કેદ થયો હતો. લાલ મંદિર પહોંચ્યાની માત્ર 13 મિનિટ પછી, એટલે કે સાંજે લગભગ 6:50 વાગ્યે, તેણે લાલ કિલ્લાના ગેટ નંબર 4 નજીક પહોંચીને કારમાં વિસ્ફોટ કર્યો હતો.
આ ખુલાસો માત્ર સ્થળ બદલાયાની માહિતી નથી આપતો, પરંતુ આતંકવાદીઓની માનસિકતા અને તેમના ટાર્ગેટ પસંદ કરવાની રીત પણ દર્શાવે છે. ચાંદની ચોકનું લાલ મંદિર એક ભીડભાડવાળું ઐતિહાસિક અને જૈન ધાર્મિક સ્થળ છે, જ્યાં મોટા પ્રમાણમાં જૈન અને હિંદુ શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જો ત્યાં વિસ્ફોટ થયો હોત તો મોટી માત્રામાં જૈન અને હિંદુ શ્રદ્ધાળુઓ માર્યા ગયા હોત, પરંતુ પોલીસની હાજરી અને ભારે ટ્રાફિકને કારણે આતંકવાદીનો આ ઘાતક નિષ્ફળ ગયો હતો.
7,500 પાનાંની ચાર્જશીટ
નોંધનીય છે કે NIAએ લગભગ 7,500 પાનાંની ચાર્જશીટ રજૂ કરી છે. આ તપાસ દરમિયાન 588 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે, તેમજ સેંકડો દસ્તાવેજી, ફોરેન્સિક અને ડિજિટલ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. એજન્સીએ 14 મે 2026ના રોજ પ્રથમ ચાર્જશીટ અને ત્યારબાદ 27 જૂને પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં કુલ 13 આરોપીઓ સામે આરોપ મૂકવામાં આવ્યા છે. મુખ્ય કાવતરાખોર ઉમર-ઉન-નબી વિસ્ફોટમાં જ માર્યો ગયો હોવાથી તેની સામે કાયદાકીય પ્રક્રિયા આગળ વધશે નહીં.
આ કેસમાં કાયદાકીય કાર્યવાહી આગળ વધતા 29 ઑગસ્ટ 2026ના રોજ દિલ્હીની કોર્ટે NIAની આ ચાર્જશીટની નોંધ લઈ લીધી છે. તેનો અર્થ એ થાય છે કે હવે તમામ પુરાવાઓ અને આરોપોની અદાલતમાં કાયદાકીય સુનાવણી શરૂ થશે. ચાર્જશીટમાં આરોપીઓ સામે UAPA, ભારતીય ન્યાય સંહિતા, વિસ્ફોટક પદાર્થ અધિનિયમ, આર્મ્સ એક્ટ અને સાર્વજનિક સંપત્તિને નુકસાન અટકાવવાના કાયદા હેઠળ ગંભીર કલમો લગાવાઈ છે.
મોટા ષડયંત્રનો ભાગ
ચાર્જશીટ મુજબ, આ વિસ્ફોટ અચાનક નહોતો થયો તેના માટે એક મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આતંકી ઉમર વર્ષ 2022ની શરૂઆતથી જ નિષ્ક્રિય થઈ ગયેલા ‘અંસાર ગઝવત-ઉલ-હલ’ (AGuH) નામક આતંકી નેટવર્કને ફરીથી સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એજન્સીએ તેને આ સમગ્ર આતંકી મોડ્યુલનો મુખ્ય ઑપરેશનલ ઇન-ચાર્જ ગણાવ્યો છે. NIA મુજબ 2022માં AGuH ઇન્ટરિમને ફરીથી સક્રિય કરાયું અને તેના હેઠળ ‘ઑપરેશન હેવનલી હિન્દ’ શરૂ કરવામાં આવ્યું હતું. આ ઑપરેશનનો હેતુ સરકાર ઉથલાવીને શરિયા લાગુ કરવાનો હતો.
આ નેટવર્કને મજબૂત કરવા માટે તે લાંબા સમયથી લોકોને કટ્ટરપંથી બનાવવા, ગુપ્ત બેઠકો યોજવા, તાલીમ આપવા અને સંસાધનો ભેગા કરવા જેવી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. પોતાની ઓળખ અને યોજનાઓ છુપાવવા માટે આ નેટવર્કના સભ્યો ‘સિગ્નલ’ જેવા એન્ક્રિપ્ટેડ મેસેજિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હતા.
2023થી થઈ રહી હતી રેકી
તપાસમાં અનુસાર આરોપી ઉમર-ઉન-નબી અને તેના સાથીઓએ ડિસેમ્બર 2023થી જ લાલ કિલ્લાની આસપાસના વિસ્તારની રેકી કરી રહ્યા હતા. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, લાલ કિલ્લાની આસપાસના વિસ્તારની પસંદગી માત્ર ત્યાં રહેતી ભારે ભીડને કારણે નહોતી કરવામાં આવી, પરંતુ મુખ્ય કારણ એ હતું કે લાલ કિલ્લો ભારતના સર્વભૌમત્વને દર્શવાતું મહત્વનું પ્રતીક છે. આથી આ હુમલા પાછળ તેમનો હેતુ માત્ર જાનહાનિ પહોંચાડવાનો જ નહીં, પરંતુ પ્રતીકાત્મક રીતે ભારત દેશ અને તેની વ્યવસ્થા પર પ્રહાર કરવાનો હતો.
ચાર્જશીટ મુજબ, આ હુમલો કરવાની કોઈ ચોક્કસ તારીખ નક્કી નહોતી. હુમલાના થોડા દિવસો પહેલાં જ પોલીસે જમ્મુ-કાશ્મીરમાં આ આતંકવાદી મોડ્યુલ સાથે જોડાયેલા આતંકીઓની ધરપકડ કરવાનું શરૂ કર્યું, ત્યારે ઉમરને તેનું નેટવર્ક પકડાઈ જવાનો ડર લાગ્યો અને તેણે રાહ જોવાને બદલે વહેલા હુમલો કરી દીધો.
કારને બનાવવામાં આવી હતી VBIED
તપાસ અનુસાર આ હુમલામાં ઉપયોગમાં લેવાયેલી હ્યુન્ડાઈ i20 કાર માત્ર એક વાહન નહોતી, પરંતુ તેને ‘વહિકલ-બોર્ન ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ’ (VBIED) એટલે કે હરતા-ફરતા કાર બૉમ્બ તરીકે તૈયાર કરવામાં આવી હતી. ચાર્જશીટ મુજબ, આ કેસના એક આરોપીએ IED અને બૉમ્બ બનાવવાની માહિતી મેળવવા માટે ‘ચેટજીપીટી’ AI જેવા ટૂલ્સનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત, બૉમ્બ બનાવવા માટે જરૂરી સામગ્રી અને વિસ્ફોટકો મેળવવા માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ અને વિવિધ ઓનલાઈન સ્ત્રોતોની મદદ લીધી હતી.
જેહાદી-કટ્ટરપંથી સાહિત્ય
તપાસ દરમિયાન એજન્સીને આરોપીઓના ડિજિટલ ડિવાઈસમાંથી ‘લોન મુજાહિદ પોકેટ બુક’ (જે ‘હાઉ ટુ બિકમ એન અસાસિન’ તરીકે પણ ઓળખાય છે) જેવી કટ્ટરપંથી સામગ્રી મળી આવી હતી. આ ઉપરાંત, ચાર્જશીટમાં જેહાદના નિયમો, તેના વિવિધ ઉદ્દેશ્યો અને તેને સમર્થન આપવાના રસ્તાઓ દર્શાવતા અનેક દસ્તાવેજો મળી આવ્યાનો ઉલ્લેખ છે. આ સાહિત્યમાં હિંસા આચરવી, પોતાની ઓળખ છુપાવીને ગુપ્ત રહેવું અને હુમલાઓનું આયોજન કેવી રીતે કરવું તે અંગેનું વિગતવાર માર્ગદર્શન હતું.
તપાસ મુજબ, આરોપીઓ જાણતા હતા કે TATP નામના ઘાતક વિસ્ફોટકને સ્થિર રાખવા માટે ઠંડક અને ભેજની જરૂર હોય છે. સાક્ષીઓના જણાવ્યા અનુસાર ઉમર-ઉન-નબી તેના રૂમને હંમેશા ઠંડો રાખતો હતો અને ત્યાંથી એક વિચિત્ર દુર્ગંધ પણ આવતી હતી.
તપાસ એજન્સીની ચાર્જશીટ અને વિવિધ અહેવાલો મુજબ, આ હાઈ-ઈન્ટેન્સિટી બ્લાસ્ટમાં 11 લોકોનાં મોત થયાં હતાં અને 29 લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટને કારણે આસપાસની મિલકતોને આશરે ₹17.7 લાખ જેટલું મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હતું. હવે આ મામલે કોર્ટમાં સુનાવણી શરૂ થશે.

