
મુંબઈ સ્થિત ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ (TISS) કેમ્પસમાં ગેરકાયદેસર રીતે એકઠા થઈ માઓવાદી વિચારધારા ફેલાવવાના મામલે મુંબઈની સેસન્સ કોર્ટે ચુસ્ત વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે દેશના વિદ્યાર્થીઓ પાસેથી ભારતના કાયદાનું પાલન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.
આ બંને વિદ્યાર્થીઓ પાસેથી માઓવાદી વિચારધારા સાથે સબંધિત પુસ્તકો અને અન્ય સામગ્રી મળી આવી હતી. આ સિવાય અભિરૂપ પોલ (32) અને કામાખ્યા દાસ (23) નામક બંને વિદ્યાર્થીઓએ દિલ્હી રમખાણોના કેસમાં UAPA હેઠળ જેલમાં બંધ શરજીલ ઈમામ અને ઉમર ખાલિદના સમર્થનમાં પણ નારા લગાવ્યા હતા. બંનેની અરજી ફગાવતા કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે તેમની પાસેથી મળેલી સામગ્રી સામે લગાવવામાં આવેલા અન્ય આરોપો જોતાં આગોતરા જામીન ન આપી શકાય.
શું હતો સમગ્ર વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆત ઑક્ટોબર 2025માં થઈ હતી. મુંબઈ સ્થિત TISSના દેવોનાર કેમ્પસમાં પોલીસ કે વહીવટીતંત્રની પરવાનગી વગર 10થી 12 વિદ્યાર્થીઓ માઓવાદીઓ સાથે સંબંધોના આરોપસર જેલ ભોગવી ચૂકેલા દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર જી.એન. સાઈબાબાની પુણ્યતિથિ મનાવવા ભેગા થયા હતા. જોકે પછીથી સામે આવ્યું કે વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ આપવા ઉપરાંત દિલ્હી રમખાણોના કાવતરામાં UAPA હેઠળ જેલમાં બંધ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની મુક્તિ માટે નારાબાજી પણ કરી હતી.
આ ઘટનાના વિડીયો વાયરલ તથા નગરિકોનો આક્રોશ ફૂટ્યા બાદ TISS વહીવટીતંત્રના એસોસિએટ ડીને આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે નેહરુ નગર અને ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં 9થી 10 વિદ્યાર્થીઓ વિરુદ્ધ દુશ્મનાવટ ફેલાવવી, રાષ્ટ્રીય એકતાને નુકસાન પહોંચાડવું અને ગેરકાયદેસર મંડળી રચવા બદલ BNSની ગંભીર કલમો હેઠળ FIR નોંધાઈ હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાછળથી આ મામલાની આગળની તપાસ મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.
કોર્ટનો ચુકાદો અને કડક ટિપ્પણી
આ જ કેસમાં અટકાયતથી બચવા માટે વિદ્યાર્થીઓએ મુંબઈની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી દાખલ કરી હતી. એડિશનલ સેશન્સ જજ વી.બી. બોહરાએ આ અરજીઓ પર સુનાવણી કરતાં 2 ગંભીર આરોપો ધરાવતા વિદ્યાર્થીઓની જામીન અરજી ફગાવી દીધી છે.
કોર્ટે કહ્યું કે, “જી.એન. સાઈબાબા નિર્દોષ છૂટ્યા હતા તેથી તેમને શ્રદ્ધાંજલિ આપવી એ કાયદાકીય રીતે ગુનો નથી, પરંતુ આ વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ માત્ર શ્રદ્ધાંજલિ પૂરતી સીમિત નહોતી. તેમણે યુએપીએ (UAPA) હેઠળ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓના આરોપસર જેલમાં બંધ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામ જેવા લોકોના સમર્થનમાં નારા લગાવ્યા હતા, જેમની જામીન અરજીઓ સુપ્રીમ કોર્ટ પણ ફગાવી ચૂકી છે.”
કોર્ટે ચુકાદામાં ઉમેર્યું કે આ પ્રકારની નારાબાજી કોઈ જાહેર આંદોલન કે સરઘસનો ભાગ નહોતી, પરંતુ કેમ્પસની અંદર કરવામાં આવી હતી. જજે દેશના યુવાનો અને વિદ્યાર્થીઓને સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું, “વિદ્યાર્થી હોવાના કારણે આરોપીઓ પાસેથી આશા રાખવામાં આવે છે કે તેઓ દેશના કાયદાનું સન્માન કરે.” આથી આવા વલણને સાંખી શકાય નહીં.
ઈલેક્ટ્રોનિક ડિવાઈસમાંથી માઓવાદી સાહિત્ય જપ્ત
આ ઉપરાંત કોર્ટ સમક્ષ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા કે આરોપી વિદ્યાર્થીઓના લેપટોપ અને મોબાઈલ ફોનમાંથી અત્યંત આપત્તિજનક સામગ્રી મળી આવી છે. તેમના ડિવાઈસમાંથી ‘સેલેક્ટેડ વર્ક્સ ઑફ માઓ ઝેદોંગ’, વ્લાદિમીર લેનિનનું ‘ધ રાઈટ ઑફ નેશન્સ ટુ સેલ્ફ-ડિટરમિનેશન’, ‘કાસ્ટ એન્ડ રિવોલ્યુશન’ અને પ્રતિબંધિત CPI (માઓવાદી) સંગઠનના વિવિધ પ્રકાશનો ડાઉનલોડ કરેલા મળી આવ્યા હતા. આ ઉપરાંત તેમાંથી કેસને લગતી કેટલીક માહિતી ડિલીટ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.
વિદ્યાર્થીઓના વકીલે દલીલ કરી હતી કે આ પુસ્તકો ઈન્ટરનેટ પર સરળતાથી ઉપલબ્ધ છે અને માત્ર ડાઉનલોડ કરવાથી માઓવાદી વિચારસરણી સાબિત થતી નથી. જોકે, કોર્ટે સ્પષ્ટ કહ્યું કે ભલે પુસ્તકો પર પ્રતિબંધ ન હોય, પરંતુ ભારત દેશના ભાગલા પાડવાની કે ઉશ્કેરણી કરવાની સામગ્રી રાખવી અને તેને અનુલક્ષીને કેમ્પસમાં પ્રવૃત્તિ કરવી એ વિદ્યાર્થીઓના આચરણ પર મોટો સવાલ ઊભો કરે છે.
સાત વિદ્યાર્થીઓને આગોતરા જામીન કેમ મળ્યા?
બીજી તરફ કોર્ટે આ જ કેસમાં સામેલ અન્ય સાત વિદ્યાર્થીઓને આગોતરા જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ સાત વિદ્યાર્થીઓ સામે માત્ર 12 ઑક્ટોબરના રોજ કાર્યક્રમમાં હાજર રહેવાનો જ આરોપ હતો. વધુમાં તેમની પાસેથી કોઈ વાંધાજનક કે દેશવિરોધી સામગ્રી મળી આવી નથી અને તેમણે તપાસમાં સહયોગ આપ્યો છે, તેથી તેમને જામીન આપવામાં આવ્યા છે.
આરોપી વિદ્યાર્થીઓ તરફથી રજૂ થયેલા વકીલે દાવો કર્યો હતો કે વિદ્યાર્થીઓ માત્ર દિવ્યાંગોના અધિકારો અને સાઈબાબાના 10 વર્ષના જેલવાસ અંગે જાગૃતિ માટે ભેગા થયા હતા અને કોઈ નારાબાજી કરી નહોતી. જોકે, કોર્ટે આ દલીલોને ગ્રાહ્ય રાખી નહોતી. આ પૂર્વે જાન્યુઆરી મહિનામાં કેસની સુનાવણી દરમિયાન અગાઉના જજે પણ વિદ્યાર્થીઓને સખત ફટકાર લગાવી હતી અને ચેતવણી આપી હતી કે આવી પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી તેમની ભવિષ્યની કારકિર્દી અને નોકરીની તકો પર ગંભીર નકારાત્મક અસર પડી શકે છે.
કોણ હતા જી.એન. સાઈબાબા?
જેમના નામે આ કાર્યક્રમ યોજાયો હતો તે જી.એન. સાઈબાબા દિલ્હી યુનિવર્સિટીના અંગ્રેજીના પૂર્વ પ્રોફેસર હતા. તેમના પર પ્રતિબંધિત સંગઠન CPI (માઓવાદી) અને નક્સલવાદીઓ સાથે સીધા સંબંધો હોવાનો અને તેમને મદદ કરવાનો ગંભીર આરોપ હતો, જેના હેઠળ તેમની UAPA હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2017માં નિચલી કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા હતા અને તેમણે લગભગ એક દાયકો જેલમાં વિતાવ્યો હતો. માર્ચ 2024માં બૉમ્બે હાઇકોર્ટે તેમને ટેકનિકલ ધોરણે દોષમુકત કર્યા હતા અને ઑક્ટોબર 2024માં તેમનું અવસાન થયું હતું.
જેમના સમર્થનમાં TISSના વિદ્યાર્થીઓએ નારા લગાવ્યા હતા તે ઉમર ખાલિદ અને શરજીલ ઈમામ JNUના પૂર્વ વિદ્યાર્થીઓ છે. આ બંને હાલમાં 2020ના દિલ્હી રમખાણો પાછળના મોટા કાવતરા અને દેશવિરોધી ભાષણો આપવાના કેસમાં UAPA હેઠળ જેલમાં બંધ છે અને સુપ્રીમ કોર્ટે પણ તેમના ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામીન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.

