ભારતે ખાનગી સ્પેસ સેક્ટરમાં રચ્યો ઇતિહાસ: સ્કાયરૂટનું વિક્રમ-1 સફળતાપૂર્વક લૉન્ચ, દેશના પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટે ભરી ઉડાન

ભારતે શનિવારે (18 જુલાઈ) ખાનગી સ્પેસ સેક્ટરમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી પોતાના પ્રથમ ઓર્બિટલ-ક્લાસ લૉન્ચ વ્હીકલ ‘વિક્રમ-1’નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું. આ સાથે જ ભારત પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ રોકેટ સફળતાપૂર્વક ઉડાન ભરનાર દેશ બની ગયો છે અને વૈશ્વિક કોમર્શિયલ લૉન્ચ માર્કેટમાં નવી એન્ટ્રી નોંધાવી છે.

બપોરે 12:05 વાગ્યે પ્રથમ લૉન્ચ પેડ પરથી ઉડાન ભરનાર ‘વિક્રમ-1’ ‘મિશન આગમન’ હેઠળ લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ભારતની કોઈ ખાનગી કંપની દ્વારા ભારતીય ધરતી પરથી ઓર્બિટમાં રોકેટ મોકલવાનો પ્રથમ પ્રયાસ હતો. લૉન્ચ સમયે ઇસરોના અધ્યક્ષ વી. નારાયણન અને પૂર્વ અધ્યક્ષ એસ. સોમનાથ પણ શ્રીહરિકોટામાં હાજર રહ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિને ભારતના અંતરીક્ષ પ્રવાસમાં ‘ઐતિહાસિક અધ્યાય’ તરીકે ગણાવી હતી. તેમણે જણાવ્યું કે વિક્રમ-1 ભારતના યુવાનોની પ્રતિભા, નવીનતા અને ઉદ્યોગસાહસિક ભાવનાનું પ્રતીક છે. લૉન્ચ પહેલાં તેમણે દેશવાસીઓને #IndiaWithVikram1 દ્વારા ટીમનું મનોબળ વધારવાની પણ અપીલ કરી હતી.

લગભગ સાત માળ જેટલું ઊંચું વિક્રમ-1 સંપૂર્ણ કાર્બન કમ્પોઝિટ માળખા સાથે તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં સ્કાયરૂટ દ્વારા વિકસિત 3D-પ્રિન્ટેડ લિક્વિડ એન્જિન તથા સ્વદેશી પ્રોપલ્શન ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. આ રોકેટ 350 કિલોગ્રામ સુધીના ઉપગ્રહોને લો અર્થ ઓર્બિટમાં સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે. તેના પ્રથમ ટેસ્ટ ફ્લાઇટમાં 450 કિલોમીટરની ઊંચાઈએ 60 ડિગ્રી ઇન્ક્લિનેશનવાળી કક્ષા હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

મિશનમાં ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેશન પેલોડ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદીનું ‘વંદે માતરમ્’ સંદેશવાળું પોસ્ટકાર્ડ, ઇસરોના વર્તમાન અને ભૂતપૂર્વ અધ્યક્ષો, અંતરીક્ષ વૈજ્ઞાનિકો, સ્કાયરૂટની ટીમ અને વિશ્વભરના સમર્થકોના હસ્તલિખિત સંદેશાઓ પણ અંતરીક્ષમાં મોકલવામાં આવ્યા છે. કંપનીએ તેને ભારતના સરકારી અને ખાનગી સ્પેસ ઇકોસિસ્ટમ વચ્ચેના સહયોગનું પ્રતીક ગણાવ્યું છે.

સ્કાયરૂટના સહ-સ્થાપક અને સીઈઓ પવન કુમાર ચંદાનાએ જણાવ્યું કે આ પ્રથમ ટેસ્ટ ફ્લાઇટમાંથી મળનારો ડેટા કંપનીના ભાવિ લૉન્ચ કાર્યક્રમો માટે પાયારૂપ સાબિત થશે. જ્યારે સહ-સ્થાપક નાગા ભરત ડાકાએ કહ્યું કે આ મિશન ભારતમાંથી વિશ્વને વિશ્વસનીય અને ઓન-ડિમાન્ડ લૉન્ચ સેવા પૂરી પાડવાના લક્ષ્ય તરફનું પ્રથમ પગલું છે.