ઑપરેશન સિંદૂરમાં બલિદાન પામેલા 6 જવાનોનાં નામ પ્રથમ વખત સત્તાવાર જાહેર: રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં અપાયું સ્થાન

કેન્દ્ર સરકારે પ્રથમ વખત ઑપરેશન સિંદૂર દરમિયાન દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા ભારતીય સશસ્ત્રદળોના 6 જવાનોનાં નામ સત્તાવાર રીતે જાહેર કર્યાં છે. આ તમામ જવાનોનાં નામ હવે નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની (નેશનલ વોર મેમોરિયલ) ‘રોલ ઑફ ઑનર’ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. સાથે જ સ્મારકની દિવાલ પર પણ તેમના નામ કાયમી રીતે અંકિત કરવામાં આવ્યા છે. આ સાથે જ સરકારે પ્રથમ વખત જાહેર રીતે ઑપરેશન સિંદૂર દરમિયાન થયેલા સૈન્ય નુકસાનની સત્તાવાર નોંધ લીધી છે.

રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં સ્થાન મેળવનારા 6 જવાનોમાં સુબેદાર મેજર પવન કુમાર (હેડક્વાર્ટર 10 ઇન્ફન્ટ્રી બ્રિગેડ), રાઇફલમેન સુનીલ કુમાર (4 જમ્મુ એન્ડ કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રી, વીર ચક્ર), લાન્સ નાયક દિનેશ કુમાર (5 ફીલ્ડ રેજિમેન્ટ), એવિએશન ટેક્નિશિયન મૂડ મુરલીનાયક (851 લાઇટ રેજિમેન્ટ), હવાલદાર સુનીલ કુમાર સિંહ (237 ફીલ્ડ વર્કશોપ કંપની) અને ભારતીય વાયુસેનાના સાર્જન્ટ સુરેન્દ્ર કુમારનો (વાયુ સેવા પદક) સમાવેશ થાય છે. આ પૈકી રાઇફલમેન સુનીલ કુમારને મરણોત્તર વીર ચક્ર અને સાર્જન્ટ સુરેન્દ્ર કુમારને વાયુ સેવા પદકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોનાં મોત થયા બાદ ભારતે 7 મે, 2025ની વહેલી સવારે ઑપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. ભારતીય સશસ્ત્રદળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (POK) આવેલા આતંકવાદી માળખાઓને નિશાન બનાવી ચોકસાઈભર્યા હુમલા કર્યા હતા. આ અભિયાન 10 મે સુધી ચાલ્યું હતું, જે દરમિયાન બંને દેશોના ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (DGMO) વચ્ચે વાતચીત બાદ જમીન, હવા અને સમુદ્રમાં તમામ સૈન્ય કાર્યવાહી સ્થગિત કરવા પર સહમતિ થઈ હતી.

અત્યાર સુધી સરકારે ઑપરેશન સિંદૂર દરમિયાન બલિદાન થયેલા જવાનોની ઓળખ સત્તાવાર રીતે જાહેર કરી નહોતી. હવે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની ‘રોલ ઑફ ઑનર’માં તેમનાં નામ ઉમેરાતા દેશ માટે તેમના સર્વોચ્ચ બલિદાનને સત્તાવાર અને કાયમી સન્માન આપવામાં આવ્યું છે.