અમદાવાદથી ફેક બ્લડ પ્લાઝમા સપ્લાય રેકેટ ઝડપાયું, 4ની ધરપકડ: આરોગ્ય મંત્રીએ કહ્યું– દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓને છોડવામાં નહીં આવે

અમદાવાદ જિલ્લાના ચાંગોદરથી સામે આવેલા બ્લડ પ્લાઝમા ભેળસેળ અને ચોરીના કૌભાંડને લઈને રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે કે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને છોડવામાં નહીં આવે અને જે કોઈ દોષિત સાબિત થશે તેની સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે જીવન બચાવવા માટે ઉપયોગમાં લેવાતા બ્લડ પ્લાઝમા જેવી મહત્વની વસ્તુમાં ભેળસેળ કરવી અત્યંત ગંભીર અને અમાનવીય કૃત્ય છે. આવાં કૃત્યોને કારણે લોકોનો આરોગ્ય વ્યવસ્થા પરનો વિશ્વાસ ડગમગી શકે છે, તેથી રાજ્ય સરકાર આ મામલે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી રહી છે. તેમણે જણાવ્યું છે કે પોલીસ સહિત સંબંધિત એજન્સીઓ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા લોકોની ભૂમિકાની તપાસ કરી રહી છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્યભરના બ્લડ બેન્કો, પ્લાઝમા કલેક્શન સેન્ટરો અને સંબંધિત એકમો પર કડક નજર રાખવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. પાનસેરિયાએ ખાતરી આપી છે કે ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે મોનિટરિંગ અને નિયંત્રણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવશે. આ ઉપરાંત તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ચાલી રહેલી તપાસમાં તમામ હકીકતો સામે આવશે અને જવાબદારો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

શું હતો સમગ્ર મામલો

ઉલ્લેખનીય છે કે અમદાવાદ ગ્રામ્ય SOGએ ચાંગોદર વિસ્તારમાં એક મોટા રેકેટનો પર્દાફાશ કરીને ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ અસલી બ્લડ પ્લાઝમાની ચોરી કરીને તેની જગ્યાએ સલાઈન વોટર જેવી ભેળસેળવાળો નકલી પ્લાઝમા મૂકતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 1,150 બ્લડ પ્લાઝમા યુનિટ, ડીપ ફ્રીઝર, કેમિકલ બોટલ્સ, સીલિંગ મશીન, ખાલી પ્લાઝમા બેગ અને વાહન સહિત અંદાજે ₹15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી દિનેશ ચૌધરી અગાઉ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં બ્લડ પ્લાઝમા કલેક્શન એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી ચૂક્યો હોવાથી તેને સમગ્ર પ્રક્રિયાની સારી જાણકારી હતી. તેણે વાહનના ડ્રાઈવર જીતેન્દ્ર સોલંકી અને કો-ડ્રાઈવર રફીક સાથે મળીને છેલ્લા છ મહિનાથી આ કૌભાંડ ચલાવ્યું હતું. ગેંગ ચોરાયેલા અસલી પ્લાઝમાને બજારભાવ કરતાં લગભગ અડધી કિંમતે અલગ-અલગ બ્લડ બેન્કોમાં વેચી નાખતી હતી. પોલીસે આ મામલે મહારાષ્ટ્રના મોહન ગાયકવાડ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ ચોરેલા અસલી પ્લાઝમાને પણ જરૂરી -8 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાખવાના બદલે સામાન્ય આઈસ બોક્સમાં રાખતા હતા, જેના કારણે તે બગડી જવાની અને દર્દીઓ માટે જોખમી બનવાની શક્યતા રહેતી હતી. હાલ SOG ટીમ નકલી પ્લાઝમા કઈ કંપનીઓ અને કેટલા દર્દીઓ સુધી પહોંચ્યો તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.