છત્તીસગઢમાં ભાજપ નેતા સહિત ત્રણની હત્યા, કારને ટક્કર મારી જીવતા સળગાવાયા: ચારની ધરપકડ, કારણ રેતી તસ્કરી વિવાદ હોવાનું અનુમાન

છત્તીસગઢમાં ભાજપ નેતાની (ડાબે) કારમાં હત્યા (ફોટો- Indian Express)

છત્તીસગઢના કોરિયામાં એક ભાજપ નેતાની હત્યા કરવામાં આવી છે. તેમની કારને ટ્રક વડે ટક્કર મારવામાં આવી હતી અને ત્યારબાદ પેટ્રોલ છાંટીને કાર સળગાવી દીધી હતી. ઘટના સમયે કુલ ચાર વ્યક્તિઓ કારમાં હતી, જેમાંથી ત્રણનાં મોત થયાં છે અને એક હાલ સારવાર હેઠળ છે. રેતી ખનન અને તસ્કરી વિવાદમાં હત્યા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઘટના મંગળવારે મધ્ય રાત્રિએ બની હતી. ભાજપ નેતા ભરત સિંહ તેમના ભાઈ સહિત ચાર લોકો સાથે કારમાં જઈ રહ્યા હતા. આરોપીઓ ટ્રક લઈને આવ્યા અને કારને ટક્કર મારી દીધી હતી. પહેલાં પોલીસને લાગ્યું કે કાર ટક્કરના કારણે સળગી ગઈ હતી પરંતુ હવે શંકા છે કે પેટ્રોલ છાંટીને કાર સળગાવી દેવામાં આવી હતી.

ટક્કરના કારણે દરવાજા જામ થઈ ગયા હતા, જેથી ભરત સિંહ બહાર ન નીકળી શક્યા. તેમના ભાઈ નરેન્દ્ર સિંહ પણ દાઝી ગયા હતા. તેમને પછીથી કારની બહાર કાઢવામાં આવ્યા પણ હોસ્પિટલ લઈ જતાં સુધીમાં મોત થઈ ગયું. અન્ય એક વ્યક્તિ વીરેન્દ્ર પ્રતાપ સિંહ કારની બહાર નીકળી આવ્યા તો આરોપીઓએ માર માર્યો હતો, જેના કારણે તેમનું પણ મોત થઈ ગયું. ચોથી વ્યક્તિ હાલ સારવાર હેઠળ છે.

પોલીસને આશંકા છે કે રેતીના ગેરકાયદેસર ખનન બાબતે વર્ષોથી ચાલતા વિવાદમાં ભરત સિંહ અને અન્યોની હત્યા કરવામાં આવી છે. આમાં ભાજપના જ અન્ય એક નેતા મનોજ ત્રિપાઠીનું નામ બહાર આવી રહ્યું છે. ઘટનામાં મનોજ સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે.

મંગળવારે રાત્રે આ ઘટના બની તેના થોડા કલાકો પહેલાં ભરત સિંહની મનોજ અને અન્ય આરોપીઓ સાથે બોલાચાલી પણ થઈ હતી અને બંને વચ્ચે ટેલિફોનિક વાતચીત બાદ મૃતકો મળવા માટે નીકળ્યા હતા, જ્યાં રસ્તામાં હત્યા કરી નાખવામાં આવી.

ભરતસિંહ પહેલાં કોંગ્રેસમાં હતા અને ભૂપેશ બઘેલ સરકાર સમયે ભાજપમાં સામેલ થયા હતા. આરોપી મનોજ ત્રિપાઠી ભાજપ ધારાસભ્ય રેણુકા સિંહનો નજીકનો માનવામાં આવે છે.

ઘટનાને લઈને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે જણાવ્યું કે પોલીસ આમાં તપાસ કરી રહી છે અને કોઈ પણ આરોપીને છોડવામાં નહીં આવે.