રાંચીના RSS કાર્યાલય પર પેટ્રોલ બૉમ્બ ફેંકવા મામલે અમન અન્સારી સહિત ત્રણની ધરપકડ, પાકિસ્તાન કનેક્શનની આશંકા: એક આરોપી ભાગવા જતાં પોલીસે પગમાં ગોળી મારી

ઝારખંડની રાજધાની રાંચીમાં આવેલા RSS કાર્યાલય પર થયેલા પેટ્રોલ બૉમ્બ હુમલાના આરોપીઓનું પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એજન્સીઓના જણાવ્યા અનુસાર ISIએ સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ RSS કાર્યાલય પર હુમલો કરવા માટે ટાસ્ક સોંપ્યું હતું. હુમલા બાદ આરોપીઓ ટ્રેન મારફતે દિલ્હી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમને બિહારના ગયા રેલવે સ્ટેશન પરથી ઝડપી લેવામાં આવ્યા.

આરોપીઓની ઓળખ અમન અન્સારી, સૈફી અન્સારી અને સાયમ સુજાન તરીક થઈ છે. પકડાયેલ ત્રણેય આરોપીઓ ઝારખંડના જ રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર અમાન અન્સારી સમગ્ર કાવતરાનો માસ્ટરમાઇન્ડ હોઈ શકે છે. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે એક આરોપી અગાઉ લગભગ છ મહિના સુધી દુબઈમાં રહ્યો હતો. સુરક્ષા એજન્સીઓ ‘શહજાદ ભટ્ટી મોડ્યુલ’ની સંડોવણીની દિશામાં પણ તપાસ કરી રહી છે.

ઘટના 16 જૂનની છે. અહીં રાત્રે લગભગ 11:35 વાગ્યે રાંચીના નિવારણપુર વિસ્તારમાં આવેલા RSS કાર્યાલય પર બે પેટ્રોલ બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા. CCTV ફૂટેજમાં બે શખ્સો હાથમાં પેટ્રોલ ભરેલી બોટલો લઈને કાર્યાલય તરફ જતા જોવા મળ્યા હતા. એક આરોપી બોટલમાં આગ લગાવીને તેને કાર્યાલય તરફ ફેંકી રહ્યો હતો, જ્યારે બીજો મોબાઈલમાં સમગ્ર વિડીયો બનાવી રહ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે હુમલા પહેલાં આરોપીઓએ વિસ્તારની રેકી પણ કરી હતી.

આખા કાર્યાલયને આગના હવાલે કરવાનું કાવતરું

તપાસમાં જાણવા મળ્યું કે બોટલોમાં મોટી માત્રામાં પેટ્રોલ ભરવામાં આવ્યું હતું અને હુમલાખોરોનો હેતુ સમગ્ર કાર્યાલયને આગ ચાંપી દેવાનો હતો. ઘટનાના સમયે કાર્યાલયમાં લગભગ 20 લોકો હાજર હતા. સદનસીબે બૉમ્બ યોગ્ય જગ્યાએ ન પડતાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પોલીસને સ્થળ પરથી પેટ્રોલ બૉમ્બ બનાવવા માટેનો કાચો માલ પણ મળ્યો છે. પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપીઓ આ પ્રકારના બૉમ્બ બનાવવામાં ખાસ પાવરધા ન હતા.

પોલીસ કસ્ટડીમાંથી ભગવાનો પ્રયાસ

ધરપકડ બાદ સૈફી અન્સારીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર તે પહેલાં બાથરૂમની વેન્ટિલેશન તોડી ભાગવા ગયો, બાદમાં ફરીથી પોલીસની પિસ્તોલ ઝૂંટવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પછીથી તેના પગમાં ગોળી મારી હતી. હાલ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. બાકીના આરોપીઓની પણ સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.

આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમની સાથે-સાથે UAPAની કલમ 16 અને 18 હેઠળ ગુનો નોંધી જેલ ભેગા કરાયા છે. વધુમાં મામલાની ઊંડી તપાસ માટે SITની રચના કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ NIA આ કેસ પોતાના હાથમાં લે તેવી પ્રબળ શક્યતા છે.