ટીએમસીમાંથી સસ્પેન્ડ થયેલા રિતબ્રતા બેનર્જી જ રહેશે બંગાળના વિપક્ષ નેતા, સ્પીકરના નિર્ણય પર વચગાળાની રોક લગાવવાની કલકત્તા હાઇકોર્ટની ના

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા (LoP) તરીકે સસ્પેન્ડેડ ટીએમસી (TMC) ધારાસભ્ય રિતબ્રતા બેનર્જીને માન્યતા આપવાના સ્પીકરના નિર્ણય પર વચગાળાનો સ્ટે આપવાનો કલકત્તા હાઇકોર્ટે ઈનકાર કરી દીધો છે. ન્યાયમૂર્તિ કૃષ્ણા રાવે આ મામલે કોઈ વચગાળાનો હુકમ આપ્યો નથી અને આગામી સુનાવણી 28 જુલાઈએ રાખી છે. તમામ પક્ષોને ત્રણ અઠવાડિયામાં સોગંદનામાં દાખલ કરવા પણ સૂચના આપવામાં આવી છે.

જોકે સુનાવણી દરમિયાન હાઇકોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે 9 મેના રોજ મળેલી પ્રથમ રજૂઆત પર કોઈ નિર્ણય કેમ લેવામાં આવ્યો નહીં, જ્યારે જૂન મહિનામાં મળેલી બીજી રજૂઆતને ઝડપથી સ્વીકારી લેવામાં આવી. કોર્ટે પૂછ્યું હતું કે એક રજૂઆતને અવગણીને બીજી રજૂઆત સ્વીકારવા પાછળનું કારણ શું હતું અને શું તમામ પક્ષોને સાંભળ્યા વગર આવો નિર્ણય લેવો યોગ્ય હતો?

બીજી તરફ, સ્પીકર અને બળવાખોર ધારાસભ્યો વતી કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે ગૃહની કામગીરીમાં વિરોધ પક્ષના નેતાનું પદ ધારાસભ્યોના બહુમતી સમર્થન પર આધારિત હોય છે. સ્પીકર સમક્ષ 58 ધારાસભ્યોએ રૂબરૂ હાજર થઈને રિતબ્રતા બેનર્જીને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. આ પરિસ્થિતિમાં સ્પીકરે પક્ષની અંદરના સંખ્યાબળ એટલે કે ન્યુમેરિકલ મેજોરિટીને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો હતો.

રિતબ્રતા બેનર્જી તરફથી હાજર રહેલા વકીલોએ દલીલ કરી હતી કે વિપક્ષના નેતાનું પદ વિધાનસભાના કામકાજ સાથે જોડાયેલું હોવાથી ધારાસભ્યોની બહુમતી સૌથી મહત્વપૂર્ણ છે. બીજી તરફ, શોભનદેવ ચટ્ટોપાધ્યાય તરફથી દલીલ કરવામાં આવી હતી કે વિપક્ષના નેતાની પસંદગીનો અધિકાર રાજકીય પક્ષના નેતૃત્વ પાસે છે, વિધાનસભા પક્ષના કોઈ જૂથ પાસે નહીં. તેમણે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા રિતબ્રતા બેનર્જીને LoP તરીકે કેવી રીતે માન્યતા આપી શકાય.

કોર્ટે આદેશમાં કહ્યું કે હાલ પ્રથમ દૃષ્ટિએ કેસ અરજદારના પક્ષમાં બનતો નથી કે તેમની માંગ મુજબ વચગાળાનો આદેશ આપીને સ્પીકરનો નિર્ણય રોકવાનું પણ કોઈ કારણ બનતું નથી, જેથી વચગાળાના આદેશની કોઈ જરૂર નથી.

શું છે સમગ્ર મામલો?

આ વિવાદની શરૂઆત બંગાળ વિધાનસભા ચૂંટણીમાં TMCના પરાજય બાદ પક્ષમાં ભાગલા પડ્યા બાદ થઈ હતી. ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ વરિષ્ઠ નેતા શોભનદેબ ચટ્ટોપાધ્યાયને વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો હતો અને આ અંગે મમતાના ભત્રીજા અને પાર્ટીના મહાસચિવ અભિષેક બેનર્જીએ સ્પીકરને પત્ર લખ્યો હતો.

આ પત્ર બાદ ટીએમસીના ધારાસભ્યો રિતબ્રતા બેનર્જી અને સંદીપન સાહાએ દાવો કર્યો હતો કે અભિષેકે અમુક ધારાસભ્યોની ફર્જી સહી કરી દીધી હતી અને તેના વિશે ધારાસભ્યોને જાણ પણ નથી. ત્યારબાદ પશ્ચિમ બંગાળ CIDએ મામલાની તપાસ શરૂ કરી હતી, જેમાં હાલ અભિષેકની પૂછપરછ પણ ચાલી રહી છે. બીજી તરફ ટીએમસીએ રિતબ્રત સહિત બંને ધારાસભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.

મામલામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે પાર્ટીના ચૂંટાયેલા 80માંથી 60 ધારાસભ્યોએ રિતબ્રતા બેનર્જીનું નામ આગળ ધરી દીધું હતું અને તેમને વિપક્ષ નેતા તરીકે સમર્થન આપ્યું હતું. 2/3 કરતાં વધુ ધારાસભ્યોએ બેનર્જીને સમર્થન આપ્યા બાદ તેઓ વિપક્ષ નેતા ચૂંટાયા અને વિધાનસભા સ્પીકરે પણ નિર્ણય માન્ય રાખ્યો હતો. આ મામલે મમતા બેનર્જી અને તેમની પાર્ટી કલકત્તા હાઇકોર્ટ પહોંચ્યાં હતાં અને સ્પીકરનો નિર્ણય રદ કરવા માટે માંગ કરી હતી. જોકે કોર્ટે તાત્કાલિક કોઈ રોક લગાવવાની ના પાડી છે.