યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમ્યાન ગુરુવારે વહેલી સવારે યુક્રેને રશિયાના પાટનગર મૉસ્કોમાં આવેલી એક ઓઈલ રિફાઈનરી પર ડ્રોન હુમલો કરી દીધો હતો. આ અઠવાડિયામાં આ બીજી વખત યુક્રેને આ જ રિફાઈનરીને નિશાન બનાવી છે. યુક્રેન હવે રશિયાને આર્થિક નુકસાન પહોંચાડવા માટે તેના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સતત હુમલા કરી રહ્યું છે.
મૉસ્કોના મેયરના જણાવ્યા અનુસાર, આ રિફાઈનરી પર એક પછી એક ઘણાં ડ્રોન ત્રાટક્યાં હતાં. રશિયન એર ડિફેન્સ ફોર્સે મૉસ્કો તરફ આવી રહેલાં 48થી વધુ ડ્રોનને હવામાં જ તોડી પાડ્યાં હતાં. છતાં અમુક ઇન્ટરસેપ્ટ ન થઈ શક્યાં. હુમલાના કારણે રિફાઈનરીમાં વિસ્ફોટો થયા હતા અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. ડ્રોનનો કાટમાળ પડવાથી એક શોપિંગ સેન્ટરને પણ નુકસાન થયું હતું.
Ukrainian drones struck Moscow’s oil refinery early Thursday, setting the facility ablaze, while Russian air defenses reportedly shot down several drones but failed to stop multiple others from reaching the target. pic.twitter.com/I6i2o3No6X
— AZ Intel (@AZ_Intel_) June 18, 2026
આ પહેલાં મંગળવારે પણ આ જ રિફાઈનરી પર હુમલો થયો હતો, જેના પછી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે તેમની સેનાએ 500 કિલોમીટર દૂર સુધી હુમલા કરી શકે તેવાં હથિયારોનો ઉપયોગ કર્યો છે. ઝેલેન્સ્કીનું કહેવું છે કે રશિયાની અંદર ઘૂસીને કરવામાં આવી રહેલા આ હુમલાઓ રશિયાને યુદ્ધ બંધ કરવા માટે મજબૂર કરવાની તેમની ખાસ વ્યૂહરચનાનો એક ભાગ છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી યુક્રેન રશિયાની અંદર આવેલાં સૈન્ય મથકો, નૌકાદળના કેન્દ્રો અને તેલ ડેપો પર સતત ડ્રોન વર્ષા કરી રહ્યું છે. યુક્રેને રશિયાના એ વિસ્તારોને પણ નિશાન બનાવ્યા છે જ્યાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આર્થિક બાબતોની બેઠકો યોજી હતી. અન્ય અમુક વિસ્તારો પણ નિશાન બન્યા છે.
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં લગભગ ચાર વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સુલેહ કરાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ ખાસ સફળતા ન મળી. હાલ પણ પ્રયાસો ચાલુ હોવાનું અમેરિકા જણાવી રહ્યું છે.

