
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) હાલમાં ગંભીર આંતરિક વિખવાદોનો સામનો કરી રહી છે. તાજેતરમાં પાર્ટીમાંથી રાજીનામું આપી ચૂકેલાં સાંસદ કાકોલી ઘોષના નેતૃત્વમાં 20 સાંસદોએ એક અલગ જૂથ બનાવીને લોકસભા સ્પીકરને પત્ર લખીને NDAને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. હવે આ સાંસદોની યાદી સામે આવી છે. યાદીમાં યુસુફ પઠાણ અને શત્રુઘ્ન સિન્હા પણ સામેલ છે. ઉપરાંત ‘કાબા-મદીના’થી ચર્ચામાં આવેલ મહિલા સાંસદ સાયોની ઘોષનો પણ સમાવેશ થાય છે.
બળવાખોર જૂથમાં સામેલ સાંસદોમાં શત્રુઘ્ન સિંહા (આસનસોલ), કાકોલી ઘોષ દસ્તીદાર (બરાસત), જગદીશ ચંદ્ર બર્મા બસુનિયા (કૂચબિહાર), ખલીલુર રહેમાન (જંગીપુર), યુસુફ પઠાણ (બહરામપુર), અબુ તાહિર ખાન (મુર્શિદાબાદ), પાર્થ ભૌમિક (બેરાકપુર), બાપી હાલદાર (મથુરાપુર), સાયોની ઘોષ (જાદવપુર), માલા રોય (કોલકાતા દક્ષિણ), મિતાલી બાગ (આરામબાગ), દીપક અધિકારી ઉર્ફે દેવ (ઘાટલ), કાલીપદ સોરેન (ઝારગ્રામ), જૂન માલિયા (મેદિનીપુર), અરૂપ ચક્રવર્તી (બાંકુરા), શર્મિલા સરકાર (પૂર્વ બર્ધમાન), અસિત કુમાર માલ (બોલપુર), શતાબ્દી રોય (બીરભૂમ) અને રચના બેનર્જીનો (હૂગલી) સમાવેશ થાય છે.
દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં પણ આમાંના કેટલાક સાંસદો હાજર રહ્યા હતા. આ બેઠક બાદ સાંસદોએ બળવો કર્યો હોવાના દાવાઓ વધુ મજબૂત બન્યા છે. બીજી તરફ મમતા બેનર્જી સાથે મહુઆ મોઇત્રા, સાગરિકા ઘોષ, ડેરેક ઓ બ્રાયન વગેરે અમુક નેતાઓ જ રહી ગયા છે.
દળબદલ વિરોધી કાયદા મુજબ TMCના 28 સાંસદોમાંથી ઓછામાં ઓછા 19 સાંસદો એકસાથે અલગ થાય તો જ બળવાખોર સાંસદોનું સભ્યપદ બચી શકે તેમ છે. તેથી આ જૂથ માટે આ આંકડો ખૂબ મહત્વનો માનવામાં આવે છે. જોકે મમતાના સમર્થકો દાવો કરી રહ્યા છે કે બાગી સાંસદો પાસે જરૂરી સંખ્યા નથી, પણ યાદી જુદું જ જણાવી રહી છે.
આ સમગ્ર ઘટનાક્રમે TMCમાં અત્યાર સુધીનું સૌથી મોટું આંતરિક સંકટ ઊભું કર્યું છે. સંસદમાં સાંસદોનો બળવો અને વિધાનસભામાં ધારાસભ્યોની નારાજગી મળીને મમતા બેનર્જીના નેતૃત્વ સામે ગંભીર પડકાર બની રહ્યા છે. આગામી દિવસોમાં આ વિવાદ પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટા ફેરફારો લાવી શકે છે.

