કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાત આવ્યા છે. જ્યાં સવારથી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ સાંજે અમદાવાદ ખાતે 36મી નેશનલ ગેમ્સ 2022ના કર્ટન રેઝર અને 11મા ખેલ મહાકુંભના સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અહીં સંબોધન કરતી વખતે ગૃહમંત્રી અમિત શાહે મેધા પાટકર પર નિશાન સાધ્યું હતું. નોંધવું જોઈએ કે ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી છે કે આમ આદમી પાર્ટી મેધા પાટકરને ગુજરાતના સીએમ ઉમેદવાર બનાવી શકે છે.
ગૃહમંત્રી અમિત શાહે જાહેર મંચ પરથી પીએમ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનાં કાર્યો અંગે વાત કરતાં કહ્યું કે, “જો મોદીએ વિકાસ કરીને નર્મદાનું પાણી કચ્છ સુધી ન પહોંચાડ્યું હોત તો આ વિકાસ સંભવ જ ન હતો.” તેમણે આગળ કહ્યું કે, “આજકાલ કેટલાક લોકોએ નવી શરૂઆત કરી છે. તેઓ નર્મદા યોજનાનો વિરોધ કરનાર મેધા પાટકરને પાછલા દરવાજેથી ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કરાવવા માંગે છે.”
नर्मदा का विरोध करने वाली @medhanarmada को पिछले दरवाजे से गुजरात की राजनीती में एंट्री की कोशिश हो रही हैं, मैं गुजरात के युवाओं से पूछना चाहता हूँ की क्या नर्मदा योजना और गुजरात के विकास का विरोध करने वके लोगों को गुजरात में एंट्री करने दोगे क्या आप लोग: @AmitShah@indiatvnews pic.twitter.com/7LRRJ5huaL
— Nirnay Kapoor (@nirnaykapoor) September 4, 2022
તેમણે કહ્યું, “હું ગુજરાતને યુવાનોને પૂછવા માંગુ છું, જેમણે નર્મદા યોજનાનો વિરોધ કર્યો, જેમણે ગુજરાતના વિકાસનો વિરોધ કર્યો, તેમને ગુજરાતમાં પ્રવેશવા દેશો?” તેમણે કહ્યું, “જેમણે દાયકાઓ સુધી ગુજરાતનો વિરોધ કર્યો, જીવાદોરી સમાન નર્મદા યોજનાનો વિરોધ કર્યો, જેમણે દુનિયાના એક પણ મંચ ઉપર ગુજરાતને બદનામ કરવાની તક નહીં છોડી તેવાં મેધા પાટકરને લોકો લાવવા માંગે છે તેમને કહેવા માંગુ છું કે તેઓ ત્યાં જ અટકી જાય. કારણ કે આ ગુજરાત છે અને અહીં ગુજરાત વિરોધીઓને કોઈ સ્થાન નથી.”
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “મને ગુજરાતની જનતા ઉપર, ગુજરાત સરકારના સાથી મિત્રો અને પીએમ મોદીના નેતૃત્વ પર વિશ્વાસ છે અને ગુજરાતના લોકો ગુજરાતવિરોધીઓનું મહિમામંડન કરનારાઓને ક્યારેય સ્વીકારશે નહીં.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સમાચાર સામે આવ્યા હતા કે આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મેધા પાટકરને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી શકે છે. જે બાદ સોશિયલ મીડિયા અને મીડિયામાં પણ ચર્ચાઓ શરૂ થઇ હતી.
ગુજરાત વિરોધી છબી ધરાવનારા મેધા પાટકરને આમ આદમી પાર્ટી મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવશે તેવી વાતો વહેતી થતાં આમ આદમી પાર્ટીના જ ઉમેદવારોએ નારાજગી જાહેર કરી હતી અને 19માંથી 13 ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ ‘આપ’ કન્વીનર કેજરીવાલ પણ ગુજરાત આવ્યા હતા.
મેધા પાટકર ‘નર્મદા બચાવો આંદોલન’ના કારણે ચર્ચામાં આવ્યાં હતાં. આ આંદોલન અને અન્ય ગતિવિધિઓના કારણે ગુજરાતની નર્મદા યોજનામાં વર્ષો સુધી વિલંબ થતો રહ્યો અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાતની છબીને નુકસાન પહોંચ્યું હતું.