નાશિક TCS કેસમાં કોર્ટમાં 1500 પાનાંની ચાર્જશીટ દાખલ, AIMIMના પૂર્વ સાંસદ ઈમ્તિયાઝ જલીલનો પણ ઉલ્લેખ

નાશિકના ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના BPO યુનિટમાં સામે આવેલા હિંદુઓના ધર્માંતરણ અને ઉત્પીડનના કેસમાં મહારાષ્ટ્ર પોલીસે કોર્ટમાં દોઢ હજાર પાનાંની એક ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટ દેવલાલી કેમ્પ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી પહેલી FIRમાં થઈ છે, જેમાં મુખ્યત્વે ચાર માણસોને આરોપી બનાવવામાં આવ્યા છે. જેમાં દાનિશ શેખ, તૌસિફ અત્તર, નિદા ખાન અને મતીન પટેલનો સમાવેશ થાય છે. મતીન પટેલ AIMIM કોર્પોરેટર છે.

આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો ગુનાહિત ષડ્યંત્ર, બળાત્કાર, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવી, આરોપીઓને શરણ આપવું વગેરે કલમો લગાવવામાં આવી છે. ઉપરાંત એસસી/એસટી એક્ટની કલમો પણ જોડવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર, ચાર્જશીટમાં AIMIMના પૂર્વ સાંસદ ઈમ્તિયાઝ જલીલનું પણ નામ આવ્યું છે. પોલીસ જ્યારે આરોપી નિદા ખાનને શોધી રહી હતી ત્યારે તેને શરણ આપવાના ગુનામાં AIMIM કોર્પોરેટર મતીન પટેલને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી ત્યારે તે વારંવાર પોલીસને એક જ વાત કહી રહ્યો હતો કે ‘ઈમ્તિયાઝ જલીલ સાહબ કો પૂછના પડેગા.’

જલીલ AIMIMનો નેતા છે, અને ઔરંગાબાદથી સાંસદ રહી ચૂક્યો છે. મતીન પટેલ AIMIMનો કોર્પોરેટર છે અને ઇમ્તિયાઝને રાજનીતિક બોસ માને છે.

ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું કે નિદા ખાનની આગોતરા જામીનની અરજી નાસિક કોર્ટે રદ કરી ત્યારે મતીન પટેલે આ હકીકત જાણતો હોવા છતાં નિદા અને તેના પરિવારને છુપાવી રાખ્યા હતા અને પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે સ્થળ વિશે જાણવા મળ્યું અને નિદા ખાનની ધરપકડ થઈ શકી હતી. પછીથી સ્થાનિક પ્રશાસને મતીનની ગેરકાયદેસર સંપત્તિ પણ તોડી પાડી હતી.