
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે કબજાઓ અને બાંધકામો વિરુદ્ધ મોટાપાયે ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવીના સીધા આદેશથી શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે જ 1,000થી વધુ ગેરકાયદે મકાનો અને ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવામાં આવ્યાં છે, જેને સૌરાષ્ટ્રના ઇતિહાસમાં સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહીઓમાંની એક ગણવામાં આવી રહી છે.
કાર્યવાહીની વિગતો
આ ડ્રાઇવ આજી નદીના કિનારે અને 2.5 કિલોમીટર લાંબા વિસ્તારમાં ફેલાયેલા આશરે 1,400થી 1,489 ગેરકાયદે બાંધકામોને લક્ષ્ય બનાવીને હાથ ધરવામાં આવી હતી. પ્રથમ દિવસે (23 ફેબ્રુઆરી, 2026) સવારથી શરૂ થયેલી આ કાર્યવાહીમાં 65થી વધુ ખોદકામ મશીનો (એક્સકેવેટર્સ), ટ્રેક્ટર, ડમ્પર અને અન્ય હેવી મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આશરે 1,000થી વધુ RMC કર્મચારીઓ અને 2,500થી વધુ પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા હતા. વિસ્તારને કોર્ડન કરીને બહારના લોકોનો પ્રવેશ રોકવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી આશરે 87,000 ચોરસ મીટર જમીન મુક્ત કરવામાં આવી છે.
જંગલેશ્વર ગુનેગારોનો અડ્ડો બની ગયો હતો: હર્ષ સંઘવી
ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે જંગલેશ્વર વિસ્તાર લાંબા સમયથી ગુનેગારો અને અસામાજિક તત્વોનું સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયો હતો. તપાસમાં ખુલાસો થયો છે કે મોટાભાગના લોકો સરકારી પ્લોટ પર ગેરકાયદેસર કબજો કરીને તેને ભાડે આપતા હતા અને અસામાજિક તત્વોને આશરો આપતા હતા. તેમણે કહ્યું કે, “આ વિસ્તારમાં બહારથી નાના દેખાતા મકાનો અંદરથી વૈભવી અને એરકન્ડિશન્ડ પણ હતા.”
રાજકોટના જંગલેશ્વરમાં હાલ મેગા ડિમોલિશન અભિયાન ચાલી રહ્યું છે, જેમાં 1500થી વધુ અવૈધ ઈમારતનો તોડી પાડવામાં આવી રહી છે…
— ઑપઇન્ડિયા (@OpIndia_G) February 24, 2026
આ અંગે Dy CM હર્ષ સંઘવીએ, સરકારી જમીન પચાવી પાડનારાઓે કડક ભાષામાં ચેતવણી આપી હતી.
સંઘવીએ કહ્યું કે, આ વિસ્તાર અસામાજીક તત્વો અને ગુનેગારોનો અડ્ડો બની ગયો… pic.twitter.com/PznjZG12PA
કાર્યવાહી બાદના થોડા સમયમાં 19 જાણીતા ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 8 હત્યાના કેસ, 68 મારપીટના કેસ, જાતીય અપરાધો અને 80થી વધુ ગેંગ મેમ્બર્સ સામેલ છે. આ ઉપરાંત 472 કિલો ગાંજા અને ડ્રગ્સ સાથે 8 આરોપીઓ પણ પકડાયા છે. હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું કે, “કોઈપણ ગેરકાયદે કબજો બાકી રહેશે નહીં અને નાગરિકો માટે ભયમુક્ત વાતાવરણ ઊભું કરવામાં આવશે.” તેમણે કહ્યું કે આ કાર્યવાહી લો એન્ડ ઓર્ડર સુધારવા અને સરકારી જમીન પરત મેળવવા માટે છે.”
તેમણે કહ્યું કે ગરીબ અને સામાન્ય જનતાને ડરાવીને જમીન હડપનારા તત્વોની યાદી બનાવીને તેમની સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. આટલા મોટાપાયે થયેલી કામગીરીમાં રાજકોટ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે સચોટ સંકલન જોવા મળ્યું હતું, જેથી કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના બની નહોતી. રાજ્ય સરકાર દબાણમુક્ત થયેલી જમીનનો ઉપયોગ શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની જરૂરિયાતો માટે કરવાનું આયોજન કરી રહી છે.
નોંધનીય છે કે આ કાર્યવાહી આજી નદીના કુદરતી પ્રવાહને પુનઃસ્થાપિત કરવા અને પૂરના જોખમને ઘટાડવા માટે પણ છે, જેમાં 15 મીટરનો ટાઉન પ્લાનિંગ રોડ બનાવવાનો પણ સમાવેશ થાય છે. આ ડ્રાઇવ ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે અને તમામ ગેરકાયદે બાંધકામોને સંપૂર્ણપણે હટાવવાનું લક્ષ્ય છે. હર્ષ સંઘવીએ ભારપૂર્વક જણાવ્યું કે દાદાગીરીથી પ્લોટ કબજે કરનારાઓ પર કાર્યવાહી થશ અને કાયદાનું શાસન સુનિશ્ચિત કરવામાં આવશે. વધુ વિગતો આગામી દિવસોમાં સામે આવશે.

