રશિયાના બશ્કોર્તોસ્તાનના ઉંફા કરીને એક શહેરમાં સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ પર છરાથી હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે પ્રતિબંધિત નાઝી સંગઠન સાથે જોડાયેલા 15 વર્ષીય હુમલાખોરે 7 ફેબ્રુઆરીના રોજ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનામાં લગભગ 4 ભારતીય વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે અને 2 પોલીસકર્મીઓને પણ ઇજા પહોંચી છે. હુમલાખોર નાઝી ગ્રુપ નેશનલ સોશિયાલિઝમ/વ્હાઇટ પાવર (NS/WP) ક્રૂ સાથે જોડાયેલો હતો, જેને સ્પેરો ક્રૂના નામથી પણ ઓળખવામાં આવે છે.
ટૂંકમાં હુમલાખોર કટ્ટર નાઝીવાદી વિચારધારાથી પ્રભાવિત હતો. તે જે સમૂહ સાથે કામ કરી રહ્યો હતો, તેને 2021માં રશિયન સુપ્રીમ કોર્ટે આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું અને આ સમૂહનો સંબંધ ઘણા હાઇપ્રોફાઇલ પત્રકારો પર હુમલા સાથે પણ છે. 15 વર્ષીય નાઝીવાદી શખ્સ દ્વારા કરવામાં આવેલો આ હુમલો માત્ર એક ગુનાહિત ઘટના નહોતી. હુમલાખોર નિયો-નાઝી વિચારધારાથી ખૂબ પ્રભાવિત હતો.
તેણે હોસ્ટેલની દીવાલ પર એક ભારતીય વિદ્યાર્થીના લોહીથી નાઝી પ્રતિક બનાવ્યું હતું અને નાઝીવાદી નારાઓ પણ લગાવ્યા હતા. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે એક એવી બાબત પણ સામે આવી છે, જેણે મીડિયાની ‘સત્યતા’, ‘નિષ્પક્ષતા’ પર સવાલ ઊભા કર્યા છે. વાસ્તવમાં મોટાભાગની મીડિયા સંસ્થાઓએ નાઝીવાદી પ્રતિકને ‘સ્વસ્તિક’ ગણાવ્યું છે અને હિંદુ-બૌદ્ધ-જૈન પરંપરાને જાણીજોઇને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો છે.
મીડિયાની અવળચંડાઈ
પશ્ચિમી મીડિયાની સાથે-સાથે દેશની પણ મોટાભાગની મીડિયા સંસ્થાઓએ આ ઘટનાનું રિપોર્ટિંગ કર્યું છે. દેશના ઘણા મુખ્ય મીડિયા પ્લેટ્ફોર્મસે હેડલાઈનોમાં અને સમાચારની વિગતોમાં પણ નાઝી ચિહ્નને ‘સ્વસ્તિક’ ગણાવવાની અવળચંડાઈ કરી છે, જેમાં ન્યુઝ18, NDTV, ઇન્ડિયા ટુડે અને મની કન્ટ્રોલ જેવા ઘણા મીડિયા પ્લેટ્ફોર્મસનો સમાવેશ થાય છે. મીડિયા પ્લેટફોર્મ્સે પોતાનાં મથાળામાં ‘બ્લડ સ્વસ્તિક’, ‘દીવાલ પર દોરેલો સ્વસ્તિક’, ‘સ્વસ્તિક ગ્રાફિટી’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે.

હવે સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે શું આ માત્ર એક ભૂલ છે? અથવા આ શબ્દના સાંસ્કૃતિક અર્થને અવગણવા જેવું છે? કે પછી આ તે બૌદ્ધિક જડતા છે જેમાં ભારતીય મીડિયા પશ્ચિમી મીડિયાની જેમ સનાતન સંસ્કૃતિ, તેના પ્રતીકો અને તેની પરંપરાને કલંકિત કરી રહ્યા છે?
સ્વસ્તિક અને નાઝી ચિહ્ન વચ્ચે શું અંતર છે?
‘સ્વસ્તિક’ કોઈ 20મી સદીનું રાજકીય પ્રતીક નથી. તે ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પ્રાચીન ચિહ્ન છે. તેની રચના સંસ્કૃત શબ્દ ‘સુ’ અને ‘અસ્તિ’માંથી થઈ છે, જેનો અર્થ છે ‘કલ્યાણ થજો‘. વૈદિક પરંપરાઓ, જૈન, બૌદ્ધ, હિંદુ અને ભારતીય લોકસંસ્કૃતિમાં આ હજારો વર્ષોથી શુભ, સમૃદ્ધિ અને સંતુલનનું પ્રતીક રહ્યું છે. લગ્નથી લઈને ગૃહપ્રવેશ સુધી, મંદિરોથી લઈને વ્યાપારી સંસ્થાઓ સુધી આ મંગલચિહ્ન છે, નહીં કે હિંસાનું પ્રતિક.
તેનાથી વિપરીત જર્મનીમાં 20મી સદીની શરૂઆતમાં નાઝી પાર્ટી દ્વારા અપનાવવામાં આવેલું પ્રતીક જર્મન ભાષામાં ‘Hakenkreuz’ (હેકનક્રૂઝ) કહેવાય છે, જેનો અર્થ થાય છે ‘હૂકવાળો ક્રોસ’. આ એક જાતિવાદી, ફાસીવાદી અને નરસંહાર સાથે જોડાયેલી વિચારધારાનું રાજકીય પ્રતીક હતું. રચનામાં પણ તફાવત છે. નાઝી હેકનક્રૂઝ સામાન્ય રીતે 45 ડિગ્રી ઝૂકેલું હોય છે અને ચોક્કસ રાજકીય સંદર્ભમાં વપરાયું છે. જ્યારે ભારતીય સ્વસ્તિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અર્થોમાં સ્થાપિત છે.
હિંદુઓ માટે પવિત્ર સ્વસ્તિક અને નાઝીઓનાં ઘૃણાનાં પ્રતીક હેકનક્રૂઝ વચ્ચે ઘણો મોટો તફાવત છે. સ્વસ્તિકમાં ‘સુ’ નો અર્થ ‘સારું’ અને ‘અસ્તિ’ નો અર્થ ‘હોવું’ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કલ્યાણ. તે લગભગ 6,000 વર્ષ પહેલાં ખડકો અને ગુફાઓમાં બનાવેલા ચિત્રો સાથે જોડાયેલું છે.
વિદ્વાનો પણ સંમત છે કે તેની ઉત્પત્તિ ભારતમાં થઈ હતી. આ પ્રતીક હિંદુઓ, બૌદ્ધો અને જૈનો તેમજ વાઇકિંગ્સ અને ગ્રીકો સહિત અન્ય પ્રાચીન સંસ્કૃતિઓ માટે સૌભાગ્ય, સમૃદ્ધિ અને બધી શુભ બાબતોનું પ્રતીક રહ્યું છે.

હિંદુ પરંપરામાં સ્વસ્તિકની ભુજાઓના વળાંક પછીની સીધી રેખાને સરૂપ્ય, સાલોક્ય, સામીપ્ય અને સાયુજ્ય કહેવામાં આવે છે. આ દૈવી જોડાણના વિવિધ સ્તરોનું પ્રતિનિધિત્વ કરે છે.
સ્વસ્તિકનો ઉલ્લેખ સૌપ્રથમ વેદોમાં થયો હતો અને તે સૂર્ય અને બ્રહ્માંડના સર્જનહાર બ્રહ્માનું પ્રતીક છે. તેને શક્તિના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે અને તે સૌભાગ્યના દેવતા ગણેશનું પણ પ્રતીક છે. હિંદુ ધર્મ અને જૈન પરંપરા બંનેમાં સ્વસ્તિકનો ઉપયોગ ખાતાવહી, દરવાજા અને પુસ્તકનાં શરૂઆતનાં પાનાંઓને ચિહ્નિત કરવા માટે થાય છે.
2013માં વિશ્વના સૌથી જૂના યહૂદી સંગઠનો પૈકીના એક અમેરિકન યહૂદી સમિતિએ હિંદુ, જૈન અને બૌદ્ધ સંસ્કૃતિઓ દ્વારા સદીઓથી ઉપયોગમાં લેવાતા સ્વસ્તિક અને તેના નાઝી સંસ્કરણ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો હતો. 2021માં ઓરેગન શિક્ષણ વિભાગે આ તફાવતને કાનૂની માન્યતા પણ આપી હતી.
પશ્ચિમી મીડિયા લાંબા સમયથી તેમના રિપોર્ટિંગમાં નાઝી હેકેનક્રૂઝ માટે સ્વસ્તિક શબ્દનો ઉપયોગ જાણીજોઈને કરી રહ્યું છે, જોકે, બંને એકબીજાથી ઘણા અલગ છે. પશ્ચિમી મીડિયા ઇચ્છે છે કે, હિંદુ પ્રતીકને નફરતનું પ્રતીક માનવામાં આવે અને લોકોમાં હિંદુઓ વિરુદ્ધ રોષ ફેલાય, હવે એ જ રસ્તે ભારતીય મીડિયા પણ ચાલી રહ્યું છે.
અહીં સમસ્યા માત્ર શબ્દની નથી. સમસ્યા સંદર્ભની છે. ભારતમાં ‘સ્વસ્તિક’ શબ્દનો સાંસ્કૃતિક સંદર્ભ અલગ છે. આ માત્ર એક આકૃતિ નથી, પરંતુ એક જીવંત પરંપરાનું પ્રતીક છે. આવા સંજોગોમાં જ્યારે કોઈ નાઝી હિંસક કૃત્યના સંદર્ભમાં આ જ શબ્દને સીધો વાપરવામાં આવે છે તો ઓછામાં ઓછી એ અપેક્ષા તો રાખી શકાય કે મીડિયા સ્પષ્ટ કરે કે તે નાઝી પ્રતીકની વાત કરી રહ્યું છે, નહીં કે ભારતીય ધાર્મિક ચિહ્નની, પણ મીડિયાને એમાં રસ નથી. તેને રસ છે હિંદુઓ વિરુદ્ધ પ્રોપગેન્ડા ઘડવામાં, તેને ફેલાવવામાં અને પરંપરાને કલંકિત કરવામાં.
સ્વસ્તિકને નાઝી પ્રતીક કહી દેવું માત્ર તથ્યાત્મક સરળીકરણ નથી, પરંતુ સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ અયોગ્ય છે. અને જ્યારે આવી અવળચંડાઈ વારંવાર પુનરાવર્તિત થાય ત્યારે તે એક ગંભીર બૌદ્ધિક બદમાશીમાં પરિવર્તિત થઈ જાય છે. ભારતીય મીડિયાએ તે બાબત ધ્યાને રાખવી પડશે કે દરેક પ્રતીકનો પોતાનો ઇતિહાસ હોય છે. દરેક શબ્દ પોતાની સાથે એક સભ્યતાની સ્મૃતિ લઈને ચાલે છે.


