અમરેલી: ગૌહત્યા બદલ કાસિમ, સતાર, અકરમને આજીવન કેદની સજા ફટકારતી સેશન્સ કોર્ટ

તાજેતરમાં અમરેલીની એક કોર્ટે ગૌહત્યા બદલ ત્રણ શખ્સોને આજીવન કેદની સજા ફટકારી. 11 નવેમ્બરે (મંગળવાર) અમરેલી સેશન્સ કોર્ટે કાસિમ હાજી સોલંકી (20), સતાર ઇસ્માઇલ સોલંકી (52) અને અકરમ સોલંકીને (30) 2023ના એક કેસમાં ગુનેગાર ઠેરવીને સજા આપી હતી.

ઘટના નવેમ્બર 2023ની છે. અમરેલી સીટી પોલીસ મથકે આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પછીથી કેસ સિવિલ કોર્ટ પહોંચ્યો હતો, જ્યાંથી સેશન્સ કોર્ટને કમિટ કરવામાં આવ્યો હતો. સેશન્સ કોર્ટે એક વર્ષની ટ્રાયલ બાદ આખરે સજા ફટકારી હતી.

ગુનાની વિગતો એવી છે કે 6 નવેમ્બર, 2023ના રોજ અમરેલી પોલીસને બહારપરાના મોટા ખાટકીવાડમાં કાસિમ નામના શખસને ત્યાં ગૌવંશની કતલ કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ દરોડા પાડવામાં આવતાં ત્યાંથી ગૌવંશનું આશરે 40 કિલો માંસ મળી આવ્યું હતું. ત્યારબાદ તપાસ કરતાં જાણવા મળ્યું કે તે ઘરે જ ગાય કાપતો હતો અને તેનું વેચાણ કરતો હતો. પોલીસે પછીથી તેની ધરપકડ કરી લીધી હતી અને ત્યારબાદ તેને મદદ કરનારા બાકીના બંને આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી.

મામલો પછીથી કોર્ટમાં ગયો, જ્યાં સમગ્ર ટ્રાયલ ચાલી હતી. ટ્રાયલને અંતે કોર્ટે ત્રણેય આરોપીઓને ગુનેગાર ઠેરવ્યા હતા અને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્રણેયને 6.08 લાખ રૂપિયા દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક પોસ્ટ કરીને કહ્યું કે આ નિર્ણય માત્ર નથી પરંતુ એક સંદેશ છે કે જે કોઈ ગૌમાતા, જે આપણી આસ્થા અને સંસ્કૃતિનું પ્રતીક છે તેમની સાથે અન્યાય કરવાનો પ્રયાસ કરશે તો છોડવામાં નહીં આવે. તેમણે ઉમેર્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી રહેતાં ગૌરક્ષા માટે જે કાયદો બનાવ્યો હતો તે હવે ન્યાય તોળી રહ્યો છે.