જીએન સાઈબાબાના મૃત્યુનું વર્ષ થવા પર પરવાનગી વગર કર્યો કાર્યક્રમ, ખાલિદ-શરજીલના સમર્થનમાં લગાવ્યા નારા: મુંબઈમાં TISSના 10 વિદ્યાર્થીઓ વિરુદ્ધ FIR

મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ (TISS) ખાતે 13 ઑક્ટોબરની રાત્રે 10 વિદ્યાર્થીઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓ જી.એન. સાઈબાબાની પુણ્યતિથિની ઉજવણી કરી હતી. આ ઘટનાએ વિવાદ ઉભો કર્યો છે.

અહેવાલ અનુસાર આ ઘટના 12 ઑક્ટોબરની છે. સામે આવ્યું છે કે આ કાર્યક્રમની પરવાનગી વહીવટીતંત્ર કે મુંબઈ પોલીસ પાસેથી લેવામાં આવી નહોતી. રવિવાર હોવાને કારણે શરૂઆતમાં આ ઘટના કોઈના ધ્યાને ન આવી. પરંતુ 13 ઑક્ટોબર 2024ના રોજ સોમવારે સોશિયલ મીડિયા પર આ કાર્યક્રમના ફોટા અને વિડીયો વાયલ થયા હતા.

સામે આવ્યું હતું કે વિદ્યાર્થીઓએ JNUના પૂર્વ વિદ્યાર્થીઓ અને દિલ્હી રમખાણોના મુખ્ય આરોપીઓ શરજીલ ઈમામ અને ઉમર ખાલિદના સમર્થનમાં પણ નારા લગાવ્યા હતા. આ બંને હાલ જેલમાં બંધ છે. સોશિયલ મીડિયા પર પ્રશ્ન ઉઠી રહ્યો છે કે પોલીસ કે વહીવટીતંત્રની પરવાનગી વિના આવો કાર્યક્રમ કેમ યોજાયો. ત્યારપછી TISSના વહીવટીતંત્રએ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે નેહરુ નગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધી હતી.

એક પોલીસ અધિકારીએ કેસની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે આ ગેરકાયદે કાર્યક્રમ વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ ભડકાવવા અને દેશ સામે પૂર્વગ્રહ ફેલાવવા સહિતના અનેક આરોપો સાથે જોડાયેલો છે. તેમણે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. અધિકારીના જણાવ્યા મુજબ, કેસ નોંધાયા પછી વિદ્યાર્થીઓને નોટિસ જારી કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, “આ કાર્યક્રમ માટે મુંબઈ પોલીસ પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી.”

આ વિદ્યાર્થીઓ વિરુદ્ધ BNSની કલમ કલમ 196(1) (ધર્મ, જાતિ વગેરેના આધારે જૂથો વચ્ચે દુશ્મની ફેલાવવી), કલમ 196(2) રાષ્ટ્ર વિરુદ્ધ પૂર્વગ્રહ ઉભો કરવો અથવા રાષ્ટ્રીય એકતાને નુકસાન પહોંચાડવું) અને કલમ 189 (ગેરકાયદેસર એકઠું કરવું) હેઠળ FIR નોંધવામાં આવી છે.

આ ઉપરાંત, સોશિયલ મીડિયા પોસ્ટ્સને લગતા ઇન્ફર્મેશન ટેકનોલોજી ઍક્ટ હેઠળ પણ ચાર્જ લાગુ થઈ શકે છે. ચાર વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે તથા તેમના લેપટોપ અને ફોન જપ્ત કરવામાં આવ્યા છે અને કેમ્પસમાં રૂમની તપાસ કરવામાં આવી. TISS વહીવટીતંત્ર આ વિદ્યાર્થીઓને નિયમોના ઉલ્લંઘન માટે શો-કૉઝ નોટિસ આપવાની તૈયારી કરી રહ્યું છે.

કોણ હતા સાઈબાબા?

જીએન સાઈબાબા દિલ્હી યુનિવર્સિટીના અંગ્રેજીના પ્રોફેસર હતા. માઓવાદીઓ સાથેના સંબંધો બદલ જેલમાં બંધ નક્સલવાદીઓ સાથે સહાનુભૂતિ ધરાવવાનો તેમના પર કેસ પણ થયો હતો. સાઈબાબાની નક્સલવાદીઓ સાથેના કથિત સંબંધો માટે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. દસ વર્ષ જેલમાં વિતાવ્યા બાદ તેમને છોડવામાં આવ્યા હતા. ગતવર્ષે 12 ઑક્ટોબર, 2024ના રોજ હૈદરાબાદમાં તેમનું અવસાન થયું હતું.