નેપાળમાં હિંસક પ્રદર્શનો બાદ સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવાયો, 19નાં મોત

નેપાળમાં હિંસક પ્રદર્શનો અને 19 લોકોનાં મોત બાદ સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ ઉઠાવવાની ઘોષણા કરી છે. સોમવારે (8 સપ્ટેમ્બર) થયેલાં પ્રદર્શનોએ હિંસાનું સ્વરૂપ પકડી લીધું હતું, જેમાં 19નાં મૃત્યુ થયાં અને 300થી વધુને ઈજા પહોંચી હતી. 

એક નિવેદનમાં નેપાળ પીએમ કે. પી શર્મા ઓલીએ જણાવ્યું કે સરકાર સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધો લાદવાના પક્ષમાં ન હતી અને તેના સકારાત્મક ઉપયોગના પક્ષમાં હતી. તેમણે એમ પણ કહ્યું કે સરકાર જેન-ઝીની માંગને નકારાત્મક રીતે જોઈ રહી નથી અને તમામ બાબતો સાંભળવામાં આવશે. 

નેપાળ સરકારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની ઘોષણા કરી હતી. ત્યારબાદ દેશના જુદા-જુદા ભાગોમાં પ્રદર્શનો ફાટી નીકળ્યાં અને પછીથી હિંસાનું સ્વરૂપ પકડી લીધું. પ્રદર્શનોમાં મોટેભાગે યુવાનો સામેલ હતા. સોમવારે મોટી સંખ્યામાં યુવાનો, શાળાના વિદ્યાર્થીઓએ કાઠમંડુમાં સંસદની બહાર એકઠા થઈને પ્રદર્શનો શરૂ કરી દીધાં હતાં, જે પછીથી પોખરા, ભરતપુર, ઇતાહારી વગેરે શહેરોમાં પણ પ્રસર્યાં. 

આ હિંસક પ્રદર્શનો બાદ સરકારના ગૃહ મંત્રી રમેશ લેખકે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું હતું. સરકારે પ્રદર્શન દરમિયાન બનેલી ઘટનાઓની તપાસ કરવા માટે એક સમિતિ નીમવાની ઘોષણા કરી છે.