બુધવારે (17 ઓગસ્ટ) મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ કહ્યું કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા જોઈએ.
દેશગુજરાતના અહેવાલ અનુસાર કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ મીડિયાને કહ્યું હતું કે, “અશોક ગેહલોત કોંગ્રેસના ખુબ મોટા નેતા છે, અને રાહુલ ગાંધીની ઈચ્છા છે કે ગાંધી પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બને. અમે તો ચાહીએ છીએ કે રાહુલ ગાંધી જ ફરીથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બને, પરંતુ જો ગાંધી પરિવારની બહારના કોઈને જ એ જવાબદારી આપવાની હોય તો અશોક ગેહલોત જ શ્રેષ્ઠ પસંદ છે, કારણ કે તેઓ ખુબ મોટા ગાંધીવાદી છે અને કોંગ્રેસની વિચારધારાને વરેલા છે.”
સોલંકીએ આગળ કહ્યું કે, “જો અશોક ગેહલોત રાષ્ટ્રીય અધ્યક્ષ બને તો અમને પુરી આશા છે કે રાહુલ ગાંધી તેમની આગેવાનીમાં 2024ની ચૂંટણી જીતશે અને પ્રધાનમંત્રી બનશે.”
ગેહલોતને કેમ રાષ્ટ્રીય અશ્યાક્ષ બનાવવા જેપીએ તેવા પ્રશ્નના જવાબમાં ભરતસિંહ સોલંકીએ મીડિયાને કહ્યું કે, “પક્ષના બધા જ મોટા નેતાઓમાં અશોક ગેહલોત ખુબ ચાહનાવાળા, સાદાઈથી રહેનારા, આદરણીય અને સૌને સાથે લઈને ચાલનારા છે.”
ટૂંકા સન્યાસ બાદ તાજેતરમાં જ રાજકારણમાં ફરી સક્રિય થયા ભરતસિંહ સોલંકી
આ વર્ષે જૂન મહિનાની શરૂઆતમાં થયેલ એક વિવાદ બાદ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ રાજકારણમાંથી ટૂંકો સન્યાસ લેવાની જાહેરાત કરી હતી.
‘આજે મે એવો વિચાર કર્યો છે કે હું રાજકરણથી બ્રેક લઇશ’
— Siddharth Dholakia (@SidDholakia) June 3, 2022
‘કેટલો સમય હજુ બ્રેક લઇશ તે ખબર નથી’
‘આદિવાસી, મુસ્લિમ, ગરીબ પછાત વર્ગ માટે કામ કરીશ’
પત્ની સાથેની તકરાર બાદ ભરતસિંહનું નિવેદન #BharatsinhSolanki #BharatSolankee #Gujarat #Congress
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો અન્ય યુવતી સાથે વાઇરલ થયેલ વિડીયો બાદ રાજકારણમાં મોટો ખળભળાટ થવા પામ્યો હતો. બાદમાં ભરતસિંહે પ્રેસ કોન્ફરન્સમાં અનેક ખુલાસા કર્યા હતા. એ પત્રકાર પરિષદમાં ભરતસિંહ સોલંકીએ પત્ની પર અનેક આરોપો કર્યા હતા. સાથે જ વીડિયોમાં દેખાતી યુવતી વિશે પણ ખુલાસો કર્યો હતો. પત્રકારોના પ્રશ્નોના સીધા જવાબ આપવાને બદલે એમને ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો હતો અને જાતિના રાજકારણનો દાવ પણ રમી લીધો હતો.
શું છે ભરતસિંહનો ‘આઈસ્ક્રીમ’ વિવાદ
જૂન મહિનામાં એક યુવતી સાથે પોતાનો વિડીયો વાઇરલ થયા બાદ આજે સવારે કોંગ્રેસ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી દ્વારા એક પત્રકાર પરિષદ યોજાઇ હતી. પરંતુ તે પ્રેસ કોન્ફરન્સ ઓછી અને ભરતસિંહના રાજકારણનું ડૂબતું વહાણ બચાવવાનો એક પ્રયત્ન વધારે લાગતી હતી.
આ પ્રેસ કોન્ફ્રન્સમાં ભરતસિંહ સોલંકીએ પોતાના બચાવમાં કહ્યું હતું કે તેઓ તો તે યુવતીના ઘરે માત્ર ‘આઈસ્ક્રીમ’ ખાવા માટે જ ગયા હતા. જે બાદ ત્યારે સોશિયલ મીડિયામાં તેઓ ખુબ ટ્રોલ થયા હતા અને 2 દિવસ માટે આઈસ્ક્રીમ ટ્રેન્ડ કરી રહી હતી.
આ જ પ્રેસવાર્તામાં તેમણે પોતાની તબિયતને લઈને ભાવનાત્મક પ્રચાર કર્યો અને બાદમાં પોતાની પત્ની પર અઢળક આરોપો કર્યા અને અંતમાં રાજકારણમાંથી ટૂંકી વિદાય લેવાની જાહેરાત કરી હતી. પરંતુ મૂળ વાત પર આવવાની જગ્યાએ લોકોનું ધ્યાન બીજે દોરવવાના જ પ્રયત્ન કર્યા હતા.
ભરતસિંહ સોલંકીના કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને આવેલા તાજા વક્તવ્ય બાદ ઘણા પ્રશો ઉભા થઇ રહ્યા છે. જે ભરતસિંહ સોલંકી હજુ હમણાં જ કોંગ્રેસમાં પાછા ફર્યા છે તેમના વિચારોની શું હવે કોઈ કિંમત છે? કે પછી શું પોતાની રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની મનશા બહાર કાઢવા માટે અશોક ગેહલોતે જ ભરતસિંહને આગળ કર્યા છે. આ પ્રશ્નોના જવાબ તો હવે ભવિષ્યમાં જ મળશે.