મદ્રાસ હાઇકોર્ટમાં (Madras High Court) HR&CE (મંદિર ટ્રસ્ટ) અંતર્ગત થતી નિમણૂક અંગેની સૂચનાઓને પડકારતી અરજી કરવામાં આવી હતી જે કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ (Hindu Religious and Charitable Endowments) એક્ટની જોગવાઈઓનું અવલોકન કરીને જોગવાઈ કરી હતી કે મંદિર ભંડોળનો ઉપયોગ કરીને સ્થપાયેલી કોલેજના હોદ્દાઓ પર માત્ર હિંદુઓની જોગવાઈ થવી જોઈએ. તથા HR&CEની કોલેજોમાં પદ મેળવવા માટે હિંદુ હોવાના પાત્રતાના માપદંડને ફરજિયાત બનાવી ભરતીની (Recruitment Notification) સૂચનાને પડકારતી અરજી ફગાવી દેવામાં આવી હતી.
HR&CE અંતર્ગત આવતી કપાલીશ્વર આર્ટ્સ અને સાયન્સ કોલેજ (Kapaleeswarar Arts and Science College) દ્વારા વિવિધ પદો પર ભરતી અંગેની સૂચના બહાર પાડવામાં આવી હતી. ત્યારે સુહેલ નામક વ્યક્તિ આ નિયુક્તિ માટે પાત્ર નહોતા તેથી તેઓ સંવિધાનમાં આપેલ નોકરીના અધિકારથી વંચિત છે એમ કહી કપાલીશ્વર આર્ટ્સ અને સાયન્સ કોલેજ દ્વારા બહાર પાડવામાં આવેલ સૂચનાઓને પડકારતી અરજી કરી હતી.
આ મામલે સુનાવણી કરતા ન્યાયાધીશ વિવેક કુમાર સિંઘની ખંડપીઠે આદેશમાં જણાવ્યું હતું કે “વિવાદિત કોલેજ મંદિર દ્વારા શરૂ કરવામાં આવી હતી અને તે HR&CE એક્ટની જોગવાઈઓ દ્વારા સંચાલિત ધાર્મિક સંસ્થા છે.” તેમણે આગળ કહ્યું કે “અધિનિયમની કલમ 10 મુજબ, કોલેજમાં માત્ર હિંદુ ધર્મ માનતા વ્યક્તિની નિમણૂક જ થઇ શકશે.”
સુહેલની અરજી ફગાવતા કોર્ટે કહ્યું હતું કે “આ કોલેજ, શિક્ષા અને રોજગારમાં સમાન તકો અને ભેદભાવ સંબંધિત બંધારણની કલમ 16(1) અને 16(2) અંતર્ગત આવતી નથી. પરંતુ તે ભારતીય સંવિધાનની કલમ 16(5) અંતર્ગત આવે છે. નોંધનીય છે કે કલમ 16(5) સૂચવે છે કે કોઈપણ ધર્મ કે સંપ્રદાય સંબંધિત સંસ્થાઓમાં પદ પર આસીન વ્યક્તિ જે-તે ધર્મ કે સંપ્રદાયને માનતો હોય તે આવશ્યક છે.
ઉલ્લેખનીય છે કે HRCE એટલે હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ. તે તમિલનાડુ સરકારનો એક વિભાગ છે. HR&CE વિભાગ મંદિરોના વહીવટ સંભાળે છે, જેમાં અધિકારીઓની નિમણૂક કરવાની અને વહીવટની દેખરેખ કરવાની સત્તાનો સમાવેશ થાય છે.
નોંધનીય બાબત છે હિંદુ મંદિરો અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓમાં હિંદુઓની જ નિમણૂક થાય તે આવશ્યક છે. કારણકે જે વ્યક્તિ હિંદુ ધર્મ અંગે જાણતો હશે, માનતો હશે તે જ વ્યક્તિ તમામ બાબતોનો વહીવટ યોગ્ય રીતે કરી શકશે. ત્યારે મદ્રાસ હાઇકોર્ટે આ બાબતને મહત્વ આપીને HR&CE ભરતીની સૂચનાને પડકારતી સુહેલની અરજી ફગાવી દીધી હતી.