Wednesday, October 30, 2024
More
    હોમપેજગુજરાતઑફિસ ખરીદવા માટે લીધા ₹23 લાખ, પત્નીની બર્થ ડે પાર્ટી માટે પણ...

    ઑફિસ ખરીદવા માટે લીધા ₹23 લાખ, પત્નીની બર્થ ડે પાર્ટી માટે પણ લગાવ્યો ₹5 લાખનો ચૂનો: વાંચો મહેશ લાંગા વિરુદ્ધ નોંધાયેલી FIRની વિગતો, રાજકીય વગની ધમકી આપી વેપારી પાસેથી લાખો પડાવ્યાનો આરોપ

    મહેશ લાંગાએ ફરિયાદીને ધમકી આપતા કહ્યું હતું કે, "હું ખૂબ મોટી રાજકીય વગ ધરાવું છું અને ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સંપર્ક ધરાવું છું. પેપરો અને પત્રકારો સાથે પણ મારા સંબંધો સારા છે. હું તમારા ગ્રાહકોના નેગેટિવ ન્યૂઝ છપાવીને મોટું નુકસાન કરાવી દઈશ."

    - Advertisement -

    અખબાર ‘ધ હિન્દુ’ના (The Hindu) ‘પત્રકાર’ મહેશ લાંગા (Mahesh Langa) વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) ત્રીજી FIR (Third FIR) નોંધી છે. તેના પર એક વેપારીને ₹28 લાખનો ચૂનો લગાવીને રાજકીય વગ હોવાનું કહીને ધમકી આપવાનો આરોપ છે. અમદાવાદમાં એક એડવર્ટાઇઝિંગ કંપની ચલાવતા વેપારીની ફરિયાદ બાદ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ મહેશ લાંગા GST ફ્રોડ કેસમાં જામીન નામંજૂર થયા બાદ સાબરમતી જેલમાં બંધ છે. બીજી તરફ, નવા કેસમાં અમદાવાદ પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

    અમદાવાદની એક એડવર્ટાઈઝિંગ કંપનીના માલિકે ‘પત્રકાર’ મહેશ લાંગા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે મંગળવારે (29 ઑક્ટોબર, 2024) અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 316(2), 318(4) હેઠળ FIR નોંધી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે. ફરિયાદ અનુસાર, લાંગાએ વેપારી સાથે કુલ ₹28 લાખથી વધુની છેતરપિંડી કરી છે.

    નવી ઑફિસ ખરીદવા માટે માંગ્યા હતા રૂપિયા

    ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, વેપારી પોતે વર્ષોથી જાહેરાતોનું કામ કરે છે અને તેના કારણે અવારનવાર અખબારોમાં જાહેરાતો આપવાની થતી રહે છે. થોડા મહિના પહેલાં એક કેફેમાં તેમની મુલાકાત મહેશ લાંગા સાથે થઈ હતી.

    - Advertisement -

    FIR અનુસાર, મહેશ લાંગાએ મોટા-મોટા માણસો સાથે સંપર્કમાં હોવાનું, મોટી રાજકીય વગ ધરાવતા હોવાનું અને અનેક ન્યૂઝ પેપરોમાં પણ સંપર્ક હોવાનું કહીને ફરિયાદી સાથે મિત્રતા કેળવી હતી. આ ઉપરાંત એડવર્ટાઈઝિંગની ગ્રાહક કંપનીઓની જાહેરાતો અને ન્યૂઝ પોઝિટિવ રીતે છપાવવાનો પણ વાયદો કર્યો હતો. બંને વચ્ચે મિત્રતા થયા બાદ ફોન પર પણ અવારનવાર વાતચીત થતી રહેતી હતી.

    ફરિયાદમાં આગળ જણાવવામાં આવ્યા અનુસાર, થોડા સમય પહેલાં મહેશ લાંગાએ ફરિયાદીને ફોન કરીને પોતાની પત્ની અને કુટુંબી ભાઈના નામે શરૂ કરેલી કંપની ‘ડીએ એન્ટરપ્રાઇઝ’ અંગેની માહિતી આપી હતી અને બીજી એક કંપની ‘નિસર્ગ એન્ટરપ્રાઇઝ’ માટે પોતે ઑફિસ શોધતા હોવાનું જણાવ્યું હતું.

    ત્યારબાદ મહેશ લાંગાએ કહ્યું હતું કે, તેણે બોડકદેવ પાસે એક ઓફિસ જોઈ છે, જે તેને ખરીદવાની ઈચ્છા છે. દરમિયાન તેણે ફરિયાદીને કહ્યું હતું કે, ઓફિસ ખરીદવા માટે તેણે ચેકથી પેમેન્ટ કરવું જરૂરી છે, તો તેઓ (ફરિયાદી) બીજી કંપનીમાંથી તેને બેન્ક એન્ટ્રી આપે તો તે પૈસા તે તેની પત્નીના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકે. બદલામાં તેણે રોકડ પૈસા આપવાનું પણ કહ્યું હતું. ફરિયાદીએ કહ્યું કે તેમણે લાંગા પર વિશ્વાસ કરીને 16 માર્ચ, 2024ના રોજ તેમની કંપનીના ખાતામાંથી તેમના અન્ય એક મિત્રની કંપનીના ખાતામાં ₹9,90,000 ટ્રાન્સફર કર્યા હતા. જે પછીથી મહેશ લાંગાના અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા હતા.

    ત્યારબાદ 6 જૂન, 2024ના રોજ પણ આ જ પદ્ધતિથી ફરિયાદીએ ₹12,87,000 મહેશ લાંગાના ખાતામાં મોકલ્યા હતા. ત્યારબાદ મહેશે તેમને જણાવ્યું હતું કે તેણે ઓફિસ ખરીદી લીધી છે અને હવે ‘નિસર્ગ એન્ટરપ્રાઇઝ’નું કામ તે ત્યાં બેસીને કરી રહ્યો છે. પરંતુ આરોપ છે કે તેણે ક્યારેય આ પૈસા પરત કરવાની વાત કરી ન હતી. જોકે, શરૂઆતમાં તેણે કહ્યું હતું કે તેની પાસે રોકડા છે અને તે આપી દેશે, પરંતુ તે પછી તેવી કોઈ વાત નીકળી ન હતી.

    પત્નીના બર્થડે સેલિબ્રેશન માટે પણ વેપારીનો કર્યો ઉપયોગ

    ઑફિસ માટે પૈસા પડાવી લીધાના 2 મહિના બાદ સપ્ટેમ્બર, 2024ના પહેલા અઠવાડિયામાં મહેશ લાંગાએ ફરિયાદીને કહ્યું હતું કે, તેની પત્ની કવિતા લાંગાની 27 સપ્ટેમ્બરે બર્થડે હોવાથી મિત્રોને પાર્ટી આપવા માટે એક બેન્કવેટ હૉલની જરૂર છે. તેણે ફરિયાદીને હૉલ શોધવા માટે પણ કહ્યું હતું. જોકે, ફરિયાદીએ આ બાબતે પણ તેની મદદ કરી હતી અને બે-ત્રણ હૉલ શોધી આપ્યા હતા. જેમાંથી તેણે ‘ઝે’ બેન્કવેટ હૉલ પસંદ કર્યો હતો. ઉપરાંત તેણે ફરિયાદીને હૉલના અને ડેકોરેશન વગેરેના પૈસા ચૂકવી દેવા માટેની ભલામણ કરી હતી અને કહ્યું હતું કે, બર્થડેના દિવસે તે ફરિયાદીને રોકડ રકમ આપી દેશે.

    આ ઘટના બાદ ફરિયાદીએ ફરી એક વખત લાંગા પર વિશ્વાસ મૂકીને હૉલનું બિલ ₹5,18,250 ચૂકવ્યું હતું. આ ઉપરાંત તેમણે ₹50,000 ડેકોરેશનના પણ ચૂકવી દીધા હતા. પરંતુ આરોપ છે કે બર્થડે પાર્ટીના દિવસે લાંગાએ પૈસા આપ્યા ન હતા.

    પૈસા પરત માંગતા રાજકીય વગની આપી ધમકી

    ઘટનાના થોડા દિવસો બાદ ફરિયાદીએ અન્ય મિત્રના ખાતામાંથી આપેલા ₹23,00,000 અને હૉલના બિલ અને ડેકોરેશનની રકમ ₹5,68,250 મળીને કુલ ₹28,68,250 પરત આપવા માટેની માંગણી કરી હતી. પરંતુ ત્યારે મહેશ લાંગાએ રાજકીય વગની વાતો કહીને તેમની ગ્રાહક કંપનીઓના ખરાબ ન્યૂઝ છપાવીને શાખ ખરાબ કરી દેવાની ધમકી આપી હતી. આ ઉપરાંત તેણે કહ્યું હતું કે, પોલીસ ફરિયાદ દાખલ કરી તો પણ તે રાજકીય વગ દ્વારા ફરિયાદીની કંપનીને બરબાદ કરી નાખશે.

    ફરિયાદીએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં વધુ માહિતી આપતાં જણાવ્યું કે, મહેશ લાંગાએ તેમને ધમકી આપી હતી અને કહ્યું હતું કે, પોતે મોટી રાજકીય વગ ધરાવે છે અને ઉચ્ચ અધિકારીઓ સાથે પણ તેના સંપર્કો છે. ઉપરાંત, અખબારો અને પત્રકારો સાથે પણ તેના સંબંધો સારા છે. જેથી ગ્રાહકોના નકારાત્મક સમાચાર છપાવીને મોટું નુકસાન કરાવશે.

    તેમણે કહ્યું કે, લાંગાની આ ધમકી બાદ તેઓ ડરી ગયા હતા અને પૈસા માંગવાનો બંધ કરી દીધું હતું. પણ ઘટનાના થોડા જ દિવસોમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ‘પત્રકાર’ની ધરપકડ કરી અને તેમને જાણવા મળ્યું કે તેના ઘરેથી પોલીસને ₹20 લાખ રોકડા મળી આવ્યા છે તો તેમણે પોલીસનો સંપર્ક કરવાનું નક્કી કર્યું. તેમણે કહ્યું કે, “મહેશ પાસે રોકડા પૈસા હતા. જો તેઓ ઇચ્છતા હોત તો મને આપી શક્યા હોત. પરંતુ મને પૈસા મળ્યા નથી. જેથી આ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો મામલો છે. ત્યારબાદ અમે FIR દાખલ કરવાનું નક્કી કર્યું હતું.”

    ફરિયાદીની ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહેશ લાંગા વિરુદ્ધ FIR નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે આ પહેલાં મહેશ વિરુદ્ધ 2 FIR નોંધાઈ ચૂકી છે. પહેલી GST ફ્રોડ કેસમાં નોંધાઈ હતી. જોકે તેમાં શરૂઆતમાં તેનું નામ ન હતું પણ તપાસમાં તેની ભૂમિકા સામે આવી હતી. પછીથી ગાંધીનગરમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ સંબંધિત અમુક દસ્તાવેજો લીક કરવા મામલે એક FIR દાખલ કરવામાં આવી હતી. જોકે, બાકીના બંને કેસમાં હજુ સુધી પોલીસે મહેશની કસ્ટડી મેળવી નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં