ભારતમાં જ્યારે-જ્યારે ચૂંટણીઓ થાય ત્યારે એક ટોળકી કાયમ હોબાળો મચાવતી રહે છે કે ભારતીય જનતા પાર્ટી મુસ્લિમોને ટિકિટ આપતી નથી. તથાકથિત પત્રકારો અને એક્ટિવિસ્ટોના પ્રશ્નો ભાજપ નેતાઓ માટે તૈયાર જ હોય છે. મોદી અને શાહને પણ સવાલો થાય છે અને પૂછાય છે કે તેઓ ‘સબકા સાથ, સબકા વિકાસ’ની વાત કરે છે તો મુસ્લિમ ઉમેદવારો કેમ ઉતારવામાં આવતા નથી? પણ આવાં ગતકડાં કાઢવાનો મોકો ભાજપે આ વખતે ન આપ્યો.
હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીઓ ગઈ તેમાં ભાજપે બંને રાજ્યોમાં કુલ 28 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. જેમાંથી 26 જમ્મુ-કાશ્મીરમાં અને બાકીના 2 હરિયાણામાં. હરિયાણાના બંને ઉમેદવારો નૂહ જિલ્લાની બે બેઠકો પર ઉતારવામાં આવ્યા હતા, જે એ જ જિલ્લો છે જ્યાં જુલાઈ, 2023માં ઇસ્લામી કટ્ટરપંથીઓએ હિંદુ યાત્રા પર હુમલો કરી દીધો હતો.
8 ઑક્ટોબરે આ બંને રાજ્યોની ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં. આ 28 ઉમેદવારોમાંથી એક પણ જીતી શક્યો નથી. હરિયાણામાં પણ બંને ઉમેદવારોને હાર મળી અને કાશ્મીરમાં પણ 26માંથી એક પણ ઉમેદવાર ન જીતી શક્યો. જ્યાં લગભગ 80% મુસ્લિમોની જ્યાં બહુમતી છે ભાજપના ઉમેદવારો હારી ગયા. ફિરોઝપુર ઝિરકાથી ભાજપે નસીમ અહેમદને ટિકિટ આપી હતી, પણ અહીં જીત થઈ કોંગ્રેસી મામન ખાનની.
આ મામન ખાન કોણ? જેનું નામ નૂહનાં રમખાણોમાં સામે આવ્યું હતું અને જેની ઉપર તોફાનો ભડકાવવાનો આરોપ છે. તેમની જીત 98 હજાર મતોથી થઈ છે, જે રાજ્યમાં સૌથી વધુ છે.
આવો વ્યક્તિ પણ ફરીથી ચૂંટાઈ જતો હોય અને તે પણ જંગી બહુમતીએ, તો તેનાથી શું નિષ્કર્ષ નીકળે? એ જ કે મુસ્લિમ સમુદાયને જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પસંદ નથી, પછી ભલે તે પોતાના જ સમુદાયનો માણસ કેમ ન હોય! ભાજપ જો તેમને પોતાનો જ ઉમેદવાર આપે તોપણ તેઓ તેને મત નહીં આપે.
કાશ્મીરમાં પણ સ્થિતિ એ જ
કાશ્મીરમાં પણ સ્થિતિ આવી જ છે. જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રની મોદી સરકારે છેલ્લાં 10 વર્ષમાં અભૂતપૂર્વ કામો કર્યાં છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસથી માંડીને અન્ય ક્ષેત્રોનો વિકાસ, પ્રવાસને પ્રોત્સાહન અને સર્વાંગી વિકાસ પર ધ્યાન અપાયું. જમ્મુ-કાશ્મીર પુનઃ વિકાસ પથ પર આગળ વધે તે માટે તમામ કામો થયાં. પણ અહીં જ્યાં-જ્યાં મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં પાર્ટીએ ઉમેદવારો ઉતાર્યા હતા તેઓ હારી ગયા છે. આ તમામ પણ મુસ્લિમો જ હતા.
આ બેઠકો પર એ પાર્ટીના ઉમેદવારો જીત્યા છે, જે મુસ્લિમ સમુદાયની વકાલત કરવાનો દાવો કરતી રહે છે. જેમકે, જમ્મુ-કાશ્મીર નેશનલ કૉન્ફરન્સ અને મહેબૂબા મુફ્તીની પીડીપી. પરંતુ હકીકત એ પણ છે કે આવી પાર્ટીઓના શાસન હેઠળ પણ મુસ્લિમ સમુદાયનો વિકાસ થયો હોય કે આગળ વધ્યો હોય તેમ નથી. ઉપરથી તેમના યુવાનો પથ્થરબાજી અને આતંક તરફ જ વળ્યા છે. કાશ્મીર તેનું મોટું ઉદાહરણ છે. કાશ્મીરમાં કેન્દ્રની સત્તા પણ આવી અને પથ્થરબાજી, અરાજકતા, હડતાળ વગેરેનો પણ અંત આવ્યો.
કોંગ્રેસ કે અન્ય પાર્ટીઓ કાયમ મુસ્લિમ સમુદાયને એક વૉટબેન્ક સમજતી રહી છે અને તે હસ્તગત કરવા માટે ઘણીવાર તુષ્ટિકરણનું રાજકારણ રમતી રહે છે. પરંતુ સાથે બીજી તરફ સમુદાય પણ આવા વખતે સાબિત કરતો રહે છે કે તેમનું પણ ઘણુખરું ધ્યાન વિકાસના રાજકારણને બાજુ પર રાખીને પોતાને એક વૉટબેન્ક બનાવવા તરફ જ રહ્યું છે.
એટલે અહીં ભાજપને એ પ્રશ્ન પૂછવા કરતાં કે તેઓ શા માટે મુસ્લિમોને ટિકિટ નથી આપતા, એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જ્યાં આપી છે ત્યાં કેટલી સફળતા મળી છે. હવે સમુદાય જ જો મત ન આપતો હોય તો કોઈ પણ રાજકીય પાર્ટી સામે ચાલીને પોતાનું નુકસાન કેટલું વેઠે અને ક્યાં સુધી વેઠે? ‘સબકા વિકાસ’ ત્યારે જ શક્ય છે જ્યારે ખરેખર ‘સબકા સાથ’ હોય એ વાત યાદ રાખવી જરૂરી છે. સમુદાયે પણ, પાર્ટીએ પણ અને પાર્ટીને પ્રશ્ન કરનારાઓએ પણ.