છેલ્લા થોડા સમયથી દેશના અલગ-અલગ ભાગોમાંથી ટ્રેન ઉથલાવી દેવાના પ્રયાસ કરવામાં આવ્યા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી. ખાસ તો ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં તાજેતરમાં જ આવા મામલાઓ સામે આવી ચૂક્યા છે. હવે ગુજરાતમાં સુરતના કિમ રેલવે સ્ટેશન નજીક એક રેલવે ટ્રેક પરથી ચીજવસ્તુઓ મળી આવી છે. જોકે, સમયસૂચકતાના કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો. હાલ આ ઘટનાને લઈને RPF, પોલીસ અને રેલવે વિભાગ તપાસ કરી રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મામલો સુરતના કિમ રેલવે સ્ટેશનનો છે. અહીં સ્ટેશન નજીક રેલવે ટ્રેક પરથી પાટા પર લગાવવામાં આવતી ફિશ પ્લેટ અને કેટલીક ચાવીઓ ખોલીને ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી. જે પ્રમાણે દ્રશ્યો સામે આવ્યાં છે તે જોઈને જણાય રહ્યું છે કે આ ફિશ પ્લેટ એવી રીતે પાટા પર ગોઠવવામાં આવી હતી કે જો કોઈ ટ્રેન તેના પરથી પસાર થાત તો ચોક્કસથી તે ઊથલી ગઈ હોત. ફિશ પ્લેટને પાટા પર આડી ગોઠવવામાં આવી હતી અને તે જ રીતે ચાવીઓને પણ ગોઠવવામાં આવી હતી.
આ મામલે વડોદરા ડિવિઝન, પશ્ચિમી રેલવેએ એક વિડીયો પણ જાહેર કર્યો છે. આ વિડીયો અનુસાર કોઈએ યુપી લાઈન ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ કાઢીને પાટા પર મૂકી દીધી હોવાનું નજરે પડે છે. ઘટનાને લઈને રેલવે વિભાગે તાત્કાલિક આ રૂટ પર ટ્રેનના આવન-જાવન પર રોક લગાવી દીધી હતી. જોકે ટ્રેક ક્લિયર થયા બાદ અને સુરક્ષાની ચોકસાઈ કર્યા બાદ ફરી એક વાર યાતાયાત યથાવત કરી દેવામાં આવ્યો છે.
#WATCH | Gujarat | Some unknown person opened the fish plate and some keys from the UP line track and put them on the same track near Kim railway station after which the train movement was stopped. Soon the train service started on the line: Western railway, Vadodara Division pic.twitter.com/PAf1rMAEDo
— ANI (@ANI) September 21, 2024
થોડા-થોડા અંતરે મૂકી આડશ
નોંધનીય બાબત એ પણ છે કે માત્ર એક જ ઠેકાણે નહીં પરંતુ થોડા-થોડા અંતરે આ પ્રકારે ફિશ પ્લેટ અને ચાવીઓ ગોઠવવામાં આવી હતી. અહીં નોંધવું જોઈએ કે પાટાની બાજુએ જે ફિશ પ્લેટ લગાવવામાં આવે છે, તેને મોટા-મોટા નટ-બોલ્ટ વડે ખૂબ જ કસીને ટાઈટ કરવામાં આવે છે. તે એટલી મજબૂતીથી ટાઈટ કરવામાં આવી હોય કે તેને સરળતાથી કાઢી પણ શકાતી નથી. અનુમાન છે કે જેણે આ કારસ્તાન કર્યું હોય તે ચોક્કસ પ્રકારનો સરસામાન લઈને આવ્યો હોવો જોઈએ. બીજી તરફ જે ચાવીઓ કાઢવામાં આવી છે, તેની પાછળ પણ શ્રમ લાગ્યો હોવો જોઈએ.
આ સમગ્ર ઘટનાને લઈને રેલવે વિભાગ, રેલવે પોલીસ તેમજ સ્થાનિક પોલીસે તપાસ આદરી છે. આ કૃત્ય કરનારને ઝડપથી શોધી લેવા આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા CCTV કેમેરા તપાસવામાં આવી રહ્યા છે. રેલવેના જણાવ્યા અનુસાર હાલ કોઈ ચિંતાજનક સ્થિતિ નથી. રેલવે ટ્રેક્સની સુરક્ષા પર વિભાગ દ્વારા વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
છેલ્લા કેટલાક દિવસોમાં આવી અનેક ઘટનાઓ
ઉલ્લેખનીય છે કે ટ્રેન ઉથલાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેવી આ કોઈ પ્રથમ ઘટના નથી. આ પહેલાં UPના રામપુરના બિલાસપુર અને ઉત્તરાખંડના રુદ્રપુર વચ્ચે એક રેલવે ટ્રેક પર લગભગ છ મીટર લાંબો ટેલિકોમ પોલ મૂકી દેવામાં આવ્યો હતો. અહીંથી પસાર થતી નૈની જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનના લોકો પાયલટે સમયસર જોઈ લેતાં બ્રેક લગાવીને ટ્રેન થોભાવી દીધી હતી. જેના કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો.
તે પહેલાં હરિયાણાથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જઈ રહેલી કાલિંદી એક્સપ્રેસ (14723) કાનપુરમાં અનવરગંજ-કાસગંજ રુટ પર રાખેલા સિલિન્ડર સાથે અથડાઈ હતી, ત્યારબાદ મોટો ધડાકો પણ થયો હતો. લોકો પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવી દેતાં મોટી દુર્ઘટના ટળી હતી. તેવી જ રીતે ગત મહિને ઉત્તર પ્રદેશના કાનપુરમાં જ અમદાવાદ આવતી સાબરમતી એક્સપ્રેસ પણ પાટા પરથી ઉતરી ગઈ હતી. પછીથી ટ્રેક પરથી તીક્ષ્ણ વસ્તુઓ મળી આવી હતી. આ જ રીતે હમણાં થોડા દિવસ પહેલાં ઉત્તર પ્રદેશના ફરૂખાબાદમાં એક ટ્રેન પસાર થવા પહેલાં લાકડાનો ટુકડો મૂકી દેવામાં આવ્યો હતો.
તે સિવાય અજમેરના સરાધના અને બાંગડ ગ્રામ રેલવે સ્ટેશન વચ્ચે 2 સ્થળોએ અજાણ્યા લોકોએ રેલવે ટ્રેક પર 70-70 કિલોના વજનના બ્લોક રાખી દીધા હતા. આમ કરવા પાછળ સ્પષ્ટપણે ટ્રેન ઉથલાવી દેવાનો કારસો હતો. બ્લોક જે ટ્રેક પર મુકવામાં આવ્યા હતા ત્યાંથી એક માલગાડી ઝડપથી પસાર થઇ હતી, પરંતુ સદનસીબે ટ્રેન અથડાવવાથી બ્લોક તૂટી ગયો અને ટ્રેન આગળ નીકળી ગઈ હતી.