આજે 23 ઑગસ્ટ. નેશનલ સ્પેસ ડે (National Space Day). બરાબર એક વર્ષ પહેલાં 23મી ઑગસ્ટે ભારતીય સ્પેસ ક્ષેત્રનો આજ સુધીનો સૌથી મોટો અને મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ચંદ્રયાન-3 સફળ થયો અને ચંદ્રયાનના સફળ ઉતરાણ સાથે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો ભારત પહેલો દેશ બન્યો. ઈસરોની (ISRO) આ સફળતાને બિરદાવવા માટે સરકારે પછીથી 23મી ઑગસ્ટને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. આજે તેની પહેલી વર્ષગાંઠ છે.
ચંદ્રયાનના લેન્ડિંગ સાથે ભારતે અંતરિક્ષ ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ રચ્યો. સાથોસાથ એ સંદેશ પણ આપી દેવાયો કે આ તો હજુ માત્ર એક શરૂઆત છે અને આવનારાં વર્ષોમાં ISRO અનેક એવી ઉપલબ્ધિઓ મેળવશે, જે ન માત્ર ભારતને પરંતુ સમગ્ર વિશ્વને અવકાશ સંશોધનમાં મદદરૂપ થશે. અંતરિક્ષ ક્ષેત્રે ભારતની સફર કેવી રહી, કેવી ઉપલબ્ધિઓ મેળવી, હાલ શું ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં આપણે શું કરીશું- આ બધું જાણવા માટે આજનાથી શ્રેષ્ઠ દિવસ બીજો કોઈ હોય ન શકે.
એક જાણકારી અનુસાર, છેલ્લા એક દાયકામાં ભારતે 396 સેટેલાઇટ મોકલ્યા છે. 2014 પહેલાં કુલ 35 સેટેલાઇટ મોકલવામાં આવ્યા હતા. 2024 આવતાં સુધીમાં આ સંખ્યા પહોંચી ગઈ 431 પર. જેમાંથી 101 સેટેલાઇટ અન્ય દેશોના હતા, જે ISROએ લૉન્ચ કરી આપ્યા. બહુ ઓછા સમયગાળામાં આ બહુ મોટો કૂદકો કહેવાય.
Record-breaking achievements!
— MyGovIndia (@mygovindia) August 23, 2024
In the last decade, India launched 396 out of 431 foreign satellites, marking its prowess in space. India’s launch capabilities are a testament to ISRO’s excellence.#Chandrayaan3 #ISRO #NationalSpaceDay2024 pic.twitter.com/0TTETZPMgQ
આ સાથે ISROના લૉન્ચ રેટમાં પણ અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. 2014 પહેલાં વર્ષમાં સરેરાશ 1.2 મિશન લૉન્ચ થતાં હતાં. પણ 2014થી દર વર્ષે 5.5 લૉન્ચ મિશનનો દર ઇસરોએ જાળવી રાખ્યો છે.
આવક વધી, સરકારે બજેટ 5 હજાર કરોડથી વધારીને 13 હજાર કરોડ કર્યું
બીજું, અંતરિક્ષ ક્ષેત્રે કરવામાં આવતાં સાહસથી દેશને સારી એવી આવક પણ થાય છે. સ્પેસ સેક્ટર જેમ આગળ વધી રહ્યું છે તેમ ભારતીય અર્થવ્યવસ્થાને આગળ ધપાવવામાં આ ક્ષેત્રનું યોગદાન પણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 2019-20થી નાણાકીય વર્ષ 2022-23 સુધીની વાત કરીએ તો ISROએ આ સ્પેસ વેન્ચર્સમાંથી હજારો કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો છે. જેમાં વર્ષ પ્રમાણે જોઈએ તો 2019-20માં ₹314.86 કરોડ, 2020-21માં ₹525.71 કરોડ, 2021–22માં ₹1731.84 કરોડ અને વર્ષ 2022-23માં સૌથી વધુ ₹2940.42 કરોડનો નફો મેળવ્યો હતો.
આ દર્શાવે છે કે સરકાર સ્પેસ ક્ષેત્રમાં જેટલા રૂપિયા નાખે છે, તેટલી સામે આવક પણ થઈ રહી છે. નોંધવું જોઈએ કે ભારતના ચંદ્રયાન મિશન પાછળ જેટલો ખર્ચ થયો હતો તેના કરતાં વધુ ખર્ચ અંતરિક્ષ ક્ષેત્ર પર બનાવવામાં આવેલી અમુક વિદેશી ફિલ્મો પાછળ કરવામાં આવ્યો હતો. અન્ય અનેક દેશો આના કરતાં અનેકગણો વધુ ખર્ચ કરીને પણ મિશન પાર પાડી શક્યા ન હતા, જ્યારે ભારતે અત્યંત ઓછા ખર્ચમાં ચંદ્રયાન-3 મિશનને સફળતા સુધી પહોંચાડ્યું હતું.
India’s commitment to space exploration is stronger than ever with a 132% increase in the space sector budget. This boost will empower ISRO to continue pioneering new missions and support our space heroes in their quest for innovation. #Chandrayaan3 #ISRO #NationalSpaceDay2024 pic.twitter.com/mMl2zkYc6L
— MyGovIndia (@mygovindia) August 23, 2024
બીજી તરફ, સરકાર સ્પેસ સેક્ટરના બજેટમાં પણ સતત વધારો કરતી રહી છે. નોંધવું જોઈએ કે ISRO ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસ હેઠળ આવે છે અને આ વિભાગ વડાપ્રધાન હેઠળ છે, એટલે કે આ સેક્ટર પર પીએમ મોદીની સીધી નજર રહે છે. 2013-14માં સ્પેસ સેક્ટરનું બજેટ માત્ર ₹5,615 કરોડ રૂપિયા હતું. 2024 આવતાં સુધીમાં આ રકમ ₹13 હજાર કરોડ સુધી પહોંચી ગઈ છે.
સ્પેસ સેક્ટરમાં એક મજબૂત ઈકોસિસ્ટમ બનાવવા તરફ પ્રયાસ
બીજી તરફ, સ્પેસ સેક્ટરમાં સ્ટાર્ટઅપ્સ પણ વધી રહ્યાં છે. 2020માં સેક્ટર ખોલવામાં આવ્યા બાદ 300થી વધુ સ્ટાર્ટ અપ્સ ખૂલ્યાં હોવાનું જાણવા મળ્યું છે. આ માટે એક ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર પણ સ્થાપવામાં આવ્યું છે, જેનું મુખ્ય કામ જ સ્પેસ સેક્ટરમાં ઈન્ડસ્ટ્રી, શિક્ષણ, અને સ્ટાર્ટ અપ્સ વચ્ચે એક સંતુલન સાધીને મજબૂત ઈકોસિસ્ટમ બનાવવાનું છે. આ ક્ષેત્રમાં પણ બહુ ઝડપથી અને અસરકારક રીતે કામ ચાલી રહ્યું છે.
આ સિવાય, યુવા વિજ્ઞાની કાર્યક્રમ નામનો એક એન્યુઅલ સ્પેસ પ્રોગ્રામ પણ લૉન્ચ કરવામાં આવ્યો છે, જેમાં 2019થી અત્યાર સુધીમાં હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લિયા ચૂક્યા છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે પ્રોગ્રામનો પ્લેસમેન્ટ રેટ 100% જેટલો છે. જ્યાં ભવિષ્યના મજબૂત અને કુશળ વિજ્ઞાનીઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
આદિત્ય-L1 પણ ISROની આ દાયકાની મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ
આ દાયકો ISRO માટે એટલા માટે પણ ખાસ રહ્યો, કારણ કે ચંદ્ર અને સૂર્ય બંનેને લગતાં મિશન લૉન્ચ કરવામાં આવ્યાં અને બંનેમાં સફળતા મળી. 2023માં જ ISROએ આદિત્ય-L1 નામનું એક મિશન હાથ પર લીધું હતું, જેના દ્રારા એક સ્પેસ ઓબ્ઝર્વેટરીને સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવેલા L1 પોઈન્ટ ઉપર મોકલવામાં આવી, જેથી ત્યાંથી સૂર્યનો અભ્યાસ કરી શકાય. આ મિશન પણ ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ હતું અને સફળતાપૂર્વક પાર પડ્યું હતું. આ સિવાય અન્ય ઉપલબ્ધિઓ પર નજર કરીએ તો પહેલી વખત ખાનગી લૉન્ચપેડ પરથી રૉકેટ સફળતાપૂર્વક લૉન્ચ કરવામાં આવ્યું, ઉપરાંત પહેલો X-રે પોલરીમીટર સેટેલાઇટ પણ લૉન્ચ કરાયો.
ભવિષ્યમાં આવશે ગગનયાન, સ્પેસ સ્ટેશન અને અન્ય ઘણું: ચંદ્ર પર પગ મૂકશે ભારતીય
આ તો થઈ અત્યાર સુધીની ઉપલબ્ધિઓની વાત. ભવિષ્યમાં આનાથી વધુ મોટાં મિશનો ISRO પાર પાડવા જઈ રહ્યું છે. જેમાં ગગનયાનનો પણ સમાવેશ થાય છે. જે સ્પેસમાં ભારતનું પહેલું માનવ મિશન હશે. 3 મેમ્બર ક્રૂ 3 દિવસ માટે પૃથ્વીની 400 મીટર કક્ષામાં જશે અને અભ્યાસ કરશે. આ મિશન પર હાલ ઝડપથી કામ ચાલી રહ્યું છે.
India’s space future is bright!
— MyGovIndia (@mygovindia) August 23, 2024
With Gaganyaan and plans for a space station by 2035, India is on the path to becoming a global space leader. The journey to the space is just beginning, and the possibilities are endless! #Chandrayaan3 #ISRO #NationalSpaceDay2024 pic.twitter.com/uJiYQnvcVN
એટલું જ નહીં, 2047 સુધીમાં ચંદ્ર પર માનવ મોકલવાની પણ ISROની ગણતરી છે. જ્યારે 2035 સુધીમાં ભારત સ્પેસ સ્ટેશન મોકલવાની પણ તૈયારી કરી રહ્યું છે. આવનારા અમુક દાયકાઓમાં ભારત અંતરિક્ષ ક્ષેત્રે હરણફાળ ભરશે તેમાં કોઇ શંકા નથી. બહુ ટૂંકા સમયગાળામાં ISROએ અસાધારણ ઉપલબ્ધિઓ હાંસલ કરી છે અને જે ઝડપથી આગળ વધી રહ્યું છે, બહુ જલ્દી ગ્લોબલ સ્પેસ લીડર તરીકે નામ અંકિત કરશે. અંતરિક્ષ યાત્રાની હજુ આ શરૂઆત છે અને અંતરિક્ષમાં ક્યાંય અંત આવતો નથી!