Monday, April 29, 2024
More
    હોમપેજદેશઅંતરિક્ષમાં લહેરાશે તિરંગો ન્યારો, ચંદ્ર બાદ હવે સૂર્યનો વારો...: ISRO દ્વારા લૉન્ચ...

    અંતરિક્ષમાં લહેરાશે તિરંગો ન્યારો, ચંદ્ર બાદ હવે સૂર્યનો વારો…: ISRO દ્વારા લૉન્ચ થનાર મિશન આદિત્ય- L1 શું છે અને શા માટે છે જરૂરી- જાણીએ સરળ શબ્દોમાં 

    આદિત્ય-L1 મિશન સૂર્યના રહસ્યોનું અધ્યયન કરનારું ભારતનું પહેલું મિશન હશે. તેનું કામ 24 કલાક સૂર્ય પર નજર રાખવાનું રહેશે. L1 પોઈન્ટ એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કે ત્યાંથી દિવસના 24 કલાક, અઠવાડિયાના સાતેય દિવસ અને ગ્રહણ દરમિયાન પણ સૂર્યને જોઈ શકાય છે.

    - Advertisement -

    ચંદ્રયાન-3ની ભવ્ય સફળતા બાદ ભારતની સ્પેસ એજન્સી ISRO પોતાના સૂર્ય મિશન તરફ ગતિભેર આગળ વધી રહી છે. આ દાયકાના સૌથી મહત્વકાંક્ષી અને મહત્વપૂર્ણ મિશનની જ્વલંત સફળતા અને ઐતિહાસિક ઉપલબ્ધિથી ભારતીય વૈજ્ઞાનિકો અને દેશવાસીઓની ભીતર એક નવી તરંગ અને નવા ઉત્સાહનો જન્મ થયો છે. અંતરિક્ષની મહાસત્તા બનવાનું ભારતનું સ્વપ્ન ઝડપભેર આગળ વધી રહ્યું છે. જે પશ્ચિમી દેશો ભારતને સાપ અને મદારીનો દેશ કહીને અપમાનિત કરતા હતા એ જ પશ્ચિમી દેશો ચંદ્રયાન-3 ની સફળતા પર તાળીઓ પાડવા મજબૂર બન્યા છે. આવું જ એક બીજું મિશન લૉન્ચ થવા જઈ રહ્યું છે. જેનું નામ છે આદિત્ય-L1 મિશન. આ મિશન સૂર્યનો અભ્યાસ કરીને સૂર્ય વિશે માહિતી એકત્રિત કરશે.

    સૂર્ય મિશન આ પહેલાં પણ અન્ય દેશોની સ્પેસ એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યા હતા, પણ ભારતનું આ પ્રથમ સૂર્ય મિશન હશે. આ મિશન 2 સપ્ટેમ્બરના રોજ લૉન્ચ કરવામાં આવે તેવી સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મિશનનો ઉલ્લેખ પોતાના સંબોધનમાં કરી ચૂક્યા છે. આ મિશન વિશે ઘણા લોકોને પ્રાથમિક માહિતી છે પણ વિશેષ માહિતી ભાગ્યે જ અમુક લોકો પાસે મળશે. અહીં આદિત્ય-L1 મિશન વિશેની વિગતે માહિતી મેળવીશું.

    શું છે ‘આદિત્ય-L1 મિશન’

    આદિત્ય-L1 મિશન સૂર્યના રહસ્યોનું અધ્યયન કરનારું ભારતનું પહેલું મિશન હશે. તેનું કામ 24 કલાક સૂર્ય પર નજર રાખવાનું રહેશે. પૃથ્વી અને સૂર્યની સિસ્ટમ વચ્ચે પાંચ Lagrangian પોઈન્ટ આવેલા છે.

    - Advertisement -
    સાભાર- ISRO

    Lagrangian પોઇન્ટ એટલે અંતરિક્ષનું એવું સ્થાન જ્યાં બે બોડી સિસ્ટમ (અહીં સૂર્ય અને પૃથ્વી)નાં ગુરુત્વાકર્ષણ બળો આકર્ષણ અને પ્રતિઆકર્ષણનું ક્ષેત્ર સર્જે છે. આ સ્થાન એવું હોય છે જ્યાં અંતરિક્ષ યાન છોડી શકાય અને ઇંધણની પણ બચત કરી શકાય છે. સૂર્યયાન Lagrangian પોઈન્ટ-1 (L1)ની આસપાસ હેલો ઓર્બિટ(પ્રભામંડળ)ની ભ્રમણકક્ષામાં સ્થિત થશે. પૃથ્વીથી L1 પોઈન્ટનું અંતર 1.5 મિલિયન કિલોમીટર છે જ્યારે પૃથ્વીથી સૂર્યનું અંતર 150 મિલિયન કિલોમીટર છે. L1 પોઈન્ટ એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કે ત્યાંથી દિવસના 24 કલાક, અઠવાડિયાના સાતેય દિવસ અને ગ્રહણ દરમિયાન પણ સૂર્યને જોઈ શકાય છે.

    સૂર્યનો અભ્યાસ કરવાથી શું પ્રાપ્ત થશે

    સૂર્યયાન સાત પેલોડ સાથે વહન કરશે. આ પેલોડ ફોટોસ્ફેયર (પ્રકાશમંડલ), ક્રોમોસ્ફેયર (સૂર્યની દ્રશ્યમાન સપાટીની ઉપરની સપાટી) અને સૂર્યના સૌથી બહારના સ્તર (કોરોના)નો અભ્યાસ કરશે. સૂર્યમાં થતી વિસ્ફોટક પ્રક્રિયાઓ પૃથ્વીની નજીકના સ્પેસ એરિયામાં સમસ્યા ઊભી કરી શકે છે. ઘણા ઉપગ્રહોને નુકસાન થઈ શકે છે. જો આવી પ્રક્રિયાઓની જાણ અગાઉથી થઈ જાય તો નિવારક પગલાં લઈ શકાય છે. તમામ સ્પેસ મિશન ચલાવવા માટે સ્પેસના હવામાનને સમજવું જરૂરી છે. આ મિશન આ હવામાન સમજવામાં પણ મદદ કરી શકે છે. આ મિશન દ્વારા સૌર હવાઓનો અભ્યાસ પણ કરવામાં આવશે.

    ઈસરોના આદિત્ય-L1 મિશન દ્વારા શું પ્રાપ્ત થશે તેને ટૂંકમાં સમજવું હોય તો ISRO અનુસાર, આ મિશનનું ધ્યેય સૂર્યના ક્રોમોસ્ફિયર અને કોરોનાની ગતિશીલતા, સૂર્યનું તાપમાન, કોરોનલ માસ ઇજેક્શન, તાપમાન, અંતરિક્ષનું હવામાન અને અન્ય ઘણાં વૈજ્ઞાનિક પાસાં ઉજાગર કરશે.

    શા માટે જરૂરી છે ‘આદિત્ય-L1 મિશન’

    સૂર્યની સપાટી પર પ્રચંડ તાપમાન હોય છે. તાપમાનનું કારણ તેની સપાટી પર રહેલા પ્લાઝ્મા વિસ્ફોટો છે. પ્લાઝ્મા વિસ્ફોટને કારણે લાખો ટન પ્લાઝ્મા અંતરિક્ષમાં ફેલાય જાય છે, જેને કોરોનલ માસ ઇજેક્શન (CME) કહેવામાં આવે છે. તે પ્રકાશની ઝડપે સમગ્ર બ્રહ્માંડમાં ફેલાય છે. ઘણી વખત CME પૃથ્વી તરફ પણ આવે છે, પરંતુ સામાન્ય રીતે તે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કારણે પૃથ્વી સુધી પહોંચતું નથી, પણ ઘણી વખત CME પૃથ્વીના બાહ્ય પડમાં ઘૂસીને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે.

    જ્યારે સૂર્યનું કોરોનલ માસ ઇજેક્શન પૃથ્વી તરફ આવે છે, ત્યારે પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરતા ઉપગ્રહને ઘણું નુકસાન થાય છે. પૃથ્વી પર શોર્ટ વેબ સંચાર અવરોધાય છે. એટલા માટે આદિત્ય-L1ને સૂર્યની નજીક મોકલવામાં આવી રહ્યું છે, જેથી સૂર્યમાંથી આવતા કોરોનલ માસ ઇજેક્શન અને તેની તીવ્રતાનો સમયસર અંદાજો લગાવી શકાય. આ સાથે સંશોધનના દ્રષ્ટિકોણથી પણ મિશનના ઘણા બધા ફાયદાઓ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં