Friday, November 22, 2024
More
    હોમપેજમિડિયાહિંદુઓનો નરસંહાર, મંદિરો પર હુમલા, મહિલાઓ સાથે રેપ… પણ બાંગ્લાદેશ હિંસા પર...

    હિંદુઓનો નરસંહાર, મંદિરો પર હુમલા, મહિલાઓ સાથે રેપ… પણ બાંગ્લાદેશ હિંસા પર ભારતીય મીડિયાનું રિપોર્ટિંગ અલ જઝીરા માટે ‘ઇસ્લામોફોબિયા’!

    આખા લેખને જોવામાં આવે તો અનેક લોકોને રાજકીય વિશ્લેષક, પત્રકાર અને એક્ટિવિસ્ટ કહીને તેમનાં મંતવ્યો છાપી મારીને એવું સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હુમલા થતા હશે, પરંતુ મીડિયા અને ખાસ કરીને ભારતીય મીડિયા જેવું દર્શાવે છે તેવું કશું જ નથી

    - Advertisement -

    પાડોશી બાંગ્લાદેશમાં ક્વોટા સિસ્ટમ વિરૂદ્ધ આંદોલન અને ત્યારબાદ હિંસાના પગલે શેખ હસીનાના દેશગમન પછી નિર્દોષ હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ઇસ્લામી દેશ બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓને આ રીતે મારવા-કાપવામાં આવ્યા હોય કે તેમનાં મંદિરો પર હુમલા થયા હોય તેવી આ પ્રથમ ઘટના નથી, પરંતુ સરકાર અને ઠોસ વ્યવસ્થાની ગેરહાજરીમાં આ વખતે કટ્ટરપંથી ઇસ્લામીઓને જાણે છૂટો દોર મળ્યો અને દેશમાં અનેક ઠેકાણે હિંસા થઈ અને તેમાં મુખ્યત્વે શેક હસીનાની પાર્ટી આવામી લીગના નેતાઓ-સમર્થકો અને હિંદુ લઘુમતીઓને નિશાન બનાવવામાં આવ્યા. 

    બાંગ્લાદેશમાં હિંદુઓ સાથે શું-શું થઈ રહ્યું છે, તેમનાં ઘરો પર કઈ રીતે હુમલા કરવામાં આવ્યા, તેમની મહિલાઓ સાથે રેપ થયા, દીકરીઓને બચાવવા માટે લોકોએ ઘરેણાં આપી દેવાં પડ્યાં, રાતોરાત લોકોનાં ઘર બળીને ભડથું થઈ ગયાં, અનેક માર્યા ગયા, અનેક સાથે મારપીટ કરવામાં આવી- આવા અનેક કિસ્સાઓ એક તરફ જ્યાં સોશિયલ મીડિયા અને સમાનાંતર મીડિયાના કારણે દુનિયા સુધી પહોંચી રહ્યા છે ત્યાં ઇસ્લામી કટ્ટરપંથ અને આતંકવાદ પર કાયમ પડદો નાખવા તત્પર વિદેશી મીડિયાનું કામ પણ વધી ગયું છે. 

    કતારની સરકારના પૈસે ચાલતા પોર્ટલ ‘અલ જઝીરા’એ હમણાં એક લેખ પ્રકાશિત કર્યો છે. શીર્ષક છે- ‘ઇસ્લામોફોબિક, અલાર્મિસ્ટ’: હાઉ સમ ઇન્ડિયા આઉટલેટ્સ કવર્ડ બાંગ્લાદેશ ક્રાઈસિસ’. સરળ ગુજરાતીમાં આ પ્રમાણે- ‘ઈસ્લામવિરોધી, ચિંતાજનક’: ભારતમાં અમુક મીડિયા સંસ્થાઓ કઈ રીતે બાંગ્લાદેશની સ્થિતિ કવર કરી રહી છે.’ પેટામથાળું કે અંગ્રેજીમાં જેને સબહેડલાઈન કહે તે આ પ્રકારે છે- ‘ભારતીય મીડિયા ચીન અને પાકિસ્તાન ઇન્ટેલિજન્સને બાંગ્લાદેશનાં પ્રદર્શનો સાથે જોડી રહ્યું છે અને હિંદુ પર થતા હુમલાને વધારીને દેખાડે છે.’ 

    - Advertisement -

    હિંદુઓ પર ધાર્મિક ઓળખના કારણે નહીં, રાજકીય કારણોસર હુમલા: અલ જઝીરાનું જ્ઞાન

    લેખમાં અલ જઝીરાના લેખકો ફૈઝલ મહમૂદ અને શાકિબ સરકારે અમુક મીડિયા ચેનલો, છાપાં અને પોર્ટલોના સમાચારોને ટાંકીને એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર હુમલા તો થઈ રહ્યા છે, પરંતુ ભારતીય મીડિયા તેને ખોટી રીતે દર્શાવે છે. ન્યૂયોર્ક ટાઈમ્સે હમણાં અવળચંડાઈ કરી હતી એ જ રસ્તે ચાલીને જઝીરાએ પણ કહ્યું કે, હિંદુઓને મારવામાં એટલા માટે આવી રહ્યા છે, કારણ કે તેઓ શેખ હસીનાની પાર્ટીના સમર્થકો માનવામાં આવે છે. ધાર્મિક ઓળખ માટે હુમલા થઈ રહ્યા હોય તેવી વાત નથી, એવો ટૂંકસાર વાતમાંથી નીકળે છે. 

    લેખમાં ટાઈમ્સ ગ્રુપની ચેનલ મિરર નાઉ પર પ્રકાશિત એક વિડીયોને ટાંકીને કહેવામ આવ્યું કે, તેમાં હિંદુઓ પર હુમલાની વાત કહેવામાં આવી છે, પરંતુ તે ભ્રામક છે, કારણ કે બે ઘરો મુસ્લિમોનાં પણ હતાં. આ જ વિડીયોમાં 24 લોકોને જીવતા સળગાવવામાં આવ્યા હોવાની અને ‘હુમલાના કેન્દ્રમાં ઘુમતીઓ’ હોવાની વાત કહેવામાં આવી હતી, પણ અલ જઝીરા કહે છે કે મરનારાઓમાંથી 2 જ હિંદુઓ હતા, એટલે એવું ન કહી શકાય કે માત્ર લઘુમતીઓ પર જ હુમલા થયા છે. લેખમાં એકાદ રાજકીય વિશ્લેષકને ટાંકીને લખ્યું છે કે, ભારતીય મીડિયાએ આ ઘટનાઓને ‘ઇસ્લામોફોબિક લેન્સ’થી કવર કરી છે. 

    આ જ લેખમાં મીડિયા સંસ્થા આડકતરી રીતે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIનો પણ બચાવ કરવા માટે કૂદી પડી છે અને કહ્યું કે, ભારતમાં અમુક ચેનલો બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિને પાકિસ્તાન અને ચીનની એજન્સીઓ સાથે જોડી રહી છે. હવે, આ દાવો સાવ હવામાં ગોળીબાર નથી. સ્વયં શેખ હસીના અને તેમની પાર્ટીના નેતાઓ, સરકારના માણસો અને બાંગ્લાદેશના જ લોકો આ પ્રદર્શનો અને અસ્થિરતા પાછળ વિદેશી હાથ હોવાની શક્યતાઓ વ્યક્ત કરી ચૂક્યા છે. એ વાત પણ સ્વાભાવિક છે કે આવી કોઇ પણ ગુપ્તચર એજન્સી અન્ય દેશના મામલામાં હસ્તક્ષેપ કરે અને સરકાર પલટાવી પણ દે તો બીજા દિવસે દુનિયા સામે જઈને કહેતી નથી કે આ બધા પાછળ તેમનો હાથ છે. 

    હ્યુમન ચેઇનનો પ્રોપગેન્ડા અહીં પણ

    અલ જઝીરા આગળ કહે છે કે, ભારતીય મીડિયામાં જે સમાચારો ચાલે છે તે અને જમીન પરની પરિસ્થિતિ જુદી છે. આગળ એવું ઠસાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે કે હિંદુઓ શેખ હસીનાની પાર્ટીના સમર્થક માનવામાં આવે છે અને જેઓ રાજકીય રીતે સક્રિય હતા તેમની ઉપર જ હુમલા કરવામાં આવી રહ્યા છે, જેથી આ પોલિટિકલ વાયોલેન્સ છે, રિલિજિયસ નહીં. એક મુસ્લિમ વ્યક્તિને ટાંકવામાં આવ્યો છે, જેણે કહ્યું કે, ‘લોકો એટલા માટે ગુસ્સે છે કારણ કે આવામી લીગ જ્યારે સત્તામાં હતી ત્યારે હિંદુ નેતાઓ તેમને રંજાડતા હતા. હવે જ્યારે સરકાર પડી ભાંગી છે તો તેમની વિરુદ્ધ આક્રોશ ફાટી નીકળ્યો છે.’

    કરો વાત! પહેલી વાત એ છે કે કોઇ સમુદાય કોઇ પણ પાર્ટીનો સમર્થક હોય, એટલે શું તેનો નરસંહાર ચલાવવાનો? અલ જઝીરા ત્યાં સુધી પહોંચી જાય છે કે, હિંદુઓ પર થતા હુમલાઓ તેમની ધાર્મિક ઓળખના કારણે નહીં પરંતુ રાજકીય બાબતોના કારણે થઈ રહ્યા છે. પરંતુ જો હુમલાઓ રાજકીય ઉદ્દેશ્યથી જ થઈ રહ્યા હોય તો તેમાં મંદિરો વચ્ચે ક્યાંથી આવ્યાં? મંદિરોમાં તોડફોડ, દેવી-દેવતાઓની મૂર્તિઓ ખંડિત કરવી, આ બધી ઘટનાઓ શું દર્શાવે છે? 

    અહીં એ વાત સાચી છે કે બાંગ્લાદેશમાં આવામી લીગ અને હિંદુઓ બંને પર હુમલા થઈ રહ્યા છે. જેમાં આવામી લીગના મોટાભાગના માણસો મુસ્લિમ છે. પરંતુ તેમની ઉપર રાજકીય હેતુથી હુમલા થાય છે જ્યારે હિંદુઓને માત્ર એટલા માટે ટાર્ગેટ બનાવવામાં આવે છે કારણ કે તેઓ હિંદુ છે. આવું ઇસ્લામી દેશોમાં પહેલાં પણ થયું છે, પહેલી ઘટના હોય તેમ નથી. 

    આગળ ઇસ્લામી કટ્ટરપંથીઓએ મચાવેલા આતંકને ઢાંકવા માટે વપરાતો હ્યુમન ચેઇનનો પ્રોપગેન્ડા અહીં પણ ઉપયોગમાં લેવામાં આવ્યો છે. લાંબા ફકરાઓમાં સમજાવવામાં આવ્યું છે કે કઈ રીતે મુસ્લિમો બાંગ્લાદેશમાં હિંદુઓનાં ઘરો અને મંદિરોને માનવસાંકળ બનાવીને બચાવી રહ્યા છે. પરંતુ એક પણ શબ્દ એ બાબતે ઉચ્ચારવામાં નથી આવ્યો કે આખરે આ મંદિર જો બચાવવામાં આવી પણ રહ્યાં હોય તો તેને બચાવવાની ફરજ કેમ પડી? કોણ હુમલા કરી રહ્યું છે? તેનો જવાબ આપે તો એજન્ડાનો ફુગ્ગો ફૂટી જાય તેમ છે. 

    લેખમાં મોદી સરકારને પણ ઢસડવામાં આવી છે અને લખવામાં આવ્યું છે કે, આ પ્રકારે જે ‘મિસિનફોર્મેશન’ ફેલાય રહી છે તે ઢાકાને અસ્થિર કરવા માટે ભારતનો મકસદ દર્શાવે છે. જ્યારે હકીકત એ છે કે સરકાર આ મુદ્દે અત્યંત સંવેદનશીલ રહી છે અને સ્વયં વડાપ્રધાન મોદી કહી ચૂક્યા છે કે તેઓ તમામ રીતે બાંગ્લાદેશને સહકાર આપવા માટે તૈયાર છે. 

    આખા લેખને જોવામાં આવે તો અનેક લોકોને રાજકીય વિશ્લેષક, પત્રકાર અને એક્ટિવિસ્ટ કહીને તેમનાં મંતવ્યો છાપી મારીને એવું સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હુમલા થતા હશે, પરંતુ મીડિયા અને ખાસ કરીને ભારતીય મીડિયા જેવું દર્શાવે છે તેવું કશું જ નથી. હુમલા ધાર્મિક ઓળખના કારણે નથી થઈ રહ્યા. આ બીજું કશું નહીં પરંતુ ઢાંકપિછોડો છે. હકીકત એ છે કે અનેક એવી ઘટનાઓ છે જે હજુ બહાર આવી જ શકી નથી અને કદાચ ક્યારેય આવશે પણ નહીં. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં