મહેસાણાના ખેરાલુમાં તાજેતરમાં જ એક હિંદુ કેબલ ઑપરેટરની હત્યાનો મામલો સામે આવ્યો હતો. હત્યા કરીને ફરાર થઈ ગયેલા આરોપી ફિરોઝખાનને પોલીસે ઘટનાના માત્ર 35 કલાકમાં અમદાવાદથી ઝડપી પાડ્યો હતો. હવે આ કેસમાં આરોપીએ પોતે જ ગુનો કબૂલી લીધો છે. તેણે પોલીસને જણાવ્યું છે કે, મૃતક કેબલ ઑપરેટરે તેને ₹2.36 લાખ પરત ન કરતાં તેણે છરાના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. આરોપીએ કહ્યું છે કે, મૃતક ગૌતમ બારોટ 6 મહિનાથી વાયદા કરીને પૈસા પરત નહોતો કરી રહ્યો. તેથી તેણે તેની હત્યા કરી નાખી.
ખેરાલુ PI કેજે પટેલે આ અંગેની માહિતી આપી છે. તેમણે ઘટનાની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, SOG, LCB અને ખેરાલુ પોલીસની જુદી-જુદી ટીમો આરોપી ફિરોઝખાનને શોધી રહી હતી. પરંતુ તેણે મોબાઈલ બંધ કરી દીધો હોવાથી અજમેર શરીફમાં તેનું લોકેશન ટ્રેસ થયું હતું. તે અજમેર દરગાહ પર જઈને અમદાવાદ તરફ જઈ રહ્યો હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેણે કબૂલ્યું હતું કે, આ હત્યા તેણે જ કરી હતી.
મૃતક ગૌતમ બારોટને આરોપીએ દાગીના વેચીને ₹2.36 લાખ ઉછીના આપ્યા હતા. મૃતક 6 મહિનાથી વાયદા કરતો હતો, પણ પૈસા પરત નહોતા મળ્યા. તેથી આરોપી ફિરોઝખાને સવજી દેસાઈની વાડી પાસે તેને ઊભો રાખ્યો હતો અને પૈસાની માંગણી કરી હતી. ત્યારે આરોપીએ માથાકૂટ પણ કરી હતી. અંતે તેણે છરો કાઢીને ગૌતમ પર હુમલો કરી દીધો હતો અને ઉપરાછાપરી છરાના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી હતી.
ખેરાલુના PIએ વધુમાં જણાવ્યું હતું કે, હત્યા બાદ તે સીધો અજમેર શરીફ ભાગી ગયો હતો. ત્યાં જઈને તેને તેના બાળકોની ચિંતા થતાં તેણે મોબાઈલ ઓન કર્યો હતો. ત્યારબાદ તેનું લોકેશન ટ્રેસ થયું હતું. અજમેરથી અમદાવાદ પહોંચતા તેની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી. પોલીસે જણાવ્યું છે કે, આરોપીએ નાણાંકીય લેવડદેવડના કારણે હત્યા કરી હતી. આ મામલે કોર્ટ પાસેથી આરોપીના રિમાન્ડ માંગવામાં આવશે.
સરજાહેરમાં છરાના ઘા ઝીંકીને કરી હતી હત્યા
મહેસાણાના ખેરાલુમાં મૃતક ગૌતમ બારોટ (50) બુધવારે (31 જુલાઈ) બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી ફિરોઝખાને આવીને પહેલાં માથાકૂટ કરી હતી અને ત્યારબાદ ગૌતમને બાઈક પરથી નીચે પાડી દઈને ઉપરાછાપરી છરીના ઘા મારીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી દીધા હતા. પછીથી તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ બચાવી શકાયા ન હતા.
આ મામલે ખેરાલુ પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. ફિરોઝખાન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103, 351(3) તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. FIR નોંધાયા બાદ મહેસાણા LCB, ખેરાલુ પોલીસ અને મહેસાણા SOGની ટીમ તેને શોધી રહી હતી.
દરમ્યાન આરોપી ફિરોઝખાનના પરિવારની પણ પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેના પુત્રએ કબૂલ્યું હતું કે તેનો બાપ હત્યા કરીને ફરાર થઈ ગયો છે. ફરાર આરોપીને શોધવા માટે સ્થાનિક LCB, SOG અને ખેરાલુ પોલીસની ટીમો કામે લાગી હતી અને 35 કલાકમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.