શનિવારે (27 જુલાઈ, 2024) પાટણમાં સાંતલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા સિંધાડાની દુર્ગા વાહિનીની (Durga Vahini) હિંદુ સ્વયંસેવિકા પર હુમલો થયો હતો. હુમલો કરનારમાં સાદિક ખાન અને અન્ય એક અજાણી વ્યક્તિનો હાથ હતો. આ મામલે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી, ત્યારે લાંબી શોધખોળ બાદ પોલીસે દુર્ગા વાહિનીની હિંદુ સ્વયંસેવિકા પર હુમલો કરનાર સાદિક ખાનની ધરપકડ કરવામાં સફળતા મળી છે.
ઉલ્લેખનીય છે કે આ મામલે તપાસ રાધનપુર DYSPને સોંપવામાં આવી હતી, પરંતુ તેઓ તપાસ અર્થે બહાર હોવાથી ચાર્જ સિદ્ધપુર DYSPને સોંપવામાં આવ્યો હતો. આ મામલે ઑપઇન્ડિયાએ સિદ્ધપુર DYSP કે.કે. પંડ્યાનો સંપર્ક કરતા તેમણે આરોપીની ધરપકડની પુષ્ટિ કરી હતી. બીજી તરફ સાંતલપુર પોલીસને આશંકા છે કે આરોપી ભૂતકાળમાં પણ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો હોઈ શકે છે. આથી તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
બીજી તરફ પીડિતાના ગામ સિંધાડામાં હાલ પરિસ્થિતિ તંગ છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગામમાં ડરનો માહોલ છે. હિંદુ સમુદાય ઘટનાથી થોડો વિચલિત હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. હિંદુ સંગઠનો પીડિતાના પરિવારની સુરક્ષાને લઈને પણ સતર્ક છે. ઑપઇન્ડિયાને મળેલી માહિતી અનુસાર હાલ તેમના ઘરે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ સતત તેમની સુરક્ષાનું ધ્યાન રાખી રહ્યા છે. હિંદુ સંગઠનોના જણાવ્યા અનુસાર તેઓ પરિવાર સાથે છે અને તેમને કે ગામના એક પણ હિંદુ પરિવારે ડરવાની જરૂર નથી.
શું હતી આખી ઘટના?
ઉલ્લેખનીય છે કે પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા સિંધાડા ગામમાં રહેતા રમીલાબેન પરમાર અને તેમના બહેન દુર્ગા વાહિનીના સ્વયંસેવિકા છે. શનિવારે (27 જુલાઈ, 2024) જયારે તેઓ નોકરી પરથી પરત આવી રહ્યા હતા ત્યારે તેમના માનેલા ભાઈ ગમન ભરવાડ સાથે બાઈક પર બેસીને ઘરે પરત આવી રહ્યાં હતાં, ત્યારે સાંજે સાડા સાત વાગ્યાના સુમારે કેમિકલ ફેક્ટરી પાસે સાદિક તેના કોઈ મિત્ર સાથે એક કાર લઈને ધસી આવ્યો હતો. બાઈક રોક્યા બાદ સાદિક નજીક આવતાં મહિલાએ તેમને અટકાવવાનું કારણ પૂછ્યું હતું. પરંતુ આરોપ છે કે તેણે કોઈ પણ જવાબ આપ્યા વગર જ તેના વાળ પકડીને થપ્પડો મારવાનું શરૂ કરી દીધું હતું.
સાદિકે પોતાની સાથે આવેલા વ્યક્તિને, ‘આને ગાડીમાં બેસાડ, આજે આની %ર^ ફા& નાખવી છે’ કહીને કૂર્તો ખેંચીને ગાડીમાં ઉપાડી જવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ દરમિયાન તેમણે બૂમાબૂમ કરતાં સાદિકે બંનેને છોડી મૂક્યા હતા અને ભાગી છૂટ્યો હતો. ફરિયાદ અનુસાર, જતાં-જતાં તેણે મહિલાને ધમકી આપીને કહ્યું હતું કે, “તું દુર્ગા વાહિનીનું કામ છોડી દેજે, આજે તો બચી ગઈ પણ ફરી હાથમાં આવીશ તો જાનથી મારી નાખીશ.” આટલું કહીને બંને ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
આ મામલે તેમણે સાંતલપુર પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદ નોંધાવતાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો 115(2), 125(2), 296(B), 351(2) અને 54 તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(R), 3(1)(S) અને 3 (2)(V) અંતર્ગત અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે. આગળની કાર્યવાહી ચાલી રહી છે.