છેલ્લા પંદર દિવસમાં દેશમાં એવી 2 મોટી દુર્ઘટનાઓ ઘટી જેમાં અઢળક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. પ્રથમ ઘટના DMK અને કોંગ્રેસના ગઠબંધન શાસિત તમિલનાડુની છે, જ્યાં ઝેરીલો દારુ (લઠ્ઠો) પીવાથી 65થી વધુ લોકોના મૃત્યુ થયા છે. બીજી ઘટના છે ઉત્તર પ્રદેશના હાથરસની (Hathras), અહીં એક સત્સંગના કાર્યક્રમમાં થયેલી ભાગદોડમાં 130 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. જોકે આ બંને ઘટનાઓ પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અલગ અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. હાથરસના પીડિતોને ગળે વળગાળી રહેલા રાહુલ ગાંધીના તમિલનાડુ લઠ્ઠાકાંડ પીડિત પરિવારો તરફ આંખ આડા કાન નજરે પડી રહ્યા છે.
તમિલનાડુમાં લઠ્ઠાકાંડ અને કોંગ્રેસ મૌન, CBI તપાસનો વિરોધ
પ્રથમ વાત કરીએ તમિલનાડુના લઠ્ઠાકાંડની, તો કોંગ્રસ અને ડીએમકેના ગઠબંધનની સરકારવાળા આ રાજ્યમાં આવેલા કલ્લાકુરિચ (Kallakurichi) જિલ્લાના કરુણાપુરમ (Karunapuram) ગામે લઠ્ઠાકાંડ થયો હતો. ઝેરી દારુ પીવાના કારણે અત્યાર સુધી 65 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 120થી વધુ લોકો ઝેરી દારુ પીવાના કારણે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. જેમને આ ઝેરી દારૂની અસર થઈ, તેમની હજુ પણ સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને આખા દેશમાં સોંપો પડી ગયો છે.
કોંગ્રેસ અને DMKના ગઠબંધનવાળી સરકારે તપાસના આદેશ આપ્યા અને અત્યાર સુધી કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં અવી. તાજી માહિતી અનુસાર તાજેતરમાં જ કુડ્ડાલોરના એક પેટ્રોપ પંપ પાસેથી 2000 લીટર કેમિકલ મળી આવ્યું છે, જેમાંથી ઝેરી દારુ બનાવવામાં આવે છે. લોકલ CB-CID તપાસ કરી રહી છે અને CBI તપાસની માંગ ઉઠી રહી છે, પરંતુ તમિલનાડુની સરકારે આ મામલે CBI તપાસનો વિરોધ કર્યો છે. સરકારે બુધવારે (4 જુલાઈ 2024) મદ્રાસ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે એવી કોઈ જ પરિસ્થિતિનું નિર્માણ નથી થયું કે તપાસ CBIને સોંપવામાં આવે.
કોંગ્રસ અહીં ગઠબંધનમાં હોવા છતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક પણ વાર તમિલનાડુ તરફ દ્રષ્ટિ નથી કરી. મૃતકોના પરિવારને સાંત્વના તો દૂર, એક સામાન્ય ટ્વિટ કરીને શોક પણ પ્રકટ નથી કર્યો. કોંગ્રેસ તરફે કોઈપણ પ્રતિક્રિયા સામે ન આવતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને પ્રતિક્રિયા આપવા કહ્યું છે, તેમણે પત્રમાં લખ્યું છે કે, “મને આશ્ચર્ય થાય છે કે આપના નેતૃત્વવાળી કોંગ્રેસ પાર્ટીએ આવડી મોટી આપદા વચ્ચે મૌન ધારણ કરી રાખ્યું છે. કેટલાક મુદ્દા પર આપણે પાર્ટીથી ઉપર ઉઠવાની આવશ્યકતા છે.”
ઉત્તર પ્રદેશના હાથરસની દુર્ઘટના, યુદ્ધના ધોરણે કાર્યવાહી ચાલુ
બીજી ઘટના છે, ઉત્તર પ્રદેશના હાથરસની. ગત મંગળવારે (2 જુલાઈ, 2024) હાથરસના સિકંદરારાઉ પોલીસ સ્ટેશન વિસ્તારના એટા રોડના ફૂલરઈ ગામમાં એક ‘ભોલે બાબા’ના (Bhole Baba) મોટા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારો લોકો હાજર રહ્યા હતા. સત્સંગ પૂરો થયા પછી ટોળું પોતપોતાના ઘેર જવા નીકળી રહ્યું હતું. આ દરમિયાન કથાકાર ભોલે બાબા પણ બહાર આવવા લાગ્યા હતા. તેમને રસ્તો આપવા માટે એક તરફના ટોળાને રોકવામાં આવ્યું હતું. જે તરફ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો તે બાજુ પાછળથી લોકોના ધક્કા આગળ ઉભેલા ભક્તો પર વધવા લાગ્યા હતા.
થોડી જ વારમાં ત્યાં ભાગદોડમાં મચી ગઈ હતી. હજારો લોકોની ભીડને ત્યાં હાજર પ્રશાસન અને સુરક્ષાતંત્ર પણ સંભાળી શકી ન હતી. ભીડમાં રહેલા લોકો એકબીજાને કચડવા લાગ્યા. આ ભાગદોડના કારણે સ્થળ પર ગુંગળામણ અને બફારો વધી ગયો હતો. ખાસ કરીને મહિલાઓ અને બાળકો આ ભાગદોડનો પહેલો શિકાર બન્યા હતા. પરિસ્થિતિને સંભાળવા માટે વહીવટીતંત્ર ભારે ફોર્સ સાથે પહોંચ્યું હતું. જોકે, ત્યાં સુધીમાં લગભગ 100 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હાલ 130થી વધુ લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
આ સમગ્ર મામલે કૂલ 22 આયોજકો સામે FIR નોંધવામાં આવી છે. તેમાં મુખ્ય આયોજક દેવ પ્રકાશ મધુકરનું નામ પણ સામેલ છે. બાકીના તમામ લોકો અજ્ઞાત છે.’ ‘માનવધર્મ’માં માનનારા ભોલે બાબા ઘટના બાદથી જ ફરાર છે. મોડી રાત્રે પોલીસે બાબાના આશ્રમો પર દરોડા પાડયા હતા પરંતુ તેઓ મળ્યા નહોતા. દુર્ઘટના બાદ બાબા અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. પોલીસ રાતભર તેની શોધમાં દરોડા પાડતી રહી હતી. બીજી તરફ એક સ્થાનિક વકીલે હાઈકોર્ટમાં અરજી કરીને CBI તપાસની માંગણી કરી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સતત આખી ઘટના પર નજર રાખી રહ્યા છે. ઉચ્ચ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને સીએમ યોગીએ સ્પષ્ટ શબ્દોમાં અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે ક્યાય પણ બાંધછોડ ન કરવામાં આવે.
હાથરસના પીડિતોને ખભો આપવા ગયેલા રાહુલ ગાંધીને તમિલનાડુના મૃતકો ન દેખાયા?
આ બંને ઘટનાઓ દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ છે. બંને ઘટનાઓમાં નિર્દોષ લોકોના જીવ ગયા છે અને અને અનેક પરિવારો ઉઝડ્યા છે. પરંતુ વિપક્ષ આવી દુઃખદ ઘટનામાં પણ જાણે પક્ષપાત કરી રહ્યો છે. કોંગ્રેસ અને DMKના ગઠબંધનવાળા રાજ્ય તમિલનાડુમાં ઝેરી દારુ પીવાના કારણે જે લોકો મોતને ભેટ્યા છે, વિપક્ષે તેની ભાળ લેવાનું તો દૂર, સાચો-ખોટો દિલાસો પણ નથી આપ્યો. બીજી તરફ ભાજપ શાસિત ઉત્તર પ્રદેશમાં થયેલી દુર્ઘટનાને લઈને કોંગ્રેસે રાજકારણ રમવાનું શરૂ કરી દીધું છે.
તમિલનાડુની હ્રદય કંપાવનારી ઘટના પર આંખ આડા કાન કરનાર રાહુલ ગાંધી તાજેતરમાં જ હાથરસ દુર્ઘટનાગ્રસિત પરિવારોને મળ્યા હતા. અહીં તેમણે પીડિતોને ગળે લગાવીને તેમને સાંત્વના આપી હતી. જેમણે પોતાના પરિવારોને ખોયા છે, તેમને રાહુલે કહ્યું હતું કે હવે તેઓ (Rahul Gandhi) તેમનું પરિવાર છે. આ દરમિયાન તેમણે સરકાર પર પણ સવાલો ઉભા કર્યા હતા. રાહુલ ગાંધી અહીં લગભગ દોઢ કલાકથી વધુ સમય રોકાયા હતા. અને 4 પરિવારોની મુલાકાત લઈને કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી તેમની દરેક રીતે મદદ કરશે.
હાથરસની ઘટના તાજી છે. રાજ્યની સરકાર એક્શનમાં આવી ચૂકી છે અને આકરી તેમજ કડક કાર્યવાહીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ તમિલનાડુની ઘટનાને 15 દિવસ થવા આવ્યા, ત્યાં પણ આખેઆખા પરિવારો ઉજડી ગયા છે, પણ રાહુલ ગાંધીના પેટનું પાણી નથી હલ્યું. હાથરસની ઘટનામાં સરકાર સામે સવાલો ઉભા કરીને પીડિતો માટે ન્યાય માંગી રહેલા રાહુલ ગાંધીને તેમની પાર્ટીના ગઠબંધનવાળી સરકાર છે, તેવા તમિલનાડુની ત્રાસદી માટે મૌન શા માટે છે? મુલાકાત તો દૂરની વાત છે, રાહુલ ગાંધીએ પોતાના X હેન્ડલ પરથી મૃતકોને શ્રદ્ધાંજલિ કે પીડિત પરિવારને હિંમત આપતી એક નાનકડી પોસ્ટ પણ નથી કરી. સીધા અને સરળ શબ્દોમાં કહીએ તો રાહુલ ગાંધીની સંવેદનાઓ જે-તે રાજ્યના સત્તાપક્ષને જોઇને જાગતી હોય તેવું લાગી રહ્યું છે.