વિવાદિત ઢાંચા જ્ઞાનવાપીના વિડીયોગ્રાફી સરવેનો આદેશ આપનાર ન્યાયાધીશ રવિ કુમાર દિવાકરને સુરક્ષા આપવા માટે NIAએ રજૂઆત કરી છે. NIA કોર્ટના સ્પેશિયલ જજે અલાહાબાદ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પત્ર લખીને જજ રવિ દિવાકરને સુરક્ષા પૂરી પાડવા માટે કહ્યું અને જણાવ્યું કે તેમને ઇસ્લામી કટ્ટરપંથીઓથી જોખમ છે.
પોતાના પત્રમાં NIA સ્પેશિયલ જજ વિવેકાનંદ શરણ ત્રિપાઠીએ UP ATSએ દાખલ કરેલી એક FIRનો સંદર્ભ આપ્યો છે. આ FIRમાં એક અદનાન ખાન નામના વ્યક્તિ ઉપર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી ન્યાયાધીશ RK દિવાકરને ધમકી આપવાનો અને તેમની વિરુદ્ધ હિંસા ભડકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ ATSએ ત્રણ મહિના પહેલાં અદનાન ખાનની ધરપકડ કરીને તેની સામે IPC અને UAPA હેઠળ કેસ નોંધ્યો હતો.
#JustIN | An NIA court's special judge has requested #AllahabadHighCourt's Registrar General for security cover for ADJ (FTC) Bareilly Ravi Kumar Diwakar [who directed a survey of the #GyanvapiMosque in 2022], claiming a conspiracy by "Islamic fundamentalist forces" to kill him. pic.twitter.com/CX9SH6kDCG
— Live Law (@LiveLawIndia) June 22, 2024
પત્રમાં NIA જજે કહ્યું કે, “અત્યાર સુધીની તપાસમાં એવાં તથ્ય સામે આવી રહ્યાં છે કે ઇસ્લામિક કટ્ટરપંથીઓ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ રવિ કુમાર દિવાકરને ‘કાફિર’ ઘોષિત કરીને તેમની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. જે અત્યંત ગંભીર બાબત છે.” ઉલ્લેખનીય છે કે અદનાન સામે જે FIR થઈ, તેમાં જજ દિવાકરના ફોટા સાથે લખવામાં આવ્યું હતું કે- કાફિરનું લોહી તમારા માટે હલાલ છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, આ પોસ્ટ ઘણી વાયરલ થઈ હતી અને તે આવી જ માનસિકતા ધરાવનારા માટે ઉશ્કેરણીજનક તો હતી જ પરંતુ સાથોસાથ અન્ય ધાર્મિક સમુદાય માટે ભાવનાઓને ઠેસ પહોંચાડનારી પણ હતી. આગળ કહેવામાં આવ્યું હતું કે, જો આવી પ્રવૃત્તિઓ ડામવામાં નહીં આવે તો અનિચ્છનીય બનાવો બની શકે છે.
આ પહેલાં પણ ગત એપ્રિલ, 2024માં જજ રવિ કુમાર દિવાકરને ધમકી આપવામાં આવી હતી. તે અગાઉ તેમને એક પત્ર પણ મળ્યો હતો. તાજેતરમાં જ તેમણે સરકારી સચિવને પત્ર લખીને જણાવ્યું હતું કે તેમને જે સુરક્ષા પૂરી પાડવામાં આવી છે તે પૂરતી નથી. તેમણે કહ્યું હતું કે, તેમને કાફિર ઘોષિત કરીને હત્યા કરી નાખવા માટે કાવતરું ઘડવા માટે ઉશ્કેરણી કરવામાં આવી રહી છે, જેથી પૂરતી સુરક્ષા જરૂરી છે.
રવિ કુમાર દિવાકર હાલ બરેલીની એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જજ છે. મે, 2022માં તેઓ વારાણસી કોર્ટના સિનિયર ડિસ્ટ્રિક્ટ સિવિલ જજ તરીકે કાર્યરત હતા અને જ્ઞાનવાપી કેસ સાંભળી રહ્યા હતા. તેમણે જ્ઞાનવાપી પરિસરમાં મા શૃંગાર ગૌરીની પૂજા માટેની પરવાનગી માંગતી પાંચ મહિલાઓની અરજી સાંભળતી વખતે ઢાંચાના પરિસરનો વિડીયો સરવે કરવા માટે આદેશ આપ્યો હતો, જે એક નોંધપાત્ર વળાંક સાબિત થયો. પરંતુ પછીથી તેમને સતત ધમકીઓ મળી રહી છે.