પંજાબના મોહાલીમાં એક 31 વર્ષીય મહિલાની તલવારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાનો CCTV વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટના શહેરના ફેઝ-5 સ્થિત ગુરુદ્વારા સામે બની હતી. યુવતી તેની બે સહેલીઓ સાથે ડ્યુટી માટે ઓફિસ જઈ રહી હતી, પરંતુ રસ્તામાં જ તેની હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યારો નકાબ પહેરીને આવ્યો હતો. યુવતીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું છે. આ હત્યાકાંડ બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે.
મૃતક મહિલા ફેઝ-5માં કોલ સેન્ટરમાં કામ કરતી હતી, તે શનિવારે (8 જૂન, 2024) સવારે કામ પર જઈ રહી હતી. તેની ઓળખ બલજિંદર કૌર તરીકે થઈ છે. હત્યા સમયે સવારના સાડા 9 વાગ્યા હતા. પોલીસે હત્યારાની ધરપકડ કરી લીધી છે. તેને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. હત્યારો સુખચૈન સિંઘ સમરાલાનો રહેવાસી છે. તે ત્યાં જ સ્થિત એક પેટ્રોલ પંપ પર કામ કરતો હતો. જ્યારે બલજિંદર કૌર ફતેહગઢ સાહિબના ફતેહપુર જટ્ટા ગામની ગામની રહેવાસી છે.
મહિલા 9 વર્ષથી પંજાબના મોહાલીમાં કામ કરી રહી હતી અને ત્યાં જ રહેતી હતી. તે રોજ અપ-ડાઉન કરતી હતી. તેના પિતાએ જ તેને બસમાં બેસાડી હતી. મૃતક મહિલાના ભાઈએ જણાવ્યું છે કે, કંપનીના મેનેજરે ફોન કરીને મહિલાની તલવારના ઘા ઝીંકીને હત્યા કરાઈ હોવાની જાણ કરી હતી. જ્યારે પંજાબ પોલીસનું કહેવું છે કે, બંને એકબીજાને પહેલાંથી જ ઓળખતા હતા અને તેમની વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. પરંતુ, મૃતકાના પરિવારનું કહેવું છે કે બલજિંદરે તેમને ક્યારેય સુખચૈન વિશે જણાવ્યું ન હતું. ભાસ્કરના અહેવાલ મુજબ, આરોપી મૃતકા સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ તે વારંવાર ઇનકાર કરી રહી હતી, તેથી આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
On cam: Woman murdered in broad daylight in Punjab's Mohali
— The Times Of India (@timesofindia) June 8, 2024
Details here🔗https://t.co/ah3R6cOKMs pic.twitter.com/UeYitjjYpd
CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, બલજિંદર કૌર જેવી બસમાંથી ઉતરી કે, તરત જ આરોપી સુખચૈન સિંઘ ત્યાં તલવાર લઈને ઘસી આવ્યો હતો. તે પહેલાંથી જ મહિલાની રાહ જોઈને ઝાડ નીચે ઊભો હતો. હુમલા વખતે મૃતકાની સહેલીઓએ તેને બચાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તે સફળ થઈ શકી નહોતી. આરોપીએ તલવારના ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. ત્યારબાદ જ્યારે મહિલાને મોહાલીની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી તો ત્યાં તેને મૃત જાહેર કરી દેવામાં આવી હતી. પંજાબના રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘટના વિશે માહિતી મેળવી હતી. પોલીસનું કહેવું છે કે, આ મામલે હજુ વધુ તપાસ ચાલુ છે, હત્યારા સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટના ચંડીગઢથી થોડા જ કિલોમીટર દૂર બની છે. ચંડીગઢ એરપોર્ટ જ એ જગ્યા છે, જ્યાં થોડા દિવસ પહેલાં ભાજપનાં ચૂંટાયેલાં ઉમેદવાર કંગના રણૌત પર એક મહિલા CISF કોન્સ્ટેબલે હુમલો કરી દીધો હતો. તેની સામે કેસ નોંધીને કસ્ટડીમાં લેવામાં આવી છે. હાલ આ કેસમાં પણ તપાસ ચાલી રહી છે.