જીવલેણ હુમલામાંથી આબાદ બચી ગયેલા સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકો હવે પહેલી વખત સામે આવ્યા છે. એક વિડીયો બાઈટ મારફતે તેમણે પોતાની ઉપર થયેલા હુમલાને લઈને વાત કહી હતી. તેમણે હુમલા માટે સ્લોવાકિયાના ‘લિબરલ’ વિપક્ષ, સરકારવિરોધી મીડિયા અને વિદેશના ફન્ડિંગથી ચાલતાં NGOને દોષ આપ્યો છે, જેમાં તેમણે કુખ્યાત અમેરિકન ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસનો પણ ઉલ્લેખ કર્યો.
રોબર્ટ ફિકો પર ગત 15 મેના રોજ એક વ્યક્તિએ ચાકુ વડે હુમલો કરી દીધો હતો, ત્યારબાદ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. લગભગ ત્રણ સપ્તાહની સારવાર બાદ વડાપ્રધાન સ્વસ્થ થયા છે. જાહેરજીવનમાં ફરી આવતાં જ તેમણે વિડીયો બાઈટ મારફતે નાગરિકોને સંબોધન કર્યું.
Slovak Prime Minister Robert Fico blames George Soros, for the attempt to end his life
— Organiser Weekly (@eOrganiser) June 7, 2024
Slovak PM who survived multiple gunshot wounds in an assassination attempt on the 15th of May, has released an address to the world pic.twitter.com/rxld3qT0s1
તેમણે કહ્યું કે, હુમલાખોર સ્લોવાકિયાના વિપક્ષનો એક્ટિવિસ્ટ હતો. જોકે, તેમણે તેને માફ કરી દીધો છે. ફિકોએ ઉમેર્યું કે, આ વ્યક્તિ રાજકીય દ્વેષ અને દુશ્મનાવટનો સંદેશવાહક હતો, જેને સ્લોવાકિયાના હતાશ અને નિષ્ફળ વિપક્ષનું સમર્થન છે. જોકે, સ્લોવાકિયાની વિપક્ષી પાર્ટીઓએ પોતાની ઉપર લાગેલા આ તમામ આરોપો નકારી દીધા છે અને કહ્યું છે કે હુમલાખોર સાથે તેમને કોઇ સંબંધ નથી.
વિડીયોમાં તેમણે સરકારવિરોધી મીડિયાને આડેહાથ લીધું અને ખાસ કરીને એવા મીડિયા પર વરસ્યા, જેનું જોડાણ જ્યોર્જ સોરોસ સાથે છે. તેમણે કહ્યું કે, આ મીડિયા તેમની ઉપર થયેલા હુમલાને નજરઅંદાજ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, એક લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલી સરકાર વિરુદ્ધ વિપક્ષના હિંસક અને દ્વેષપૂર્ણ પ્રચારને આંતરરાષ્ટ્રીય સંગઠનોનો પણ સહકાર મળી રહ્યો છે, કારણ કે વિપક્ષના વિચારો યુક્રેન પ્રત્યેની પશ્ચિમી દેશોની નીતિ સાથે મેળ ખાય છે. તેમણે કહ્યું કે, આ વાતાવરણ બનાવવામાં આવ્યું, જેના કારણે જ તેમની ઉપર હુમલો થયો.
તેમણે કહ્યું કે, તેઓ જે પીડામાંથી પસાર થયા છે તેમાંથી કશુંક સારું પણ પરિણામ આવશે અને તેઓ વધુ મજબૂત બનીને બહાર આવશે અને દેશને સેવા કરતા રહેશે.
ઉલ્લેખનીય છે કે જ્યોર્જ સોરોસ દુનિયાભરના દેશોના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરીને કાવાદાવા રચવા માટે કુખ્યાત છે, જેમાંથી ભારત પણ બાકાત નથી. તેઓ અનેક NGOને ફન્ડિંગ આપે છે અને પોતાનો એજન્ડા જે-તે દેશમાં ચલાવીને સરકારો અસ્થિર કરીને પોતાની વિચારધારાના વિપક્ષો કે સરકારને પ્રોત્સાહન આપતા રહે છે. ભારતમાં પણ જ્યોર્જ સોરોસની સંસ્થાઓના ફન્ડિંગ પર અનેક સંસ્થાઓ ચાલતી રહે છે. અનેક વખત સામે આવી ચૂક્યું છે કે કઈ રીતે સોરોસ ફંડેડ સંસ્થાઓએ ભારતમાં અસ્થિરતા સર્જવાના પ્રયાસ કર્યા હોય.