પુણે પોર્શે કાર અકસ્માત કેસમાં હવે પોલીસે સગીર આરોપીની માતાની ધરપકડ કરી છે. તેણે જ તેના પુત્રના બ્લડ સેમ્પલને બદલ્યું હતું, જેથી દારૂ પીને એક્સિડેન્ટ કરનારો તેનો પુત્ર બચી શકે. આ વિશેની માહિતી સામે આવ્યા બાદ તે ફરાર થઈ ગઈ હતી, પરંતુ હવે પુણે પોલીસે તેની ધરપકડ કરી છે. દરમિયાન સગીરના મિત્રએ જણાવ્યું છે કે, આરોપી કિશોર દારૂના નશામાં ગાડી ચલાવતો હતો. અકસ્માત સમયે સ્ટિયરિંગ તેના જ હાથમાં હતું.
અહેવાલો અનુસાર, પુણે કાર અકસ્માત મામલે બ્લડ સેમ્પલ બદલવાની વાતનો ખુલાસો થયા બાદ શિવાની અગ્રવાલ મુંબઈ ભાગી ગઈ હતી, પરંતુ તે શુક્રવારે (31 મે 2024) રાત્રે પુણે પરત આવી હતી. પુણે આવતાની સાથે જ પોલીસે આરોપીની માતાની ધરપકડ કરી હતી. આ કેસમાં સસૂન હોસ્પિટલના બે ડૉક્ટર અને એક વોર્ડબોય પહેલાંથી જ પોલીસ કસ્ટડીમાં છે. આ કેસમાં શિવાની અગ્રવાલની સાથે વિશાલ અગ્રવાલનું પણ નામ સામે આવ્યું છે. તે ડૉક્ટરો સાથે સતત સંપર્કમાં હતો અને તેણે જ સેમ્પલ એક્સચેન્જ કરવા માટે પૈસાની ઓફર પણ કરી હતી.
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, જે સગીર દારૂના નશામાં હતો તેના બ્લડ સેમ્પલ તેની માતાના બ્લડ સેમ્પલથી બદલવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સગીર આરોપીની માતા શિવાની અગ્રવાલે પુણેની સસૂન જનરલ હોસ્પિટલમાં તેના બ્લડ સેમ્પલ આપ્યા હતા. આ સેમ્પલને જ પોતાના પુત્રના સેમ્પલ સાથે બદલી કાઢવામાં આવ્યા હતા. આ હેરાફેરી ચીફ મેડિકલ ઓફિસર ડો.શ્રીહરિ હાલનોર અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ ઘટના સામે આવ્યા બાદ ડૉ.હલનોર અને ડૉ.અજય તાવડેની ધરપકડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટમાં પહેલાં બ્લડ સેમ્પલમાં આલ્કોહોલ જોવા મળ્યો ન હતો. જ્યારે શંકા જણાઈ ત્યારે બીજી હોસ્પિટલમાં ફરીથી ટેસ્ટ કરાવવામાં આવ્યો. અહીં બ્લડ સેમ્પલ બે અલગ-અલગ વ્યક્તિઓના હોવાનું બહાર આવ્યું હતું. બીજા ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસને શંકા ગઈ કે, સસૂન હોસ્પિટલના ડૉક્ટરોએ આરોપીઓને બચાવવા માટે પુરાવા સાથે છેડછાડ કરી હતી. આ ઉપરાંત આરોપી સગીરના પિતા અને દાદા પણ હાલ જેલમાં છે.
નોંધનીય છે કે, આવી ઘટના ગત વર્ષે અમદાવાદમાં પણ બની હતી. 19 જુલાઈ,2023ના રોજ મોડી રાત્રે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર એક ડમ્પર અને મહિન્દ્રા થાર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટના સર્જાતા લોકોનું ટોળું ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું. એટલામાં પુરપાટ ઝડપે આવતી જેગુઆર કારે ભયાનક અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં તથ્ય પટેલ નામના નબીરાએ 9 લોકોના જીવ લીધા હતા. તથ્ય પટેલ અને તેના પિતા પર ગંભીર ગુનાઓ પણ નોંધાયા હતા. તથ્ય સહિત કારમાં સવાર તેના 5 મિત્રોની પણ પોલીસે અટકાયત કરી હતી. તાજેતરમાં સામે આવેલા પુણે કાર અકસ્માતે તથ્યકાંડની યાદ અપાવી દીધી હતી.