લોકસભા ચૂંટણી પહેલાં જ બંગાળની TMC સરકારની મુશ્કેલી વધી ગઈ છે. પશ્ચિમ બંગાળમાં થયેલા SSC ભરતી કૌભાંડમાં કોલકાતા હાઈકોર્ટે મમતા બેનર્જી સરકારને ઝટકો આપ્યો છે. શિક્ષક ભરતી કૌભાંડ પર ચુકાદો આપતા કોલકાતા હાઈકોર્ટ દ્વારા કહેવાયું કે, 2016ની આખી પેનલને જ રદ કરવામાં આવે. 9મીથી 12મી સુધી ગ્રુપ C અને ગ્રુપ Dમાં થયેલી તમામ નિયુક્તિઓને ગેરકાયદેસર ગણાવતા હાઈકોર્ટે કહ્યું કે, 23,753 નોકરીઓ રદ કરવામાં આવે. એટલું જ નહીં, આ તમામને 4 અઠવાડિયાની અંદર અત્યાર સુધીના સંપૂર્ણ પગાર પરત કરવા પડશે અને તે પણ 12% વ્યાજ સાથે.
કોલકાતા હાઈકોર્ટે લોકસભા ચૂંટણી પહેલાં જ મમતા બેનર્જી સરકારને ઝટકો આપ્યો છે. બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં 23,753 નોકરીઓ રદ કરવામાં આવી છે અને તમામને 12% વ્યાજ સાથે પગાર પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે મમતા બેનર્જી હાઈકોર્ટ વિરુદ્ધ હવે સુપ્રીમ કોર્ટ જશે. આ ઉપરાંત હાઈકોર્ટે અધિકારીઓને 6 અઠવાડિયાની અંદર આ તમામ પાસેથી પૈસા વસુલવાનો નિર્દેશ આપ્યો છે. ‘સ્કૂલ સેવા આયોગ’ને આ ખાલી પડેલી જગ્યાઓ પર ફરીથી નિયુકતી કરવા માટેની સૂચના પણ અપાઈ છે. જોકે, આ દરમિયાન સ્પષ્ટપણે કહેવાયું છે કે, આ કેસમાં CBIની ચાલી રહેલી તપાસ ચાલુ જ રહેશે અને જરૂર પડ્યે તે કોઈપણ આરોપીને કસ્ટડીમાં લઈ શકશે. સાથે જ 23 લાખ પરીક્ષાર્થીઓની OMR સીટનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવશે.
પ્રશાસનને આગામી 15 દિવસમાં નવી નિમણૂકો અંગે કાર્યવાહી શરૂ કરવા કહેવામાં આવ્યું છે. જોકે, કોર્ટ દ્વારા એક શિક્ષકના કેસને અપવાદ ગણવામાં આવ્યો છે. કેન્સરગ્રસ્ત સોમા દાસની નોકરી સુરક્ષિત જ રાખવામાં આવશે. આ નિમણૂકો સરકારી અને સરકાર સમર્થિત સ્કૂલો માટે જ કરવામાં આવી હતી. જસ્ટિસ દબંગ્સુ બાસક અને મોહમ્મદ શબ્બર રશીદીએ CBIને ત્રણ મહિનામાં તપાસની પ્રગતિ અંગે રિપોર્ટ સોંપવા માટે કહ્યું છે. કેટલાક અરજદારોએ આદેશ પર સ્ટે લગાવવાની અપીલ કરી હતી, જે ફગાવી દેવામાં આવી હતી.
#JustIn: Calcutta High Court has cancelled the jobs provided to 24,000 candidates in the 2016 Recruitment Process.
— Bar and Bench (@barandbench) April 22, 2024
The order pronounced by special bench led by Justice Debangsu Basak affects Teachers (of Class 9 to 12), Group B & Group C employees.
The bench while holding that… pic.twitter.com/AF6JD4J46P
આ સાથે જ હાઈકોર્ટના આદેશને પણ મમતા બેનર્જીએ ‘ગેરકાયદેસર’ ઘોષિત કરી દીધો છે. તેમણે કહ્યું છે કે, કોલકાતા હાઈકોર્ટનો આ આદેશ ગેરકાનૂની છે, તેથી તેઓ હવે હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પણ જશે. આ સાથે તેમણે એવું કહ્યું કે, તેઓ જેની નોકરીઓ ચાલી ગઈ છે, તેની સાથે ઊભા છે. જોકે, હાઈકોર્ટે તમામ દલીલો અને પુરાવા જોયા બાદ જ ‘બંધારણીય રીતે’ કાયદેસર આદેશ આપ્યો હતો. આ ભરતીમાં 5થી 15 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે, તેની સીધી અસર ગરીબ અને મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓને પડી છે, જેના હક્કમાં આ નોકરીઓ હતી, તેમને નોકરી મળી જ નથી.
હાઈકોર્ટના આદેશ બાદ કેમ્પસની બહાર રાહ જોઈ રહેલા ઘણા પરીક્ષાર્થીઓ ખુશ જોવા મળ્યા હતા, જ્યારે કેટલાક ઉદાસ પણ દેખાયા હતા. એકે કહ્યું કે, “અમે આ દિવસની રાહ ઘણા સમયથી જોઈ રહ્યા હતા, હવે આખરે અમને ન્યાય મળ્યો છે. આ મામલે ED પહેલાં જ મમતા બેનર્જીના નજીકના મંત્રી રહેલા પાર્થો ચટર્જીની ધરપકડ કરી ચૂકી છે. તેમના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના ઠેકાણાં પરથી 50 કરોડની રોકડ પણ મળી આવી હતી. પાર્થોના સંબંધી પ્રસન્ના રૉયની પણ ધરપકડ કરવામાં આવી છે.