પત્રકાર પરિષદ દરમિયાન કોઇ પત્રકાર જો પ્રમાણમાં કઠિન અને પોતાને પસંદ ન હોય તેવો પ્રશ્ન પૂછે તો તેનો અવળો જવાબ આપવાની કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આદત છે. આવું ફરી એક વખત બન્યું છે, જ્યારે રાહુલ ગાંધીને એક પ્રેસ કૉન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે તેઓ અમેઠીથી લડવા જઈ રહ્યા છે કે નહીં, ત્યારે તેમણે પ્રશ્નને ભાજપનો પ્રશ્ન ગણાવી દીધો હતો.
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે એક સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ સંબોધતી વખતે રાહુલ ગાંધીને એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે તેઓ અમેઠી કે રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે કે કેમ? પત્રકારે પૂછ્યું હતું, “લોકો તો ગુજરાત છોડીને PM બનવા માટે ગુજરાત આવે છે, તમે વાયનાડ જતા રહ્યા. તો શું અમેઠી કે રાયબરેલીથી તમે લડશો?”
આ પ્રશ્ન સાંભળીને રાહુલે તેને ભાજપનો પ્રશ્ન ગણાવી દીધો. રાહુલે અડધેથી જ અટકાવીને કહ્યું કે, “આ ભાજપવાળો પ્રશ્ન છે. ઓપનિંગ બૉલ બીજેપી ક્વેશ્ચન. વેરી ગુડ. શાબાશ.” ત્યારબાદ આગળ કહ્યું કે, “અમેઠીની વાત કૉંગ્રેસનો નિર્ણય છે. જે મને આદેશ મળશે, એ હું કરીશ. અમારી પાર્ટીમાં CEC બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવે છે. પરંતુ પહેલો પ્રશ્ન ભાજપનો પ્રશ્ન. ખૂબ સરસ.”
#WATCH | Ghaziabad, Uttar Pradesh: When asked whether he will contest the Lok Sabha elections from Amethi or Raebareli, Congress leader Rahul Gandhi says, "This is BJP's question, very good. Whatever order I will get, I will follow it. In our party, all these (selections of… pic.twitter.com/eI0Si8Q6QB
— ANI (@ANI) April 17, 2024
કોંગ્રેસ કાયમ મીડિયા પર ભાજપ સમર્થિત સમાચારોને પ્રાધાન્ય આપવાની અને મોદી સહિતના નેતાઓને કડક પ્રશ્ન ન પૂછવામાં આવતા હોવાની ફરિયાદો કરતી રહે છે, પરંતુ વાસ્તવિકતા શું છે તેના દર્શન રાહુલ ગાંધીએ ફરી એક વખત કરાવ્યા. આ પહેલી વખત બન્યું નથી જ્યારે રાહુલ ગાંધીએ આ રીતે અઘરો પ્રશ્ન પૂછવા પર વાતને અવળે પાટે ચડાવીને પત્રકાર પર ભાજપના પ્રશ્ન પૂછવાના આરોપ લગાવ્યા હોય, ભૂતકાળમાં પણ તેઓ આવું કરી ચૂક્યા છે.
બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેમણે લગભગ દરેક પ્રશ્નોના જવાબ આપ્યા અને એવા પ્રશ્નોનું પણ સમાધાન કર્યું, જે તેમની સરકારને વિપક્ષો કે તેમના સમર્થકો કાયમ પૂછતા રહે છે. પીએમ મોદીએ તથ્યો અને આંકડાકીય માહિતી સાથે આ જવાબો આપ્યા હતા. પરંતુ તેમ છતાં કોંગ્રેસ આત્મનિરીક્ષણને સ્થાને મીડિયાને ભાંડવાનું ચાલુ રાખે છે.
વાત અમેઠી અને રાયબરેલીની કરવામાં આવે તો આ બે બેઠકો એક સમયે ગાંધી પરિવારનો ગઢ ગણાતી હતી, પરંતુ હવે પાર્ટીની માઠી દશાની અસર અહીં પણ જોવા મળી રહી છે. આ બંને બેઠકો પર હજુ ઉમેદવારો ઘોષિત કરવામાં આવ્યા નથી. બીજી તરફ, અમેઠી બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી સ્મૃતિ ઈરાનીનું નામ પહેલી જ યાદીમાં ઘોષિત કરી ચૂકી છે, જેમણે 2019માં રાહુલ ગાંધીને બાપ-દાદાની બેઠક પર પરાજય આપીને ઇતિહાસ રચી દીધો હતો.
રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી ફોર્મ ભરી ચૂક્યા છે, જે બેઠકે તેમને 2019માં સીટ બચાવી રાખવામાં મદદ કરી હતી. આ વર્ષે પણ તેમણે અહીંથી ફોર્મ ભર્યુ છે, પરંતુ કોંગ્રેસ જો અત્યારે અમેઠી પરથી રાહુલનું નામ જાહેર કરે તો વાયનાડ બેઠક પર અવળી અસર જોવા મળી શકે તેમ છે. એટલે સંભવતઃ ત્યાં મતદાન પૂર્ણ થઈ જાય પછી જ અમેઠી બાબતે મગનું નામ મરી પાડવામાં આવે એવું બની શકે.