તાજેતરમાં જ ફેક ન્યૂઝ ફેલાવીને વિવાદમાં આવેલા પોર્ટલ ‘જમાવટ’ પર તાજેતરમાં એક રિપોર્ટ પ્રકાશિત કરીને દાવો કરવામાં આવ્યો કે, ભરૂચના સાંસદ મનસુખ વસાવાને પ્રશ્ન કરનાર એક શિક્ષકને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં જે-તે વ્યક્તિને ‘સરકારી અધિકારી’ ગણાવાયો છે અને સરકાર પર માછલાં ધોવાના પ્રયાસ કરવામાં આવ્યા છે.
આ રિપોર્ટની હેડલાઈન છે- ‘સરકાર સમક્ષ સમસ્યાનું સમાધાન માંગશો તો રોજગારી જશે, ભરૂચમાં એક શિક્ષકની નોકરી ગઈ, કારણ કે પાણીની સમસ્યા માટે અવાજ ઉઠાવ્યો!’ રિપોર્ટમાં જણાવાયું છે કે શિક્ષકે સ્થાનિક સાંસદ મનસુખ વસાવાને પોતાના વિસ્તારમાં પાણી ન આવતું હોવાની રજૂઆત કરતો એક વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો, ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.
રિપોર્ટ કહે છે કે, “હવે રાજકીય નેતા વિશે ટિપ્પણી કરવી સરકારી અધિકારીઓ માટે સસ્પેન્ડ થવાનું કારણ બની રહી છે. ડેડિયાપાડાના એક શિક્ષકે પોતાની સાચી વેદનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકતાં સરકારી શાળામાંથી વિડીયો બનાવનાર શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્શન લેટર મળી ગયો છે. નેતા સામે પ્રશ્ન કરવો અને આ કિસ્સો સરકારી કર્મચારીઓ માટે પણ ગંભીર બની ગયો છે.”
આગળ જે-તે શિક્ષકનો બચાવ કરીને કહેવામાં આવ્યું કે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાને પડતી મુશ્કેલી સરકાર સુધી પહોંચાડવાના પ્રયાસ કરે છે. સાથે કારણ વગર ‘ગુજરાત મોડેલ’ને પણ ઢસડવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે ‘વિકસિત ગુજરાતમાં વિકાસથી વંચિત જિલ્લાના લોકો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર સુધી અવાજ પહોંચાડતા હોય છે.’
અંતે સાંસદ મનસુખ વસાવા પર આરોપો લગાવવામાં આવ્યા છે કે તેઓ પાણીની સમસ્યા હલ ન કરી શકે, પરંતુ શિક્ષકને વાસ્તવિકતા દર્શાવવા બદલ સસ્પેન્ડ જરૂર કરાવી શકે! આગળ શિક્ષકના પગાર પર આખો પરિવાર નિર્ભર હોવાની વાત કરવામાં આવી અને લખવામાં આવ્યું કે, જે સરકાર પાણીના મુદ્દાની સમસ્યાને સમજી ન શકે, તે શિક્ષકની વ્યથા સમજી શકશે ખરી?
આ સમગ્ર રિપોર્ટ વાંચ્યા બાદ એવું લાગ્યા વગર રહે નહીં કે એક સરકારી શાળાના શિક્ષકે સાંસદ વિરુદ્ધ વિડીયો બનાવ્યો અને તેના કારણે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. તેનું કારણ એ છે કે અહીં ઘણી બધી બાબતોની સ્પષ્ટતા ખૂટે છે. એવી ઘણી બાબતો છે, જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અને આવું બન્યું પણ છે. ‘જમાવટ’ના આ રિપોર્ટની X પોસ્ટ પણ ઘણા લોકોએ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પીએમ મોદી પર સવાલ ઉઠાવ્યા છે. કોઈ ‘વિકાસ’ પર કટાક્ષ કર્યો તો કોઈએ કહ્યું કે, સરકાર સહન કરી શકતી નથી.
@CMOGuj , @Bhupendrapbjp Growth means gujarat aavu , Pani ni samasya ni Jan kari to nokari lai lidhi.
— jay (@RubiNavFan16) April 1, 2024
Gatishil Gujarat che bhai munga modhe sahan karava nu. Aa desh ma loko. Gulami kare toj sara lage che baki sarakr ne sachu kahi to pan. Sahan nathu thatu
— Ankit Mistri (@mistri_ank16092) April 1, 2024
આગળ ચર્ચા કરતાં પહેલાં ઘટના શું હતી તે જાણીએ.
વાસ્તવમાં, થોડા દિવસ પહેલાં ડેડિયાપાડાના માથાસર ગામના એક યુવક ભારજી વસાવાએ ગામમાં પીવાનું પાણી ન મળતું હોવાનું કહીને વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. આ વિડીયો ફરતો થયા બાદ સ્થાનિક સાંસદ અને લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા ગામમાં પહોંચ્યા હતા. તે દરમિયાન તેમની અને આ યુવક વચ્ચે થયેલી વાતચીતનો અન્ય એક વિડીયો પણ સામે આવ્યો હતો. આ વિડીયો પણ ખૂબ ફરતો થયો.
આ વિડીયો તે જે સંસ્થા સાથે જોડાયેલો હતો તેના ધ્યાને આવ્યો. કોઇ પણ રાજકીય ગતિવિધિમાં સામેલ થવું આ સંસ્થાના નિયમોની વિરુદ્ધ છે, તેથી તેમણે કાર્યવાહી કરી અને યુવકને સસ્પેન્ડ કરી દીધો. ઑપઇન્ડિયા પાસે આ સસ્પેન્શન લેટર પણ છે. જેમાં કારણો જણાવવામાં આવ્યાં છે.
ડૉ. કે આર શ્રોફ ફાઉન્ડેશને ફરજમુક્તિ પત્રમાં યુવકને જણાવ્યું છે કે, ‘સંસ્થામાં કાર્ય કરતા દરેક વ્યક્તિ દ્વારા ઉચ્ચ નીતિમત્તાનું પાલન થાય તેવો આગ્રહ સંસ્થા રાખતી હોય છે અને કોઇ પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ગેરવર્તણૂક સંસ્થાને સ્વીકાર્ય નથી.’
આગળ કહેવામાં આવ્યું છે કે, ભારજી વસાવાની ગેરવર્તણૂક વિશે ફરિયાદ મળતાં સંસ્થાએ તપાસ કરી હતી અને તેમાં માલૂમ પડ્યું કે તેઓ સંસ્થાના નિયમો અનુસાર વર્તન કરતા નથી. સંસ્થાના નિયમ મુજબ સંસ્થાનો કોઇ પણ કર્મચારી કોઇપણ રાજકીય ગતિવિધિમાં જોડાઇ શકે નહીં, છતાં જે વિડીયો બહાર આવ્યો છે, તે સંસ્થાના નિયમની વિરુદ્ધ છે. જેના કારણે તેમને ફરજમાંથી મુક્ત કરવામાં આવે છે.
જમાવટે આ સસ્પેન્શન લેટરમાં જણાવવામાં આવેલી બાબતોનો રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો નથી કે એ પણ સ્પષ્ટ જણાવ્યું નથી કે યુવક એક ખાનગી સંસ્થામાં નોકરી કરતો હતો. તેના સ્થાને તેને ‘સરકારી અધિકારી’ ગણાવી દેવામાં આવ્યો છે.
શું યુવક સરકારી કર્મચારી હતો?
‘જમાવટ’ના રિપોર્ટમાં આ યુવકને ‘સરકારી અધિકારી’ ગણાવવામાં આવ્યો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તે એક ખાનગી સંસ્થામાં કામ કરતો હતો, સરકારી કર્મચારી તરીકે નહીં. આ સંસ્થા, ડૉ. કે. આર શ્રોફ ફાઉન્ડેશન અંતરિયાળ વિસ્તારોમાં બાળકોને શિક્ષણ આપવા માટે યુવક-યુવતીઓની શિક્ષકો તરીકે ભરતી કરે છે. તેઓ જ પગાર પણ ચૂકવે છે. સામાન્ય જ્ઞાનની વાત છે કે જો વ્યક્તિ સરકારી કર્મચારી હોય તો તેનો સસ્પેન્શન લેટર સરકારના શિક્ષણ વિભાગ તરફથી આવે, કોઇ સંસ્થા તરફથી નહીં.
આ બાબતની પુષ્ટિ સ્વયં નર્મદાના પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવેએ પણ અખબાર દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કરી છે. તેમણે જણાવ્યું કે, “શિક્ષક ખાનગી સંસ્થાના નેજા હેઠળ કામ કરતા હતા, શિક્ષણ વિભાગ હેઠળ નહીં. સંસ્થા જ તેમને પગાર ચૂકવતી હતી અને સંસ્થાએ જ ગેરવર્તનના કારણે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.”
‘જમાવટ’ના રિપોર્ટમાં વારંવાર સરકારને ટાર્ગેટ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે અને સાથે લખ્યું છે કે, ‘જે સરકાર પાણીના મુદ્દાની સમસ્યાને ન સમજી શકે, તે આ શિક્ષકની વ્યથાને સમજશે ખરી?’ પરંતુ અહીં મૂળ વાત એ છે કે આમાં ક્યાંય વચ્ચે સરકાર આવતી જ નથી. એક યુવક જે ખાનગી સંસ્થામાં નોકરી કરે છે, તે રાજકીય ગતિવિધિમાં સામેલ થયો, જે નિયમોની વિરુદ્ધ હોવાના કારણે સંસ્થાએ તેને સસ્પેન્ડ કરી દીધો. સરકારની આમાં કશું જ ભૂમિકા નથી. આ જ બાબત ડૉ. કે. આર શ્રોફ ફાઉન્ડેશને પણ જણાવી છે.
સંસ્થાએ ઑપઇન્ડિયાને શું જણાવ્યું?
મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરતાં ઑપઇન્ડિયા ડૉ. કે. આર શ્રોફ ફાઉન્ડેશન સુધી પહોંચ્યું. સંસ્થાના ઝોનલ હેડ ગોવિંદભાઈએ અમારી સાથે ચર્ચા કરીને વિગતે માહિતી આપી અને સ્થિતિ સ્પષ્ટ કરી. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, તેઓ એક ખાનગી સંસ્થા છે અને તેમના નિયમોથી જે-તે વ્યક્તિ વિરુદ્ધ જતા હોઈ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, આ વિષયમાં સરકારને કે શિક્ષણ વિભાગને કશું લાગતું વળગતું નથી.
તેમણે જણાવ્યું કે, “અમે ખાનગી સંસ્થા છીએ અને શિક્ષણ ક્ષેત્રે ઘણાં વર્ષોથી કામ કરીએ છીએ. અમારા 600થી વધુ શિક્ષકો કામ કરે છે. પરંતુ અમે કોઇ પણ શિક્ષકની ભરતી વખતે એપોઈન્ટમેન્ટ લેટર આપતી વેળા જ સ્પષ્ટ કરીએ છીએ કે આપણું કામ શિક્ષણનું છે અને બાળકો જ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ, તે સિવાય બીજી કોઇ પ્રવૃત્તિમાં જોડાવું નહીં. આ અમારા નિયમો છે અને તેનું ઉલ્લંઘન થાય તો અમે ભૂતકાળમાં પણ કાર્યવાહી કરી જ છે.” તેમણે ઉમેર્યું કે, “અમારી સંસ્થા સાથે જોડાયેલો કોઇ પણ વ્યક્તિ જો રાજકીય ગતિવિધિમાં જોડાયેલો હોવાનું જાણવા મળે તો અમે પગલાં લઈએ છીએ.”
ગોવિંદભાઈએ સ્પષ્ટ કર્યું હતું કે, આ સમગ્ર પ્રકરણમાં સરકારને કશું લાગતું-વળગતું નથી. તેમણે કહ્યું, “અમે માત્ર પ્રાથમિક શાળાઓમાં કામ કરીએ છીએ. પરંતુ પગાર પણ સંસ્થા જ ચૂકવે છે અને નીતિ-નિયમો પણ સંસ્થાના જ પાળવા પડે છે. અમારા શિક્ષકો ત્યાં પૂરક શિક્ષક તરીકે કામ કરે છે. સરકાર તેમાં કોઇ હસ્તક્ષેપ કરતી હોતી નથી.”
કોઇ નેતા કે રાજકીય પક્ષનું દબાણ નથી
‘જમાવટ’ના રિપોર્ટમાં સાંસદ મનસુખ વસાવા પર આ યુવકને નોકરીમાંથી કઢાવવાના આરોપ લગાવવામાં આવ્યા છે. પરંતુ સંસ્થાના પ્રતિનિધિએ આ વાતો સદંતર નકારી દીધી છે. તેમણે કહ્યું, “અમે કોઇ પક્ષને માનતા નથી અને અમારી ઉપર કોઈનું દબાણ પણ નથી. અમારા નિયમો વિરુદ્ધ આચરણ દેખાયું એટલે કાર્યવાહી કરી છે. અમે એક સ્વતંત્ર સંસ્થા છીએ અને અમારા માણસોના કારણે સંસ્થાની પ્રતિષ્ઠા ન બગડે તે માટે નિર્ણય લેતા હોઈએ છીએ. આમાં કોઈનું દબાણ હોવાની કોઈ વાત નથી. અમે અગાઉ પણ આ મામલે કાર્યવાહી કરી જ છે.”
આટલી વિગતો પછી સ્પષ્ટ છે કે સમગ્ર ચિત્રમાં સરકાર ક્યાંય પણ આવતી નથી. એક યુવક છે, જે ખાનગી સંસ્થા સાથે જોડાયેલો છે અને ત્યાંથી પગાર મેળવે છે. તે રાજકીય ગતિવિધિમાં સામેલ હોવાનું ધ્યાને આવતાં સંસ્થાએ સંજ્ઞાન લઈને કાર્યવાહી કરી અને સસ્પેન્ડ કરી દીધો. અહીં સરકારને સવાલો કરવા અપ્રાસંગિક છે. કાલે ઉઠીને કોઇ મિડિયા કંપની એક્સ, વાય, ઝેડ કોઇ પણ કારણોસર કોઇ કર્મચારીને કાઢી મૂકે તો સરકાર સામે બાંયો ન ચડાવાય, કારણ કે દેખીતી રીતે સરકારો આમાં કશું કરી શકતી નથી.