PM નરેન્દ્ર મોદી સોમવારે (11 માર્ચ, 2024) હરિયાણાના ગુરુગ્રામના પ્રવાસ પર હતા. અહિયાં PM મોદીએ દ્વારકા એક્સપ્રેસ વેના હરિયાણા સેકશનનું લોકાર્પણ કર્યું. તેમણે ગુરુગ્રામમાં એક્સપ્રેસ વે સહિત 114 રોડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે તેમની સાથે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે તેમણે ગુરુગ્રામમાં એક સભાને પણ સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ન તો તેઓ સાધારણ સપના જુએ છે અને ન તો સામાન્ય સંકલ્પો કરે છે.
સોમવારે (11 માર્ચ) PM મોદીએ ગુરુગ્રામમાં દ્વારકા એક્સપ્રેસ વેનું લોકાર્પણ કર્યું છે. આ એક્સપ્રેસ વે ગુરુગ્રામમાં 18.9 કિલોમીટર અને દિલ્હીમાં 10.1 કિલોમીટર સુધી વિસ્તરેલો છે. ગુરુગ્રામમાં ખેડકી દૌલા પ્લાઝા નજીકથી લઈને દિલ્હીના મહિપાલપુરમાં શિવમૂર્તિ સુધી આ એક્સપ્રેસ વે વિસ્તરેલો છે. ₹9000 કરોડના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટથી દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે અને અન્ય મુખ્ય માર્ગો પર ટ્રાફિક સ્થિતિ હળવી થવાની અપેક્ષા છે. દિલ્હી-ગુડગાંવ એક્સપ્રેસ વે અને અન્ય મુખ્ય માર્ગો પર ટ્રાફિકની ભીડનો સામનો કરી રહેલા મુસાફરોને આ એક્સપ્રેસ વે ખોલવાથી ખૂબ જ રાહત મળી છે.
‘પરિવહનનો અનુભવ હંમેશા માટે બદલાઈ જશે’
ગુરુગ્રામમાં સભાને સંબોધિત કરતી વખતે PM મોદીએ કહ્યું કે, “આધુનિક ટેક્નોલોજી અને કનેક્ટિવિટી દ્વારા દેશના ખૂણે ખૂણે લાખો લોકો આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે. એક સમય હતો જ્યારે દિલ્હીથી કાર્યક્રમોનું આયોજન થતું અને દેશને ફાયદો થતો. સમય બદલાયો છે, આજે ગુરુગ્રામમાં એક કાર્યક્રમ થયો અને આખો દેશ જોડાયો, હરિયાણા આ ક્ષમતા બતાવી રહ્યું છે. આજે દેશે આધુનિક કનેક્ટિવિટી તરફ વધુ એક મોટું પગલું ભર્યું છે.”
#WATCH | Haryana: Prime Minister Narendra Modi along with Haryana CM Manohar Lal Khattar and Union Minister Nitin Gadkari inspects the Dwarka Expressway.
— ANI (@ANI) March 11, 2024
The PM will shortly inaugurate the Dwarka Expressway in Gurugram. pic.twitter.com/BImEyweM7x
PM મોદીએ વધુમાં કહ્યું કે, “મને ખુશી છે કે આજે મને દ્વારકા એક્સપ્રેસ વે દેશને સમર્પિત કરવાની તક મળી છે. આ એક્સપ્રેસ વે પર ₹9,000 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આજથી દિલ્હી અને હરિયાણા વચ્ચેના પરિવહનનો અનુભવ હંમેશા માટે બદલાઈ જશે.”
‘હું સાધારણ સપના જોતો નથી’- PM મોદી
PM મોદીએ કહ્યું કે, “હજુ 2024ના ત્રણ મહિના પણ પૂરા થયા નથી અને આટલા ઓછા સમયમાં 10 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ફક્ત એવા પ્રોજેક્ટ્સ છે જેમાં હું પોતે સામેલ થયો છું. આ સિવાય મારા મુખ્યમંત્રીઓ અને મંત્રીઓએ પણ વિકાસની યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું છે.”
PMએ કહ્યું કે, “હું ના તો નાનું વિચારું છું, ના તો સાધારણ સપના જોઉં છું અને ના તો સામાન્ય સંકલ્પો કરું છું. મારે જે જોઈએ તે વિરાટ જોઈએ, વિશાળ જોઈએ અને તેજ ગતિથી જોઈએ, કારણ કે 2047માં મારે દેશને ‘વિકસિત ભારત’ના રૂપે જોવો છે.”